વિપક્ષે પણ શાસકોના કાન ખેંચતા સવાલ મૂકયા : કુલ 16 કોર્પોરેટરના 30 પ્રશ્ર્નો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
મહાપાલિકાની દ્વિમાસિક સામાન્ય સભા આવતીકાલ તા. 20ના રોજ મળવાની છે. આ સભામાં શાસક પક્ષના મહિલા કોર્પોરેટરના સરકારી માહિતી જેવા પ્રશ્નથી ચર્ચા શરૂ થવાની છે તો શાસક પક્ષના કોર્પોરેટર ડો. નેહલ શુકલએ ફાયર એનઓસી પ્રક્રિયા, ટેન્ડરની માહિતી માંગતો ગરમ પ્રશ્ન પૂછયો છે. આ સાથે વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયા અને પૂર્વ નેતા ભાનુબેન પ્રવિણભાઇ સોરાણીએ પણ શાસકોના કાન ખેંચતા સવાલો મૂકયા છે. તો બોર્ડના એજન્ડા પર રહેલી દરખાસ્તોમાં ઘંટેશ્વર અને મોટા મવાની નવી ટીપી સ્કીમની દરખાસ્તો પણ રજૂ કરવામાં આવી છે.
- Advertisement -
ગત અઠવાડિયે બોર્ડના એજન્ડાના દિવસે સવારે શાસક પક્ષના સભ્યોએ પાર્ટીની સૂચનાથી પ્રશ્ન મૂકયા હતા. તે બાદ સાંજે વોર્ડ નં.7ના કોર્પોરેટર નેહલ શુકલએ ફાયર એનઓસીના નિયમો, પેન્ડીંગ અરજી, નામંજૂર અરજીની વિગતો પૂછી હતી. બીજા પ્રશ્નમાં 2022-23 અને 2024-25માં જુદા જુદા વિભાગમાં ર0 લાખથી વધુના ટેન્ડર, તારીખ, ભાવ ખોલવાની તારીખ, વર્ક ઓર્ડર, પેમેન્ટ સહિતની માહિતી માંગી છે. મનપા વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયાએ પણ ત્રણ પ્રશ્ન મૂકયા છે. પ્રિ-મોન્સુન અને આફર મોન્સનુ કામગીરી, વર્ગ-1થી 3માં ખાલી જગ્યા સહિત મહેકમની વિગતો, ત્રણ વર્ષમાં મનપાની હદમાં થયેલા અકસ્માતો, કોર્પો.ની બેદરકારી અંગેની વિગતો પૂછી છે. તો પૂર્વ નેતા ભાનુબેન સોરાણીએ કોર્પો.માં ગાર્બેજ નિકાલ માટે નવા ટેન્ડરની સ્થિતિ, નવા વાહનો, તેનો સ્ટાફ, ડ્રેનેજ મેન હોલમાંથી નીકળતા કચરાના નિકાલની વ્યવસ્થા, ખર્ચ, પેમેન્ટની વિગત પૂછી છે. તમામ શાખાની છ માસની કામગીરી અને ટીપી સ્કીમ અંગેની વિગતો પૂછી છે.
કાલના બોર્ડમાં 1 થી 3 ક્રમે ભાજપના સભ્યોના પાંચ પ્રશ્નો રજૂ થયા છે. જયારે કોંગ્રેસના કોર્પોરેટરના પ્રશ્ન ચોથા ક્રમે હોય વધુ એક વખત ભાજપના કોર્પોરેટરોનાપ્રશ્નોની સરકારી ચર્ચામાં જ બોર્ડ પુરૂ થઇ જાય તેવું લાગે છે. પ્રથમ પ્રશ્ન વોર્ડ નં.પના ભાજપના મહિલા કોર્પોરેટર રસિલાબેન સાકરીયાનો છે. બોર્ડના એજન્ડા પર કુલ 11 દરખાસ્તો રહેલી છે. જેમાં સાત દરખાસ્તો તો ટીપી સ્કીમને લગતી છે. આ રીતે આગામી બોર્ડ ટીપી સ્કીમને લગતું બોર્ડ બની રહેશે. ઘંટેશ્ર્વર અને મોટા મવાની બે નવી ટીપી સ્કીમ બનાવવા તથા અન્ય સ્કીમમાં દરખાસ્તોને પરામર્શ આપવાની કાર્યવાહી આ બોર્ડમાં થશે. ચૂંટણી વર્ષમાં આવેલી અર્ધો ડઝનથી વધુ ટીપી સ્કીમની દરખાસ્તો અંગે વિપક્ષના સભ્યો શું માહિતી લે છે તે પણ મહત્વનું બની રહેશે.
સુચિત મુસદ્દારૂપ નગર રચના યોજના નં.44 બનાવવા માટેનો ઇરાદો જાહેર કરવા આ બોર્ડમાં દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. આ સિવાય મોટા મવા સાથે જ કોર્પો.માં ભળેલા ઘંટેશ્વર વિસ્તારની ટીપી નં.46 બનાવવાનો ઇરાદો પણ જાહેર કરવાનો પ્રસ્તાવ એજન્ડામાં આવ્યો છે. રહેણાક અને ઔદ્યોગિક ઝોન સાથેના આ વિકાસશીલ વિસ્તારમાં ટીપી સ્કીમ બનાવવી આવશ્યક દર્શાવવામાં આવી છે. તેનું ક્ષેત્રફળ 19.25 લાખ ચો.મી. (192.56 હેકટર) થાય છે. જે રૂડાની પરાપીપળીયા, ઘંટેશ્વર, માધાપરની હદને ટચ થાય છે. આ 46 નંબરની દરખાસ્ત બનાવવા માટે મુખ્ય નગર નિયોજક દ્વારા પણ પરામર્શ મળી ગયો છે. આથી સરકારમાં મંજૂરી માટે બંને નવી ટીપી સ્કીમ મોકલવામાં આવનાર છે.
- Advertisement -
મોટા મવા-23માં સામેલ સત્તામંડળને ફાળવવામાં આવેલા ખંડ અને ટીપી રસ્તાને પણ પરામર્શ આપવામાં આવશે. તેની કામચલાઉ પુન:રચનાની દરખાસ્તને પરામર્શ આપવા નિર્ણય કરવામાં આવશે. મોટા મવા-22માં પણ આ જ રીતે પરામર્શ આપવાનો ઠરાવ ટીપી કમીટીએ કર્યો હતો. જેને દરખાસ્તના રૂપમાં કમિશનરે મોકલ્યો છે.



