રૂ. 359 કરોડના મેગા માસ્ટર પ્લાન : પ્રથમ બે તબક્કાના રૂ. 121 કરોડના વિકાસ કાર્યો પૂર્ણ
ગુજરાત સહિત દેશ-વિદેશના લાખો શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું પ્રતિક ગણાતું પાવાગઢ મહાકાળી મંદિર આગામી સમયમાં વધુ ભવ્ય અને વિશ્વસ્તરીય યાત્રાધામ તરીકે વિકસવા જઈ રહ્યું છે. યુનેસ્કોની વિશ્વ વારસા યાદીમાં સ્થાન પામેલા ચાંપાનેર-પાવાગઢ હેરિટેજ ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારે રૂ. 359 કરોડથી વધુના ખર્ચે મેગા માસ્ટર પ્લાન અમલમાં મૂક્યો છે. ચાર તબક્કામાં અમલમાં મુકાયેલા આ આયોજન હેઠળ યાત્રાળુઓને આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની સાથે ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાનું સંરક્ષણ પણ કરવામાં આવી રહ્યું છે. ગુજરાત સરકાર રાજ્યની તમામ વર્લ્ડ હેરિટેજ સાઇટ્સના સંરક્ષણ અને વિકાસ માટે પ્રતિબદ્ધ હોવાનું દર્શાવતાં પાવાગઢમાં સતત વિકાસ કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકાર પાવાગઢને આધ્યાત્મિકતા અને આધુનિક સુવિધાઓનું અનોખું કેન્દ્ર બનાવવાના પ્રયાસો કરી રહી છે.
- Advertisement -
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અમલમાં મૂકાયેલા મેગા માસ્ટર પ્લાનના પ્રથમ અને બીજા તબક્કામાં રૂ. 121 કરોડના ખર્ચે અનેક મહત્વપૂર્ણ વિકાસ કાર્યો પૂર્ણ કરવામાં આવ્યા છે. તેમાં મહાકાળી મંદિર અને મંદિર પરિસરનું વિસ્તરણ અને નવીનીકરણ મુખ્ય આકર્ષણ છે. અગાઉ 545 ચોરસ મીટરનું મંદિર પરિસર હવે ત્રણ સ્તરમાં વિસ્તરીને 2,980 ચોરસ મીટર જેટલું વિશાળ બન્યું છે. સાથે જ પરિસરમાં વીજળીકરણ, પબ્લિક એડ્રેસ સિસ્ટમ, સીસીટીવી કેમેરા સહિતની આધુનિક સુરક્ષા અને સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. શ્રદ્ધાળુઓને સરળ અને સુરક્ષિત દર્શન માટે માંચી ચોકથી મંદિર સુધીના 3.01 કિલોમીટર લાંબા અને પહોળા માર્ગ સાથે કુલ 2,374 નવી સીડીઓનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે, જેના કારણે યાત્રાળુઓની અવરજવર વધુ સરળ બની છે.
હવે પાવાગઢ વિકાસ યોજનાના ત્રીજા અને ચોથા તબક્કા હેઠળ રૂ. 238 કરોડના વિકાસ કાર્યો હાથ ધરાશે. તેમાં રૂ. 148 કરોડના ખર્ચે ફેઝ-3એ અને ફેઝ-3બીનો સમાવેશ કરવામાં આવ્યો છે. ફેઝ-3એ અંતર્ગત રૂ. 13.68 કરોડના ખર્ચે માંચી ચોક ખાતે મલ્ટી લેવલ પાર્કિંગનું કામ પૂર્ણ થયું છે. જ્યારે ફેઝ-3બી હેઠળ રૂ. 135.19 કરોડના ખર્ચે ચાંપાનેર વિસ્તારમાં આંતરિક અને બાહ્ય માર્ગો, નવા પાથ-વે, ઇલેક્ટ્રિફિકેશન, હરિયાળી વિકાસ, 600થી વધુ વાહનો માટે વિશાળ પાર્કિંગ, બસ સુવિધા સહિતના માળખાકીય વિકાસ કાર્યો હાથ ધરાશે. ઉપરાંત વડા તળાવ પરિસરમાં ઉદ્યાન, ઘાટ, વોટર જેટ્ટી, ફૂટઓવર બ્રિજ, થીમ પાર્ક, ચિલ્ડ્રન પ્લે એરિયા, એક્ટિવિટી ઝોન, બર્ડ વોચ ટાવર, ક્રાફ્ટ સ્ટોલ અને 500 કાર માટે અલગ પાર્કિંગ જેવી પ્રવાસનને પ્રોત્સાહન આપતી સુવિધાઓ પણ વિકસાવવામાં આવશે. રાજ્ય સરકારનું માનવું છે કે પાવાગઢના આ વિકાસથી માત્ર યાત્રાળુઓને વધુ સુવિધા મળશે એટલું જ નહીં, પરંતુ ચાંપાનેર-પાવાગઢ વિશ્વ વારસા ક્ષેત્રમાં ધાર્મિક પ્રવાસન, હેરિટેજ ટુરિઝમ અને સ્થાનિક રોજગારીને પણ નવી દિશા મળશે. પ્રાચીન સાંસ્કૃતિક વારસાને જાળવી રાખતાં આધુનિક સુવિધાઓ સાથે પાવાગઢને વૈશ્વિક કક્ષાના યાત્રાધામ તરીકે વિકસાવવાનો રાજ્ય સરકારનો સંકલ્પ આ મેગા માસ્ટર પ્લાન દ્વારા વધુ મજબૂત બન્યો છે.
‘પાવાગઢ પુનરુદ્ધાર’ના ચાર વર્ષ, શ્રદ્ધાળુઓની સંખ્યા બમણી થઈને 3.84 કરોડને પાર
18 જૂન, 2026ના રોજ ‘પાવાગઢ પુનરુદ્ધાર’ના ચાર વર્ષ પૂર્ણ થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 18 જૂન, 2022ના રોજ પાવાગઢના નવ નિર્મિત શિખર પર 500 વર્ષ બાદ કલશ તથા ધ્વજારોહણ કર્યું હતું. પાવાગઢ પુનરુત્થાન બાદ અહીં આવનારા માઈભક્તો, શ્રદ્ધાળુઓ અને ધાર્મિક પ્રવાસીઓની સંખ્યામાં ભારે વધારો થયો છે. પાવાગઢ પુનરુત્થાન બાદ એટલે કે વર્ષ 2022-23થી 2025-26 (18 જૂન, 2026 સુધી) એટલે કે ચાર વર્ષમાં 3 કરોડ 84 લાખથી વધુ શ્રદ્ધાળુઓ પાવાગઢની યાત્રાએ પહોંચ્યા. આ પહેલાં 2016-17થી 2021-22 સુધીના પાંચ વર્ષમાં 2.32 કરોડ શ્રદ્ધાળુઓએ પાવાગઢની યાત્રા કરી હતી. કુલ મળીને 2016-17થી 2025-26 સુધી 6.17 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ મહાકાળી માતાના મંદિરે દર્શન કરવા પહોંચ્યા. 2016-17માં જ્યાં માત્ર 38.67 લાખ શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા, ત્યાં 2025-26માં આ આંકડો છ ગણો વધીને 6.17 કરોડથી વધુ પર પહોંચી ગયો. એવામાં પાવાગઢ ખાતે સરકાર દ્વારા મેગા માસ્ટર પ્લાન હેઠળ કરાઈ રહેલા વિકાસ-સુવિધા કામોના પગલે શ્રદ્ધાળુઓની સુવિધા તેમજ સંખ્યામાં વધુ વધારો થશે.




