ઉનાળાની ગરમીને ધ્યાને રાખી સિવિક સેન્ટર પર પીવાના પાણી અને છાંયડાની સુવિધા વધારવા અધિકારીઓને આપ્યા કડક આદેશ
વહીવટી તંત્રમાં દરેક પ્રશ્ર્નનું સકારાત્મક સમાધાન હોય જ છે: અમારો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોની સમસ્યાઓનું નિરાકરણ લાવવાનો છે: મેયર ડો.નેહલ શુક્લ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાના નવનિયુક્ત મેયર ડો. નેહલ શુક્લએ પદભાર સંભાળતાની સાથે જ જનતાના પ્રશ્નોના નિકાલ માટે આક્રમક અને સકારાત્મક અભિગમ અપનાવ્યો છે. તેઓ પોતાની સત્તાવાર ઓફિસમાં પહોંચીને ખુરશી પર બેસે તે પહેલાં જ સીધા સિવિક સેન્ટરની સરપ્રાઈઝ મુલાકાતે પહોંચી જતાં મનપાના અધિકારીઓ અને કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી. મેયરને વહેલી સવારથી જ સક્રિય ભૂમિકામાં જોઈને અરજદારોમાં પણ વહીવટી તંત્ર પ્રત્યે નવી આશાનો સંચાર થયો છે.
રાજકોટ મનપાના સિવિક સેન્ટરોમાં વિવિધ વહીવટી કામગીરી, દાખલાઓ અને કરવેરા ભરવા માટે વહેલી સવારથી જ નગરજનો અને અરજદારોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. કાળઝાળ ગરમી વચ્ચે લોકોને હાલાકી ન ભોગવવી પડે તે માટે મેયર ડો. નેહલ શુક્લએ રૂબરૂ પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે સેન્ટર પર હાજર નાગરિકો સાથે સીધો સંવાદ સાધ્યો હતો અને તેમની મુશ્કેલીઓ વિશે જાણકારી મેળવી હતી.
મુલાકાત દરમિયાન મેયરે સેન્ટર પર ઉપસ્થિત ઉચ્ચ અધિકારીઓ અને સ્ટાફને સ્પષ્ટ શબ્દોમાં તાકીદ કરી હતી કે, સિવિક સેન્ટરે આવતા કોઈપણ અરજદારને સુવિધાનો અભાવ ન સાલવો જોઈએ. હાલની ગરમીની ઋતુને ધ્યાનમાં રાખીને તેમણે અરજદારો માટે તાત્કાલિક ધોરણે પીવાના શુદ્ધ પાણીની અને લાઈનમાં ઊભા રહેવા માટે યોગ્ય છાયડાની (શેડની) વ્યવસ્થા કરવા માટેના કડક આદેશો આપ્યા હતા. જનતાની સુખાકારીમાં કોઈ પણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં નહીં આવે તેવી ચીમકી પણ તેમણે ઉચ્ચ અધિકારીઓને આપી હતી. સિવિક સેન્ટરમાં ટેકનિકલ કારણો અને મશીનોની અમુક મર્યાદાના લીધે લોકોની ભીડ અને પ્રક્રિયામાં સમય લાગતો હોવાની બાબત સામે આવતા મેયર ડો. નેહલ શુક્લએ જણાવ્યું હતું કે: ‘મશીનો અને સિસ્ટમની અમુક ટેકનિકલ મર્યાદાઓના કારણે ક્યારેક લોકોનો ઘસારો કે વેઇટિંગ ટાઇમ વધી જતો હોય છે, પરંતુ વહીવટી તંત્રમાં દરેક પ્રશ્નનું સકારાત્મક સમાધાન હોય જ છે. આપણો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોની સમસ્યાઓનું ઝડપી અને સરળ નિવારણ લાવવાનો છે, અને તે દિશામાં મનપાની નવી ટીમ સંપૂર્ણ પ્રતિબદ્ધતા સાથે કામ કરશે.’
ચાર્જ સંભાળવાના પ્રથમ દિવસે જ મેયર દ્વારા લેવાયેલા આ ત્વરિત પગલાંથી સ્પષ્ટ સંકેત મળે છે કે આગામી સમયમાં રાજકોટ મહાનગરપાલિકામાં પ્રજાલક્ષી કાર્યોને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવશે.



