આગામી તારીખ 29-10-2020ને ગુરૂવારનાં રોજ એટલે કે આવતીકાલે ઇસ્લામી હિજરી કેલેન્ડર મુજબ ઈદ-એ-મિલાદનો તહેવાર છે. સમગ્ર વિશ્વનાં ખૂણે ખૂણે વસતા મુસ્લિમ બિરાદરો(પછી તે અમીર હોય કે ગરીબ) આ તહેવાર ખુબ જ શાનો-શૌકત, હર્ષ-ઉલ્લાસ અને ઉત્સાહનાં ઉમળકા સાથે ઉજવે છે.

આ વખતે કુદરત કાળા માથાનાં માનવી પર રૂઠ્યો હોય એમ, દરેક તહેવાર અને પ્રસંગ, સામુહિક કાર્યક્રમો અને મેળાવડાઓ ને COVID-19નું ગ્રહણ લાગ્યું છે. કાં તો તહેવારોની ઉજવણી થઇ નથી, કાં તો મર્યાદિત ઉજવણી થઇ પણ આપણે ઉત્સવપ્રિય પ્રજા એટલે બિન્દાસ ફરવા વાળાને મર્યાદા માં મજા ન આવે.

ઠિક આ બધી હૈયાવરાળ તો ચાલતી જ રહેશે પણ આજે આપણે બધા લોકો થોડીકવાર માટે ખુદ (સ્વયં) ને હકીકત થી રૂબરૂ કરાવીએ. તમને વાંચવાની મજા તો પડશે જ પણ એક મહાન વ્યક્તિત્વ, અભિન્ન તત્વચેતા, વૈજ્ઞાનિક, ભવિષ્યવેતા, સમાજ સુધારક, પશુપાલક, જીવ દયા પ્રેમી, કરુણાનું વહેતુ ઝરણું, દયાળુતાનો ઘુઘવતો રત્નાકર, સૌંદર્યનો સમુદ્ર, હુશ્ન-એ-અખ્લાકનો દરિયો,નમ્રતાનો હિમાલય…આવા અનેક ગુણો-સદગુણો, અઢળક વિશેષણો જેમનાં માટે ટૂંકા પડે..અધ્યાયો અને ગ્રંથો કે દળદાર પુસ્તકો પણ જેમનાં જીવન ચરિત્ર અને પ્રેરણાદાયી પવિત્ર જીવનનું વર્ણન કરવા માટે ખૂટી પડે….છતાં મારાં જેવો પાપી માણસ, પરવરદિગારનો ગુનેગાર બંદો, એ અઝીમ હસ્તી વિશે લખવાની કોશિશ કરે…એ વાતને જ હું મારું સદભાગ્ય માનું છું. તેમજ વિશેષ રૂપે પરવરદિગાર, ઈશ્વર, પરમાત્મા, કુદરતનો શુક્ર અદા કરું(આભાર માનું) છું.

તેમજ આ અખબાર માધ્યમ થી આપ સૌને એક નમ્ર અરજ પણ કરું છું કે, આપણે સૌ COVID-19ની સ્થિતી અને UnLock ની માર્ગદર્શિકા મુજબ જ ઈદ-એ-મિલાદની ઉજવણી કરીએ.

માફી ચાહું છું કે મેં મારી પ્રસ્તાવના માં જ મારી આદત મુજબ ઘણું બધું લખી નાખ્યું છે..તો હવે એડવાન્સ માં જ આપ સૌને ઇસ્લામ ધર્મનાં મહાન પયગંબર સાહેબનાં અવતરણ દિવસ (જન્મદિન)
ઈદ-એ-મિલાદની ખુબ ખુબ મુબારકબાદી..

  • હવે વાંચો આ હકીકત

દુનિયામાં સૌ પ્રથમ જેમણેે “બેટી બચાવો-બેટી પઢાઓ” અભીયાન ચલાવ્યું. જેમણે બેટી પઢાઓની શરૂઆત પોતાની દીકરીથી કરી.

જયારે દુનિયામાં તાજી-જન્મેલી દીકરીને દૂધપીતી કરવી અને જે મહિલાનો પતિ મરી જાય તેને સતી થવું પડે તેવા નકામા રીવાજો હતા તેવા રીવાજો તેમણે દૂર કર્યા.

જયારે દુનિયામાં વિધવા મહિલાને બધા ધૃણાની દ્રષ્ટિથી જોઈ રહ્યા હતા. ત્યારે મહિલાઓને સન્માન જનક જીંદગી જીવવાનો હક છે તેવી પહેલ તેમણે કરી.
આજે આપણે એવા રીત-રિવાજો માં ઉછરી રહ્યા છીએ કે જ્યાં દિકરીનાં પિતા એ અઢળક દહેજ દિકરા પક્ષને આપવું પડે છે..પણ દિકરીને શિક્ષિત કરીને યોગ્ય ઉંમરે તેને યોગ્ય પાત્ર સાથે પરણાવવાની વાત કરી અને જેમણે ખુદ એક એવી હદીષ બયાન કરી (ઉપદેશ આપ્યો) કે સૌથી બહેતરીન (શ્રેષ્ઠ) નિકાહ (લગ્ન) એ છે જેમાં સૌથી ઓછો ખર્ચો કરવામાં આવે..માશા અલ્લાહ!
પરંતુ દુઃખની વાત એ છે કે આપણે સૌ એવા નકામા રિવાજો અને સદંતર બિનઉપયોગી પ્રથાઓ માં ફસાયેલાં છે કે આજે પણ આપણે ત્યાં દહેજ પ્રથા અમલી છે.જયારે દિકરી જુવાન થાય અને તેના લગ્નની વાત આવે તો… દિકરીનો પિતા હાંફળો ફાંફળો થઇ જાય. સગા-વ્હાલા અને સમાજ વચ્ચે પોતાની પ્રતિષ્ઠા સાચવવા માટે વ્યાજે નાણાં મેળવીને દિકરી ને દહેજ આપે છે, દેવું કરીને લગ્ન પૂર્ણ કરે છે. પયગંબર સાહેબનાં ફરમાન વિરુદ્ધ જઈને આપણે લગ્ન કરીએ છે..એ લગ્નજીવન સફળ થાય ખરા?

બાળકોને શિક્ષણ આપો અને સંસ્કારી બનાવો. તેવો આદેશ જેમણે આપ્યો. શિક્ષણ મેળવવા માટે દુનિયાના કોઈ પણ છેડે જવું પડે તો જાઓ પરંતુ શિક્ષિત બનો, સંગઠીત બનો, અને સંઘર્ષ કરો તેવી વાત જેમણે હજારો વર્ષ પહેલા કરી.

લોકો આજે સફાઈ અભિયાન ચલાવે છે. હકીકતે આજ-કાલ ચાલતું સફાઈ અભિયાન એ સેલ્ફી અભિયાન છે અને પ્રસિદ્ધિ ની ભુખ પુરતો સિમિત છે,પરંતુ ઈન્સાન હોવાને નાતે સફાઈ અને પાકીઝગીએ માણસના ઈમાનનો અર્ધો ભાગ છે. તેવી વાત જેમણેે દુનિયામાં સૌપ્રથમ કરી.

જેઓ ખુબ જ શક્તિશાળી હોવા છતાં પણ જેમણે પોતાના ખૂંખાર દુશ્મનોને માફ કર્યા. ક્ષમા આપવી એ બહાદુરોનું આભૂષણ છે. તેવી વાત જેમણે હજારો વર્ષ પહેલા કરી.

આજે નેતાઓ પોતાની મનમાની કરવા સત્તા મેળવે છે રાજકારણ રમે છે, પરંતુ રાજકારણએ સમાજ માટે હાનિકારક છે અને લોકશાહી માટે રાજનીતિ જ ફાયદાકારક છે તેમ જેમનો આદેશ રહ્યો છે. રાજનીતિ શું છે. જેમણે દુનિયાને રાજનીતિ શીખવાડી. શાસન કેમ કરવું..? જીવનમાં અનુશાસનનું મહત્વ શું છે. તેવી વાત જેમણે કરી. જેનું જીવન સમગ્ર દુનિયાના લોકો માટે અનુકરણીય છે.

ભારત દેશની ઓળખાણ મહાત્મા ગાંધીથી છે. એ મહાત્મા ગાંધીએ લોકોને સત્ય અને અહિંસાના બે અમોઘ શસ્ત્રો આપ્યા . પરંતુ મોહનદાસ કરમચંદ ગાંધી નામનાં પોરબંદરના વાણીયાને સત્ય અને અહિંસાની પ્રેરણા જેમના જીવનમાંથી મળી. તેમનાં જ દોહિત્ર એવા મહાન યોદ્ધા તેમજ ધીરજ અને ધૈર્યનાં હિમાયતી એવા હજરત ઇમામ હુશેન રદીઅલ્લાહો અન્હોને જેમણે યુવાનીમાં શું કરવું જોઈએ તેવી સમજણ અને સબક શિખવાડ્યા. ઇમામ હુશેનનાં માધ્યમ થી જેમણે દરેક યુવાનને આગવો સંદેશ આપ્યો.

ગાંધીજીનું એક ભજન છે કે,
વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે..

આ ભજનની એક પંક્તિ એવી છે કે,

સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે;
જીહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે… વૈષ્ણવ..!

પર સ્ત્રી વિષે એક સત્યવાન માણસ(મોમીન)ની નિય્યત કેવી હોવી જોઈએ. તેવી વાત જેમણે હજારો વર્ષ પહેલા કરી.

સમાજનાં દરેક વર્ગનાં લોકોને
જેમા
બાળક,
કિશોર,
યુવાન,
મહિલા,
વૃદ્ધ
ત્યાં સુધી કે સમાજના દરેક વર્ગમાં હમેશા સમાનતા જેમની પ્રાથમિકતા રહી છે.અને એ સાબિત કરી બતાવ્યું.

ગુજરાતમાં ઘણા બધા આંદોલન થયા અને એ જ આંદોલનમાંથી અનેક નેતાઓ રાજ્યને મળ્યા.
ભારતની સ્થિતી તો એવી છે કે અહિં તો પોલીસ જવાનો, વકીલો, શિક્ષકો પણ ખુદનાં રક્ષણ-માંગણી માટે આંદોલન કરે.

સ્ત્રી શક્તિનાં મહત્તમ ઉપાસકો ધરાવતા દેશમાં જ આપણે સ્ત્રીઓ સાથેનાં દુરાચારને અટકાવી શક્યા નથી. દેશમાં યુવાન, મહિલાઓ, ખેડૂતો સહિતનાં અનેક લોકોનું કલ્યાણ કરવાનાં હેતુસર અનેક આંદોલન થયા. છેલ્લા 4-5 વર્ષમાં ગાંધીનું ગુજરાત તો અનેક આંદોલનોનું રણસંગ્રામ રહ્યુ છે.

અત્યારે દેશમાં બેરોજગારીનો મુદ્દો ખુબ ચગ્યો છે અને આપણા ગુજરાતમાં એક આંદોલન તો ખાસ બેરોજગારી અને દારૂબંધી માટે થયેલું. પરંતુ વ્યાભિચાર, દારૂ અને વ્યસનથી સમાજની હાલત શું થશે તેવી ભવિષ્યવાણી જેમણે હજારો વર્ષ પહેલા કરી .

સાઉદી અરબની વૈભવી ધરતી પર જયારે અમીરી પોતાની પરાકાષ્ટા પર હતી. ત્યારે સાઉદી અરબમાં ગુલામી પ્રથા અમલમાં હતી. માલેતુજાર લોકો હબશી લોકોની ખરીદી કરતા. ત્યારે ત્યાં પણ રંગ-ભેદની નીતિ ખુબ ગાઢ હતી.ત્યારે બિલાલ નામના સામાન્ય ગુલામને પરવરદિગારના પવિત્ર ઘર કાબા શરીફની છત પર ચડાવીને જેમણે ઉચ-નીચની હલકી વૃતિને નેસ્ત નાબૂદ કરી.

એક હી શફ મેં ખડે હો ગયે મહેમુદો અયાઝ
ના કોઈ બંદા રહ ના કોઈ બંદા નવાઝ..!

જેમણે આવા શબ્દો ઉચ્ચારીને સમાનતાની કડકાઈ પૂર્વક હિમાયત કરી. હબ્શી ગુલામને જેમણે પોતાની સાથે રાખીને ખુદાની બંદગી કરી તેમજ સમાનતાનો અમલ કરીને દુનિયાને માર્ગ બતાવ્યો.

આપણી આજુ-બાજુ એક એવી સંસ્કૃતિ પણ ઉછરી છે. જેમાં ધર્મ અને સંસ્કૃતિનાં નામે લોકોને ગામની અંદર પ્રવેશવાની મનાઈ હતી. તેના કરતા માનવતાને લજવે તેવી વાત તો એ છે કે, ભીમરાવ નામનો એક બાળક પ્રાથમિક શાળામાં અભ્યાસ કરવા જાય, પણ એ ભીમરાવને શાળાના પરબ પરથી પાણી પીવાની છૂટ ન હતી. જયારે ડો. ભીમરાવ પાણી પીવા જાય છે ત્યારે તેમને શાળાનો પ્યુન પાણી પીવા નથી આપતો. કેમ કે તે પિછડા સમુદાયથી આવતા હતા. પરંતુ માણસ એ ઈશ્વરનું શ્રેષ્ઠ સર્જન છે અને માણસ-માણસ વચ્ચે ક્યારેય કોઈ અસમાનતા ના હોય. તેવો આદેશ જેમણે પુરા જગતને આપ્યો. સમાજમાંથી ઉંચ-નીચનાં ભેદભાવ સંપૂર્ણ દૂર કરીને સમતા-સમાનતા અને બંધુતાની શરૂઆત જેમણે પોતાના ઘરથી કરી. જેમના જીવન વિષે કોઈને ખબર નથી. ખાસ કરીને આપણા ભારત દેશમાં પયગંબર સાહેબ વિષે કોઈને કઈ જ ખબર નથી. માત્ર ગણ્યાગાંઠ્યા લોકોને અલ્લાહનાં શાંતિદૂત હજરત મહંમદ પયગંબર સાહેબ વિશે ખ્યાલ હશે, પરંતુ તે પણ અધકચરી અને પાયાવિહોણી માહિતી છે ! અને જે લોકો પાસે માહિતી છે તેમણે આ માહિતી અન્યો સુધી પહોંચાડવામાં ઘોર ઉદાસીનતા દાખવી છે!

જે રીતે આજે ઇસ્લામ ધર્મને વિકૃત રીતે રજુ કરાય છે. હકીકતમાં ઇસ્લામ તેવો ધર્મ નથી.

મૂળ અરબી શબ્દ ઇસ્લામનો મતલબ જ શાંતિ અને સલામતી થાય છે. શાંતિ અને સલામતીમાંથી જ જે ધર્મની ઉત્પતિ થઈ હોય તેમા હિંસાને કેમ સ્થાન હોય શકે ? તેવા મહાન, પાકીઝગી વાળા અને પરવર દીગારના પસંદીદા મઝહબ ઇસ્લામના મહાન પયગંબર સાહેબ સત્ય અને અહિંસાના બે અમોઘ શસ્ત્રો જેમણે દુનિયાને આપ્યાં.

ભારતનાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પણ જેમને પોતાના આદર્શ માને અને જેના વિચારોમાંથી જ ભારતને અનેક લડવૈયા નેતાઓ મળે તેવા મહાન સમાજ સુધારક અને પ્રગતિશીલ વિચારોનું વિશાળ વટવૃક્ષ એટલે મહાન પયગંબર હજરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ સાહેબ !

આજે મહિલાઓનાં કલ્યાણ અને સ્ત્રી સશક્તિકરણનો ખ્યાલ વિકસ્યો અને વિસ્તર્યો છે ત્યારે એક વાત અહિં આપની સમક્ષ રજૂ કરૂં છું જે ખુબ કડવી છે પણ સત્ય હકિકત છે!

પહેલાનાં સમાજ અને આજના સમાજમાં કોઈ ફરક નથી કેમ કે પહેલાંનાં લોકો પણ પુત્ર રત્નની પ્રાપ્તિ અને પુરૂષ પ્રધાન સમાજની માનસિકતામાં જીવતા હતા આજે પણ એવું જ છે!

પરંતુ હજારો વર્ષો પહેલાં જ્યારે દિકરીનાં જન્મને અભિશાપ ગણવામાં આવતું હતું અને દિકરી જન્મે તો તેને દૂધપીતી કરીને અથવા તો જમીનમાં જીવતી દાટીને મરણપથારીએ મુકવામાં આવતી હતી!
તેનાથી આગળ વાત કરીએ તો જે સ્ત્રીનો પતિ મૃત્યુ પામે ત્યારે તે મહિલા વિધવા બને અને આ વિધવા મહિલાઓ સમાજ માટે અપશુકનીયાળ ગણવામાં આવતી અને તેને જીવતે જીવ પોતાના પતિ પાછળ સળગી ઉઠવુ પડે અથવા તો તેને સમાજમાંથી બહાર ધકેલી દેવામાં આવે!

દુનિયામાં મહિલાઓ અને દિકરીઓ માટે જ્યારે નર્કાગાર જેવી સ્થિતી અને બદથી પણ બદતર જીવન હતું!
ત્યારે વિશ્વનાં મહાન પશુપાલક, જીવદયાનાં પ્રખર હિમાયતી અને ઇશદૂત પયગંબર મોહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ આવા અનેક પીડિત અને પ્રતાડિત માટે આશાનું અદ્ભુત કિરણ અને આત્મસન્માનનો અનેરો આફતાબ બનીને આવ્યા!

માનવતા અને જીવ દયા જેમનાં ચલણ અને વલણમાં બખુબી વણાયેલા હતા.તેવા મહાન પયગંબર સાહેબે પવિત્ર મક્કા શહેરમાં ખુત્બો (ઉપદેશ) આપ્યો અને જણાવ્યું કે દિકરી અલ્લાહની રહેમત છે ! દિકરીને જન્મવા દો અને તેનું લાલન-પાલન કરીને તેને તાલીમ-અભ્યાસ આપો! જેથી તે શિક્ષિત
દિકરી એક નહિં પરંતુ બબ્બે કુટુંબને તારશે!

પયગંબર મોહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે આદેશ કર્યો કે મારી દિકરી ફાતેમા મારા હૃદયનો એક હિસ્સો છે! સમગ્ર દુનિયાનાં લોકોનો પરિવાર અને વંશવેલો માત્ર પુરૂષ એટલે કે દિકરાથી આગળ વધ્યો છે! પરંતુ એકમાત્ર ઇસ્લામ ધર્મનાં નબી અને પયગંબર હજરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ સાહેબનો વંશ અને તેમનો પરીવાર તેમની દિકરી હજરતે ફાતેમા રદીઅલ્લાહો તઆલા અન્હાથી ચાલ્યો અને આગળ વધ્યો! વિશેષ વાત એ છે કે આજે પણ પયગંબર સાહેબનાં સીજરા શરીફ (પેઢીનામું)માં તેમની દિકરીનું જ નામ છે! કેટલી મહાનતમ વાત છે! દુર્ભાગ્યવશ આપણે બધા તેનાથી અજાણ છીએ!

પયગંબર સાહેબે પોતાના પ્રથમ લગ્ન એક વિધવા મહિલા(હઝરતે ખતીજતુલ કુબરા રદીઅલ્લાહો તઆલા અનહા) સાથે કર્યા અને સંદેશ સાથે આદેશ આપ્યો કે વિધવા મહિલાઓને પણ સમાજ અને રાષ્ટ્રમાં માનભેર જિંદગી જીવવાનો અધિકાર છે અને કરોડો વિધવા-ત્યકતા અને તરછોડી દીધેલી મહીલાઓને એક નવી રોશનપૂર્ણ જીંદગી આપી!
ધન્ય છે આ મહાન અને ક્રાંતિકારી વ્યક્તિત્વને..!!

માનવતા માટે જેમણે પોતાના પુરા કુટુંબ-કબીલાને કરબલાના મેદાનમાં કુરબાન કરી દીધો. ત્યાં સુધી કે નપાવટ લોકોના હાથમાં શાસન ના આવે અને સમાજના દરેક વર્ગમાં માનવતા અને સમાનતા જળવાય રહે તે માટે જેમણે પોતાના પરિવારના ૬ માસનાં અલી અસગર નામના નાના ભૂલકાનું પણ બલિદાન આપ્યું.

તેવા મહાન અને પવિત્ર પયગંબર હઝરત મોહમ્મદ સલ્લલાહો અલયહે વસલ્લમ સાહેબનો જન્મ દિવસ એટલે ઈદ-એ-મિલાદ. આવતી કાલે ઈદ-એ-મિલાદનું એટલે કે રોશનીનું પર્વ છે.

પયગંબર સાહેબ એવા સમયે જન્મ્યા હતા .
જયારે પૂરી દુનિયામાં અજ્ઞાન અને અસહિષ્ણુતાનું ઘોર અંધારું હતું. મારા નબી જ્ઞાન (ઈલ્મ)નો પ્રકાશ લઈને આવ્યા.

આજે લોક મુખે એવી ચર્ચા છે કે ઇસ્લામ ધર્મ તલવારની અણીથી ફેલાયો છે. બિલકુલ ખોટી વાત છે. લોકો નર્યું જુઠાણું ચલાવે છે. હકીકતમાં પયગંબર સાહેબના કાર્યોની નોંધ લઈને અને તેમનાં પવિત્ર જીવન મુબારકને જોઇને લોકો ઇસ્લામની સકારાત્મક અને પ્રેરણાદાયી રોશનીમાં આવ્યા છે.

આજે ઈદ-એ-મિલાદ છે. આપ સૌને ઈદ-એ-મિલાદની ખુબ ખુબ મુબારકબાદી પાઠવું છું.

આપ સૌને પ્રાર્થના છે કે, સમય-સંજોગો અને પરિસ્થિતિ સામે લડવાની મને તાકાત મળે. દેશ અને સમાજના લોકો માટે મારે જે કરવું છે. મારા તે મકસદમાં હું સફળ થાવ તેવી આપ સૌ દોસ્તો દુઆ કરો. એવી ગુઝારીશ છે.

રબ કરે મેરે દોસ્તો કે નશીબ ચમકતા દિખાઈ દે
આંખે જો બંદ કરે તો મદીના દિખાઈ દે
સજદા જહાં કરે વહાં કાબા દિખાઈ દે
ઉઠે જો આંખે તો ગુંબદે ખજરા દિખાઈ દે

સજાએ બેઠે હે હમ ભી અપને ગરીબ ખાને કો
ખબર મિલી હે હસનૈન કે નાના તશરીફ લા રહે હૈ