સરકારનો ‘કાર પૂલિંગ’ ફોર્મ્યુલા ફેલ! : નિયમો માત્ર કાગળ પર, મંત્રીઓની વૈભવી સફર યથાવત્
ઘરેથી સચિવાલય જેવા ટૂંકા અંતરે પહોંચવામાં પણ મંત્રીઓ એકબીજા સાથે ગાડીમાં અવરજવર કરવા તૈયાર નથી!
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજ્ય સરકાર દ્વારા ઈંધણ બચત અને કરકસર માટે સતત અપીલો કરવામાં આવી રહી છે. સરકારી કર્મચારીઓ અને સામાન્ય નાગરિકોને જાહેર પરિવહનનો વધુ ઉપયોગ કરવા, કાર પૂલિંગ અપનાવવા અને પેટ્રોલ-ડીઝલનો મર્યાદિત ઉપયોગ કરવા માટે પરિપત્રો પણ જાહેર કરવામાં આવ્યા છે. પરંતુ હવે સરકારના આ દાવા સામે જ સવાલો ઊભા થયા છે, કારણ કે ખુદ મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ જ સરકારના આદેશોના પાલનમાં રસ દાખવતા દેખાતા નથી.
સરકારે મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ માટે ‘કાર પૂલિંગ’ ફરજિયાત બનાવવાનો પરિપત્ર બહાર પાડ્યો હતો. હેતુ સ્પષ્ટ હતો ઈંધણ બચત, ખર્ચમાં ઘટાડો અને સામાન્ય જનતાને એક સકારાત્મક સંદેશ. જોકે વાસ્તવિકતા એ છે કે આ નિર્ણય માત્ર કાગળો સુધી જ સીમિત રહી ગયો હોવાનું સચિવાલયના દૃશ્યો પરથી જણાઈ રહ્યું છે.
સચિવાલયમાં દરરોજ મોટા ભાગના મંત્રીઓ પોતાની અલગ-અલગ સરકારી ગાડીઓમાં એકલા આવતાં-જતાં જોવા મળી રહ્યા છે. મંત્રીઓના સરકારી નિવાસસ્થાન અને સચિવાલય વચ્ચેનું અંતર ખૂબ ઓછું હોવા છતાં તેઓ એકબીજા સાથે ગાડી શેર કરવા તૈયાર નથી. પરિણામે સરકારના ‘કાર પૂલિંગ’ અભિયાનની ગંભીરતા પર જ સવાલો ઊભા થયા છે.
એક બાજુ સરકાર સામાન્ય પ્રજાને મોંઘા થતા પેટ્રોલ-ડીઝલ વચ્ચે કરકસર રાખવાની સલાહ આપે છે, જ્યારે બીજી બાજુ ટેક્સદાતાના પૈસે ચાલતી સરકારી ગાડીઓનો ખુલ્લેઆમ ઉપયોગ થતો હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે. લોકોમાં એવી ચર્ચા છે કે નિયમો માત્ર સામાન્ય માણસ માટે જ બનાવવામાં આવે છે કે પછી સત્તાધીશો માટે પણ સમાન રીતે લાગુ પડે છે?. રાજકીય વર્તુળોમાં પણ આ મુદ્દે ચર્ચા તેજ બની છે. જો મંત્રીઓ પોતે જ વીઆઈપી કલ્ચર છોડવા તૈયાર ન હોય તો પ્રજાને સંયમ અને કરકસરના ઉપદેશ આપવાનો કોઈ નૈતિક અધિકાર રહેતો નથી.
આ તરફ રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ માટે જાહેર પરિવહનના ઉપયોગને પ્રોત્સાહન આપતા નવા નિર્દેશો પણ આપ્યા છે. કર્મચારીઓને બસ, મેટ્રો ટ્રેન અને કાર પૂલિંગનો વધુ ઉપયોગ કરવા માટે કહેવામાં આવ્યું છે. પરંતુ સરકારના ટોચના હોદ્દેદારો જ આ નિયમોનું પાલન ન કરતા હોવાને કારણે સમગ્ર અભિયાનની વિશ્વસનીયતા સામે પ્રશ્નાર્થ ઊભો થયો છે.
સરકાર જો ખરેખર ઈંધણ બચત અને ખર્ચ ઘટાડાની નીતિ અમલમાં લાવવા માંગતી હોય, તો તેની શરૂઆત મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ પાસેથી થવી જોઈએ. નહીં તો ‘કાર પૂલિંગ’ જેવા અભિયાન માત્ર જાહેરાતો અને પરિપત્રો સુધી જ સીમિત રહી જશે



