એપ ડાઉનલોડ કરી મેળવો ઘેર બેઠા ઓપીડી મારફત તજજ્ઞ ડોક્ટરની વિનામુલ્યે સેવા
જન આરોગ્યની સુખાકારી માટે આધુનિક ટેકનોલોજીનો સકારાત્મક વિનિયોગ “ ટેલી મેડિસીન સેવા ”
દવાખાના, હોસ્પિટલોમાં દર્દીઓની ઓપીડીનું ભારણ ઓછું કરી લોકો ઘરે બેઠાં સારવાર મેળવી શકે તેવા શુભઆશયથી ભારત સરકાર દ્વારા દેશના અનેક રાજ્યોમાં ઈ-સંજીવની ઓપીડી કાર્યરત કરવામાં આવેલ છે. ગુજરાતમાં પણ આ સેવાનો શુભારંભ થઈ ચૂક્યો છે. આ ઈ-સંજીવની ઓપીડી ગ્રામ્ય વિસ્તારના દર્દીઓની સારવાર માટે મહત્તમ લાભદાયી નિવડશે. આ મોબાઇલ એપમાં ટુ-વે વિડીયો કોલીંગની જે સુવિધા છે તેના પરિણામે દર્દી અને તબીબ વચ્ચે સંવાદ થવાથી ઇલાજમાં વધુ અસરકારકતા આવશે.
ખાસ કરીને દૂરના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા દર્દીઓને આ એપ દ્વારા પોતાના ઘરે બેઠાં જ સારવાર થઇ શકશે. સારવાર માટે PHC / CHC / સરકારી હોસ્પિટલ કે દવાખાને જવું જ પડે એવી સ્થિતીમાંથી હવે લોકોને મુકિત મળશે. એટલું જ નહિ, આ એપના માધ્યમથી તબીબો યોગ્ય નિદાન કરી જરૂર જણાયે નિષ્ણાંત-તજજ્ઞ તબીબનો પણ અભિપ્રાય મેળવી તેની સલાહ મુજબ સારવાર કરી શકશે, તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ફોન પર પ્રાથમિક નિદાન અને સારવાર અને જાણકારી આપતી આ સેવા આધુનિક ટેકનોલોજીના આરોગ્ય ક્ષેત્રે ઉપયોગ અને ટેલીમેડીસીનનું એક આગવું ઉદાહરણ છે. આ તમામ સેવા ગુજરાત સરકાર તરફથી વિના મૂલ્યે આપવામાં આવે છે.
- Advertisement -
ઈ-સંજીવની ઓપીડી એપ ડાઉનલોડ કરી તેનો ઉપયેાગ કરવા માટે સૌ પ્રથમ તમારા મોબાઇલમાં પ્લે સ્ટોર ઉપર ક્લિક કરો. ત્યારબાદ સર્ચમાં જઇ ઈ-સંજીવની ઓપીડી એપ ટાઇપ કરી ઈ-સંજીવની ઓપીડી એપ સ્ક્રીન પર દેખાતા ઇન્સ્ટોલ બટન દાબી એપને ડાઉનલોડ કરો. આ એપ ડાઉનલોડ કર્યા પછી ઓપન બટન ઉપર ક્લિક કરી, ડોક્ટરને કન્સલ્ટ કરવા નીચે મુજબના પગલાંને અનુસરો.
- રજીસ્ટ્રેશન માટે ફોર્મમાં જરૂરી વિગતો ભરો, તમારો મોબાઈલ નંબર વેરિફાય કરો.
- રજીસ્ટ્રેશન પૂર્ણ થયા પછી ટોકન જનરેટ થાય છે.
- ત્યારબાદ લોગીન થાવ.
- ડોક્ટરને કન્સલ્ટ કરવા તમારો વારો આવશે.
- ડોક્ટરને કન્સલ્ટ કર્યા પછી દવાનું પ્રિસ્ક્રીપ્સન જનરેટ થાય છે. તે ડાઉનલોડ કરો.
આમ આ એપના માધ્યમથી ઘેર બેઠા તજજ્ઞ ડોકટર દ્વારા સારવારનો લાભ મેળવવા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા તમામ પ્રજાજનોને ખાસ અપીલ કરવામાં આવી છે.


