એક સપ્તાહમાં આત્મસમર્પણ કરવાનો આપ્યો આદેશ : હિંસામાં કુલ 8 લોકોના મોત થયા હતા
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
લખીમપુર ખીરી હિંસા કેસના મુખ્ય આરોપી અને કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર આશિષના જામીન રદ કરવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટ આજે આ મામલે સુનાવણી કરતા તેને એક સપ્તાહમાં આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો છે. અલ્હાબાદ હાઈકોર્ટે 10 ફેબ્રુઆરીએ આશિષ મિશ્રાને જામીન આપ્યા હતા. આશિષ 15 ફેબ્રુઆરીએ 129 દિવસો પછી તે જેલમાંથી મુક્ત થયો હતો.
તમને જણાવી દઈએ કે 3 ઓક્ટોબરે લખીમપુર ખીરીના તિકુનિયામાં ખેડૂતોના આંદોલન દરમિયાન હોબાળો થયો હતો. ત્રણ વાહનોએ વિરોધ કરી રહેલા લોકોને કચડી નાંખ્યા હતા આ ઘટનામાં ચાર ખેડૂતો સહિત કુલ આઠ લોકોના મોત થયા હતા. વાહન નીચે કચડાઈ ગયેલા ખેડૂતોના પરિવારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. અરજદારના વકીલ પ્રશાંત ભૂષણે સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે આશિષને અલ્હાબાદ હાઈકોર્ટે જામીન આપ્યા છે. જામીન આપવાનો હાઇકોર્ટનો આદેશ આ ગુનાની ગંભીરતા પ્રમાણે ખોટો છે.


