આગ વિકરાળ બનતા ટ્રક સળગી ગયો, એક ઇજાગ્રસ્ત
ખાસ-ખબર સંવાદદાતા
મોરબીના ટીંબડી પાટિયા પાસે ટ્રકના ગેરજમાં વેલ્ડીંગ કરતી વખતે બટલો ફાટતા ભીષણ આગ ફાટી નીકળી હતી જો કે આગને પગલે ટ્રક સળગી ગયો હતો. આ બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડ સ્ટાફે ઘટનાસ્થળે દોડી જઈને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગની ઘટનામાં એક વ્યક્તિ દાઝી ગયો હતી. મોરબી ફાયર બ્રિગેડના સૂત્રોના જણાવ્યા મુજબ મોરબીના ટીંબડી ગામના પાટિયા પાસે આવેલ ટાટા વાહનના વર્કશોપ વિકાસ વેલ્ડિંગ વર્કસ નામના ટ્રકના ગેરેજમાં ટાટાના વાહનનું બોડી સહિતનું રીપેરીંગ કાર્ય ચાલુ હતું ત્યારે વેલ્ડિંગ કરતી વેળાએ ગેસના બાટલામાં બ્લાસ્ટ થતા ટ્રકની કેબીન આગમાં ભસ્મીભૂત થઈ ગઈ હતી. બાટલો ફાટવાથી મોટો બ્લાસ્ટ થયો હતો અને એ સાથે આગ ભભૂકી ઉઠતા ટ્રક આગમાં લપેટાઈ ગયો હતો ત્યારે આ બનાવ અંગેની જાણ થતાં મોરબીથી ફાયર બ્રિગેડ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આગ ઉપર પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો જો કે ફાયર બ્રિગેડના જણાવ્યા મુજબ એલપીજી ગેસનો બાટલો ફાટતા બ્લાસ્ટ થવાથી મોટી નુકશાની થઈ છે. આ ઘટનામાં એક વ્યક્તિને ઇજા થઈ હોવાનું પણ જાણવા મળ્યું છે.