10 દિવસ સુધી શહેર, શેરી-સોસાયટીમાં રોનક છવાશે, વરસાદના કારણે કોમર્શિયલ આયોજકોમાં ચિંતાનો માહોલ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.2
ભક્તિ અને શક્તિના પર્વ નવરાત્રીની આવતીકાલે આસો સુદ એકમથી રંગારંગ શરૂઆત થશે. ખેલૈયાઓ અને આબાલવૃદ્ધ સૌ છેલ્લા એક મહિનાથી નવરાત્રી પર્વની કાગડોળે રાહ જોઇ રહ્યા છે. એક બાજુ છેલ્લા એક પખવાડિયામાં ધોધમાર, છૂટાછવાયા વરસાદને જોતાં કોમર્શિયલ આયોજકો વિમાસણમાં મુકાયા છે. બીજી બાજુ શેરી અને સોસાયટીમાં ગરબાના ભવ્ય આયોજનો થયા હોય શહેરીજનોમાં અનેરો ઉત્સાહ દેખાઇ રહ્યો છે. જેમાં ચાલુ વર્ષે તિથિના સંયોગ વચ્ચે 10 દિવસ સુધી ગલગોટો, સનેડો, ઢોલીડા સહિતના ગરબા, દોઢિયા અને દાંડિયા રાસની રમઝટ જોવા મળશે. નવરાત્રીના દિવસોમાં આદ્યશક્તિના જુદા જુદા સ્વરૂપની પૂજા- અર્ચના થશે.
- Advertisement -
સુરત શહેરમાં ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી બાદ હવે ગુરુવારથી 10 દિવસ માટે નવરાત્રી પર્વની રોનક દેખાશે. દર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે વરસાદને કારણે ચિંતાનાં વાદળો ઘેરાયા છે. ગત શનિવારે રાત્રિએ ધોધમાર વરસાદ અને રવિવારે દિવસભર વાદળછાયા વાતાવરણને કારણે પ્રિ- નવરાત્રીના આયોજનો બગડયા હતા. અનેક સમાજ અને સંસ્થા દ્વારા પ્રિ- નવરાત્રીના આયોજનો મુલતવી રાખવામાં આવ્યા હતા. જયારે હવે ગુરુવારથી નવરાત્રી પર્વનો વિધિવત આરંભ થશે. આ વર્ષે હસ્ત નક્ષત્ર અને ઐન્દ્ર યોગ વચ્ચે નવરાત્રી પર્વ શરૂ થશે એવો મત જયોતિથી આપી રહ્યા છે. આ વર્ષે મા અંબા પાલખીમાં સવાર થઈને આવશે. ગુરુવારે બપોરે 3.33 વાગ્યા સુધી હસ્ત નક્ષત્ર, આખો દિવસ ઐન્દ્ર યોગ રહેશે. ચંદ્ર ક્ધયા રાશિમાં હશે.
સુરતમાં કેટલાંક અર્વાચીન નવરાત્રિના આયોજન બે દિવસ મોડા શરૂ થશે
છેલ્લા એક પખવાડિયાથી ઝરમર વરસી રહેલા વરસાદને કારણે નવરાત્રીના આયોજનો સંદર્ભે ચિંતાનું મોજું ફળી વળ્યુ છે. દરમિયાન કેટલાક આયોજકોએ વચલો માર્ગ કાઢી બે દિવસ મોડી શરૂઆત કરવાનો નિર્ણય લીધો છે. બીજી બાજુ શેરી- સોસાયટી ગરબાની રોનક છવાશે એવો મત પણ અપાઇ રહ્યો છે. આ સંદર્ભે એક ઈવેન્ટ ઓર્ગેનાઇઝર જણાવ્યું હતું કે, સુરતીઓના મિજાજને વરસાદનું વિઘ્ન નહીં નડે. સુરતીઓ ગરબા રમવા માટે થનગની રહ્યા છે. ડોમનું કલ્ચર અંદાજે પાંચ-સાત વર્ષથી આવ્યું છે. પરંતુ શહેરીજનો વર્ષો, દાયકાઓથી મન મૂકીને ગરબે ઘુમે છે.