નફો 78 કરોડ, બિઝનેસ 10,311 કરોડ, ડિપોઝીટ રૂા. 6,311 કરોડ, ધિરાણ રૂા. 4,000 કરોડ
બંને કવાર્ટરના પરિણામો બેંક માટે રેકોર્ડબ્રેક બની રહ્યાં છે : જીમ્મીભાઈ દક્ષીણી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સૌરાષ્ટ્ર-કચ્છની સર્વપ્રથમ મલ્ટીસ્ટેટ શેડ્યુલ્ડ બેંક, રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ના અર્ધવાર્ષિક બમ્પર પરિણામો ખૂબ જ ઉત્સાહપ્રેરક મળ્યાં છે. બેંકના કાર્યકારી ચેરમેન જીમ્મીભાઈ દક્ષીણીએ વિગતે માહિતી આપતા જણાવ્યું કે, ‘તા. 30-9-2024નાં પૂરા થતાં અર્ધવાર્ષિક નાણાંકીય વર્ષનાં પરિણામો ઉડીને આંખે વળગે એવા છે. બેંકનો નફો રૂા. 78 કરોડ, બિઝનેસ રૂા. 10,311 કરોડ, ડિપોઝીટ રૂા. 6,311 કરોડ અને ધિરાણ રૂા. 4,000 કરોડ, નેટ એનપીએ ઝીરો, સીડી રેશિયો 63.39 ટકા, કાસા 1,863 કરોડ નોંધાયેલ છે. ઉલ્લેખનીય છે કે બેંકે સતત ચાર વર્ષથી ઝીરો નેટ એન.પી.એ.નું સ્ટેટસ જાળવી રાખેલ છે. આ પરિણામો જોતાં ચાલુ વર્ષ બેંક માટે ખૂબ જ સારું દેખાય છે.’ બેંકની વિવિધ કામગીરીની વાત કરીએ તો, 3.25 લાખથી વધુ સભાસદો છે. 38 શાખા અને 2 એક્સટેન્શન કાઉન્ટરનું નેટવર્ક છે. સભાસદોને 18 ટકા ડિવિડન્ડ આપવામાં આવેલ છે.
ખાતેદારોને 24 કલાક 365 દિવસ, અવિરત બેંકિંગ સુવિધા મળી રહે તે માટે બેંક કટીબદ્ધ છે. મોબાઈલ બેંકિંગ અને વ્હોટ્સએપ બેંકિંગ સુવિધા, શાખાઓમાં એટીએમ અને કેશ ડિપોઝીટ મશીન કાર્યરત છે. ધિરાણની વિવિધ પ્રોડકટ ખાતેદારોને ઉપયોગી થઇ રહી છે. ફક્ત 8 ટકાથી જ કાર લોન સુવિધા ખૂબ જ ટુંકા ગાળામાં અપ્રતિમ લોકપ્રિય બની છે. આવી જ રીતે ફક્ત 67 પૈસા માસિક વ્યાજ સાથે સોના ધિરાણ સુવિધાથી નાના અને મધ્યમ વર્ગને જરૂરીયાત સમયે સાચી અને સમયસરની લોન મળી રહે છે.
- Advertisement -
અર્ધવાર્ષિક પરિણામો ઉત્સાહપ્રેરક અને આવકારદાયક મળતાં બેંકના સીઈઓ અને જનરલ મેનેજર વિનોદ કુમાર શર્માએ સંચાલક મંડળ, સભાસદો, ડેલિગેટ્સ, શાખા વિકાસ સમિતિના સદસ્યો, સર્વે ખાતેદારો અને કર્મચારીગણનો આભાર માન્યો છે અને આવી જ પ્રગતિ અવરિત ચાલુ રહેશે તેવી લાગણી વ્યક્ત કરી છે.