જૂનાગઢ નજીક વાડલા ફાટક પાસે કાર અને ખાનગી બસ ધડાકાભેર અથડાતાં શાપુર પીએચસીના મેડીકલ ઓફિસરનું મોત થયું હતું જયારે ખાનગી બસનાં ડ્રાઈવર સહિત આઠને ગંભીર ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. આ અંગેની મળતી વિગતો મુજબ જૂનાગઢમાં ઝાંઝરડા રોડ ઉપર શાપુર પીએચસીમાં મેડીકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડો. રવિ ગુલાબદાસ ડઢાણીયા (ઉ.વ. ૩૩) ગઈકાલે નોકરી બાદ પોતાની આઈ ટેન કાર નં. જીજે ૧૧ બીએચ ૯૧પ૩માં જૂનાગઢ આવતા હતા ત્યારે વાડલા ફાટક નજીક ગીરીરાજ હોટલ સામે જૂનાગઢથી વેરાવળ તરફ જતી ખાનગી ટ્રાવેલ્સની મીનીબસ નં જીજે ૧૧ ટીટી ર૮પ૦ સાથે ધડાકાભેર અથડાતાં ડો. રવિ ગુલાબદાસ ડઢાણીયાનું ઘટનાસ્થળે જ માત નિપજયું હતું. બસમાં બેઠેલા ડ્રાઈવર અરજણભાઈ ભુરાભાઈ (ઉ.વ. ર૬, ભંડુરી), અમર નગા (આદ્રી) ખીમા નાજા, દુદા પુંજા (મોવાણા, કેશોદ) સહિત આઠ મુસાફરોને ગંભીર ઈજા થતાં ૧૦૮ માં સારવાર અર્થે જૂનાગઢ સિવીલ હોસ્પીટલમાં ખસેડાયા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે કારનો બુકડો બોલી ગયો હતો અને કારનાં પતરા ચીરીને મૃતદેહને બહાર કઢાયો હતો. દરમ્યાન આજે બપોરે ૧ થી ૪ શાપુરના વેપારીઓએ ધંધા, રોજગાર બંધ રાખી તબીબને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવેલ છે.

  • હુસેન શાહ જુનાગઢ