દિલ્હીના માલવીય નગર વિસ્તારમાં આવેલા ‘લેમન ગ્રીન રેસ્ટોરન્ટ’માં બુધવારે સવારે લાગેલી ભીષણ આગને કારણે મોટી હોનારત સર્જાઈ છે. આ અગ્નિકાંડમાં અત્યાર સુધીમાં 20 લોકોના મોત થયા હોવાના દુઃખદ સમાચાર સામે આવ્યા છે.
ફાયર વિભાગની 10 ગાડીઓ ઘટનાસ્થળે
- Advertisement -
ફાયર વિભાગને સવારે લગભગ 9:00 વાગ્યે આગ લાગવાની માહિતી મળી હતી. ઘટનાની ગંભીરતાને જોતા તરત જ ફાયર બ્રિગેડની 10 ગાડીઓ તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. દિલ્હી ફાયર સર્વિસના અધિકારીના જણાવ્યા અનુસાર, પ્રારંભિક પ્રતિભાવ તરીકે બે વોટર ટેન્ડર, બે વોટર બોઝર, એક ક્વિક રિસ્પોન્સ વ્હીકલ અને અન્ય ફાયર ફાઈટિંગ યુનિટ્સને તૈનાત કરવામાં આવ્યા હતા.

મૃત્યુઆંક વધીને 20 પહોંચ્યો, સમગ્ર વિસ્તારમાં અરેરાટી
- Advertisement -
શરૂઆતમાં એવી માહિતી મળી હતી કે ફાયર ફાઈટર્સ દ્વારા બિલ્ડિંગના બેઝમેન્ટમાંથી ત્રણ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢીને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે, ત્યારબાદ મૃત્યુઆંક વધીને 20 પર પહોંચતા સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
આગનું કારણ હજુ અસ્પષ્ટ
હજુ સુધી આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. ફાયર વિભાગની ટીમ આગ પર કાબૂ મેળવ્યા બાદ તપાસ હાથ ધરશે કે શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ કારણોસર આ દુર્ઘટના સર્જાઈ હતી.
37 લોકોને બેઝમેન્ટમાંથી રેસ્ક્યૂ કરાયા
આગની જાણ થતા જ ફાયર વિભાગની ટીમો અને એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. રેસ્ટોરન્ટના બેઝમેન્ટમાં ફસાયેલા 37 લોકોને અત્યાર સુધીમાં બચાવી લેવામાં આવ્યા છે અને તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
અમે તાત્કાલિક ધોરણે તંત્રને જાણ કરી હતી: ધારાસભ્યનો દાવો
માલવીય નગરના ધારાસભ્ય સતીશ ઉપાધ્યાયે ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે જણાવ્યું કે, અમે તરત જ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ, જિલ્લા મેજિસ્ટ્રેટ, SHO, SDM અને MCDના ડેપ્યુટી કમિશનરને જાણ કરી હતી. સ્થાનિક લોકોએ પણ બચાવ કામગીરીમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
સાઉથ દિલ્હીના SDM, DDMA જીતેન્દ્ર કુમારે જણાવ્યું કે, માહિતી મળતાની સાથે જ અમે અમારી DDMA સેલને સક્રિય કરી હતી. પ્રાથમિક તપાસમાં આગ રેસ્ટોરન્ટમાંથી શરૂ થઈ હોવાનું જણાય છે, પરંતુ અત્યારે સંપૂર્ણ વિગતો ઉપલબ્ધ નથી.




