આવું જ કામ જો રોજબરોજ કરવામાં આવે તો રાજકોટ શહેર ખરા અર્થમાં વિકસીત બને…
રસ્તા પર ડામરના પાથરીને સમથળ બનાવાયા: દીવાલો પર ચિત્રો દોરાયા
- Advertisement -
હીરાસર એરપોર્ટથી મોરબી રોડ 30 કિ.મી. સુધીના રસ્તા પર અનેક દબાણો હટાવાયા, ખાડા બુરી દેવાયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં 11થી 13 જાન્યુઆરી સુધી મારવાડી યુનિવર્સિટીમાં સૌરાષ્ટ્ર-કચ્છની રિજનલ વાઇબ્રન્ટ સમિટ યોજાશે તેને લઈને મહાપાલિકા અને વહીવટી તંત્ર ઊંધા કામ કરી રહ્યું છે. આર્થિક વિકાસ માટે યોજાનાર વાઈબ્રન્ટ સમિટમાં ઉદ્યોગપતિઓ અને રાજકીય હસ્તીઓના આગમનને ધ્યાને લઈને જિલ્લા તંત્ર તથા મહાપાલિકા દ્વારા શહેરમાં આજ સુધી આમ નાગરિકો માટે સ્વયંભુ નથી થયું તે કાર્યનો ધમધમાટ શરુ થયો છે.
હીરાસર એરપોર્ટ કે જ્યાંથી રાજકોટના મોરબી રોડ મારવાડી યુનિવર્સિટીના પરિસરમાં સમિટ યોજાવાની છે ત્યાં સુધીના 30 કિ.મી.ના ઉપરાંત મહાનુભાવો શહેરના જાણીતા સ્થળોએ હરવા ફરવા જાય તે ધ્યાને લઈને તે માર્ગો ઉપર તેમજ સર્કિટ હાઉસની આજુબાજુ મહાપાલિકા દ્વારા લોકોની વ્યાપક ફરિયાદો વખતે નહીં થયેલું ડામરકામ કરાયું છે. કાલાવડ રોડ ઉપર તો ડામરના સ્તર ઉપર સ્તર પાથરીને સમથળ બનાવાયો છે. તો મોરબી રોડ તેમજ હીરાસરથી રાજકોટ વચ્ચેના માર્ગો પર વર્ષો સુધી જેની સામે આંખ મિચામણા કર્યા હતા તે હોટલ સહિતના ધંધાર્થીઓને મંડપ,ઓટા વગેરે દબાણો પણ હટાવાયા છે, મુખ્ય માર્ગોની તુટેલી ફૂટપાથો રિપેર કરાયા છે અને દીવાલો પર આકર્ષણ ચિત્રકરણ કરાયું છે.
લોકો અને બહારથી આવતા ચાર-પાંચ લાખ લોકોને રાજકોટ અત્યાર સુધી ભલે ગમે તેવું લાગ્યું હોય પણ નાણાવાળાઓ અને નેતાઓને રાજકોટ સ્વચ્છ, સુંદર સુવિધાપૂર્ણ લાગે તેવા તમામ પ્રયાસો હાથ ધરાયા છે.



