ઈઝરાયેલી એર સ્ટ્રાઈકમાં ઈરાનની કોન્સ્યુલેટ તબાહ થઈ ગઈ છે અને તેમાં ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડના ટોચના સૈન્ય કમાન્ડર મોહમ્મદ રઝા જાહેદીનુ મોત થયુ છે. કુલ મળીને રિવોલ્યુશનરી ગાર્ડના સાત અધિકારીઓ માર્યા ગયા છે.
આ હુમલા બાદ ઈરાન લાલચોળ છે અને તેની સાથે સાથે ઈરાનનુ લેબેનોનમાં સક્રિય જૂથ હિઝબુલ્લાહ પણ ભડકયુ છે અને દુશ્મનને સજા આપવાનુ એલાન કર્યુ છે.
- Advertisement -
અમેરિકન ન્યૂઝ ચેનલે અમેરિકન ગુપ્તચર એજન્સીઓના હવાલાથી કહ્યુ છે કે, હુમલામાં માર્યા ગયેલા રઝા જાહેદીએ લેબનોનમાં આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહને મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.તે હિઝબુલ્લાહને હથિયારો પણ સપ્લાય કરતા હતા.અમેરિકાના નાણા મંત્રાલયે 2010માં રઝા જાહેદી પર પ્રતિબંધ મુકયો હતો.
રઝા જાહેદી રિવોલ્યુશનરી ગાર્ડના ટોચના અધિકારીઓમાં સામેલ હતા અને તે કુદ્સ ફોર્સનુ નેતૃત્વ કરતા હતા.આ ફોર્સ કટ્ટરવાદી સંગઠનોને મદદ કરતી હોય છે.અમેરિકાએ તો કુદ્સ ફોર્સને પણ વિદેશી આતંકી સંગઠનોના લિસ્ટમાં મુકયુ છે.આ જ ફોર્સના કમાન્ડર જનરલ કાસિમ સુલેમાનીને અમેરિકાએ ઈરાકમાં ડ્રોન હુમલો કરીને મારી નાખ્યા હતા.
રઝા જાહેદી સિરીયાની અસદ સરકાર અને લેબેનોનમાં હિઝબુલ્લાહ સંગઠન વચ્ચે કો ઓર્ડિનેટર તરીકે પણ કામ કરી રહ્યા હતા.સીરિયાની અસદ સરકાર અને ઈરાન વચ્ચે બહુ જૂના અને ઘનિષ્ઠ સબંધો છે.સીરિયામાં વિદ્રોહ શરુ થયા બાદ ઈરાને અસદ સરકારનુ સમર્થન કર્યુ હતુ.અસદના સમર્થનમાં ઈરાને હિઝબુલ્લાહના સભ્યોને સીરિયામાં લડવા માટે પણ મોકલ્યા છે.રઝા જાહેદીએ 1980માં ઈરાક સામેના યુધ્ધમાં પણ ભાગ લીધો હતો.