કાર્તિકોલોજી: કાર્તિક મહેતા
તાજેતરમાં થયેલા ભારત પાકિસ્તાન સંઘર્ષ સમયે આપણી , આમ વગોવાયેલી, ન્યુઝ ચેનલોએ રંગ રાખ્યો. અમુક ન્યુઝ ચેનલો એ તો કરાચી અને ઇસ્લામાબાદ ઉપર ભારતનો કબ્જો થઇ ગયો છે એવું જાહેર કરી દીધુ!! અમુકે વળી ત્યાંના આર્મી ચીફને જેલમાં નાખી દીધો તો અમુકે પી ઓ કે પાછું લઇ લીધું..મોટાભાગના ભારતીયો આ ન્યુઝ કલીપીંગ્સ જોઈને ખુબ ઉત્તેજિત થઈ ગયેલા પણ એમને છેવટે હતાશા સાંપડી. ઘણા ચોખલિયાઓએ તો એવો પણ ગોકીરો શરુ કર્યો કે ભારતીય ન્યુઝ ચેનલોએ આવી રીતે ફેક ન્યુઝ ફેલાવવાની જરૂર નહોતી. વાસ્તવિકતા એ હતી કે ભારતીય ન્યુઝ ચેનલોએ જે કર્યું તે યુદ્ધનો જ એક ભાગ હતું. આજનો યુગ ઈન્ફોર્મેશનનો યુગ છે એવું કહેવાય છે પરંતુ દરેક યુગ ઈન્ફોર્મેશનનો યુગ હોય છે.મહાભારતમાં જ્યારે ગુરુ દ્રોણ પાંડવોની સેનાનો સંહાર કરી રહયા હોય છે ત્યારે એમને નાથવા માટે શ્રીકૃષ્ણ એક યુક્તિ અજમાવે છે. તે એવી વાત ફેલાવે છે કે “અશ્વત્થામા હણાયો” .. આ વાત જ્યારે ગુરુ દ્રોણને કાને પડે છે ત્યારે ગુરુ દ્રોણ ભાંગી પડે છે, એમની આ અવસ્થાનો લાભ લઈને દ્રુપદનો પુત્ર (અને દ્રૌપદીનો ભાઈ) ધૃષ્ટદ્યુમ્ન ગુરુ દ્રોણનો વધ કરે છે.
- Advertisement -
આમ, એક સામાન્ય મીસઈન્ફોર્મેશન થકી પાંડવો મોટો ખેલ પાડી જાય છે. જાણીતા લેખક જ્યોર્જ ઓરવેલે કહેલું કે જેઓ ભૂતકાળ (ઇતિહાસ)ને ક્ધટ્રોલ કરે છે તેઓ ભવિષ્યને કંટ્રોલ કરે છે. ઇતિહાસને નામે જે ભણાવવામાં આવે એને આધારે પબ્લિકનો ઓપિનિયન ઘડાય છે. પાકિસ્તાન હમેશા પોતાને દરેક યુદ્ધમાં વિજેતા ગણાવતું આવ્યું છે. આવી સાવ જુઠ્ઠી વાતો વાંચીને એમની પેઢીઓ મોટી થઇ છે. પાકિસ્તાનીઓ તો હડપ્પીયન સંસ્કૃતિ (સિંધુ ઘાટીની સંસ્કૃતિ)ને પણ “પોતાની” ગણાવે છે !! આટલી હદે જુઠાણા પ્રિય દેશ સામે જયારે તમે લડતા હો ત્યારે જુઠાણાનો આશરો લેવો અનિવાર્ય થઇ પડે. સારું છે કે ક્રિકેટ મેચીસનું રેકોર્ડિંગ કરવામાં આવે છે નહી તો પાકિસ્તાન એવો દેશ છે કે દરેક ક્રિકેટ મેચમાં તે પોતાને વિજેતા ઘોષિત કરી દે.
આજના યુદ્ધો પરંપરાગત રીતે શસ્ત્રો અને માણસોના બળથી નથી ખેલાતા. આજે યુદ્ધનો પ્રકાર બદલાઈ ચુક્યો છે. આજે યુદ્ધો ઇન્ફોર્મેશન , ટેક્નોલોજી અને બિઝનેસની મદદથી ખેલાય છે. ચીને કોઈ લડાઈ કર્યા વિના આખા જગત ઉપર પોતાનું વર્ચસ્વ ઇન્ફોર્મેશન, ટેક્નોલાજી અને બિઝનેસથી ઉભું કરેલું છે. ઇન્ફોર્મેશન એટલે કે માહિતીમાં બહુ તાકાત હોય છે. જાણીતા મનોવિજ્ઞાની સિગ્મંડ ફ્રોઈડ માણસના મન અને માણસના સમૂહની સાયકોલોજી વિશે ખૂબ સંશોધન કરતા ગયા છે. એનો ભત્રીજો હતો એડવર્ડ બરનીઝ જેણે ફ્રોઈડ ના સંશોધનો નો પ્રેકતિકલ ઉપયોગ શોધી કાઢ્યો. એડવર્ડ બરનિઝ બહુ મોટું માથું હતો. તેણે માણસોના સમૂહની સાયકોલોજી સાથે ખેલીને કેમ લોકોના મંતવ્યોને બદલી શકાય તે અંગે ખૂબ કામ કર્યું. અમેરિકાની તમાકુ (સિગારેટ) કંપનીઓ માટે એણે કામ કર્યું અને ફિલ્મોમાં સિગારેટના દ્ર્શ્યો નખાવિને અમેરિકામાં સ્ત્રી પુરુષોમાં સિગારેટને ચલણી બનાવવામાં સફળ રહ્યો.
આ સિવાય અનેક કંપનીઓ માટે એણે કામ કર્યું. લોકોના વિચારોને કેમ બદલી શકાય તે બરનીઝ બહુ સારી રીતે જાણતો હતો. માહિતીનો યોગ્ય રીતે ઉપયોગ કરીને માણસોને કેમ પોતાના ધાર્યા અનુસાર વર્તતા કરવા તે બાબતમાં બરનીઝ ઉસ્તાદ હતો. બરનીઝ દ્વારા લિખિત પુસ્તક “પ્રોપગેંડા” વાંચવા જેવી છે. જેમાં એણે પ્રોપગેન્ડા દ્વારા કઈ રીતે લોકોના સમૂહને વશીભૂત કરી શકાય એની જબરદસ્ત વિગતો આપી છે. ભારત સહિત તમામ દેશો મીડિયા દ્વારા સતત આ રમત રમતા રહેતા હોય છે.પાકિસ્તાન તો પોતાના જ દેશના લોકો સાથે આ રમત વર્ષોથી રમે છે. શાસકોને પ્રજા સાથે પ્રોપગેન્ડા કરવો અનિવાર્ય હોય છે, નહિતર પ્રજા વિદ્રોહ કરી દે. આજનો સમય હાથ પગ કે શસ્ત્રો થી યુદ્ધ રમવાનો નથી પણ ઇન્ફોર્મેશન , ટેકનોલોજી અને બિઝનેસ દ્વારા બીજા દેશો ઉપર આધિપત્ય સ્થાપવાનો છે. જાપાન કે બ્રિટન જેવા નાના દેશો આ ત્રણ પરિબળો દ્વારા ભારત જેવા વિશાળ દેશોને અંકુશ કરે છે. ઇન્ફોર્મેશન ટેકટિકસ નો ઉપયોગ કરીને વિશ્વગુરુ બનવું સરળ છે. યુદ્ધ કરીને વિશ્વગુરુ બનવું અઘરું તો છે સાથે સાથે અવ્યવહારુ પણ છે.