કારખાનેદારના પુત્રનાં મોત અંગે ભેદભરમ: ન્યારી ડેમ પાસેથી છાત્રની સાઈકલ રેઢી મળી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના અમીન માર્ગ પર રહેતા અને કિચનવેરનું કારખાનું ચલાવતાં કારખાનેદારના ધો.11માં અભ્યાસ કરતાં પુત્ર બે દિવસ પૂર્વે ગુમ થયા બાદ આજે તેની લાશ ન્યારી ડેમમાંથી મળી આવતાં સનસનાટી મચી ગઈ છે. ગુમ થયેલા છાત્રની સાયકલ પણ ન્યારી ડેમ પાસેથી મળી આવી હતી. પરિવારના લાડકવાયાના મોતથી પટેલ પરિવાર સ્તંબ્ધ થઈ ગયો હતો. કારખાનેદારના પુત્રના મોતના ભેદભરમની માહિતી મેળવવા પોલીસે વધુ તપાસ શરૂ કરી છાત્રના ગુમ થવા અંગે બે દિવસ પૂર્વે જ પિતાએ પોલીસમાં જાણ કરી હતી.
મળતી વિગતો મુજબ અમીન માર્ગ પર ડ્રિમહિલ એપાર્ટમેન્ટ એ-101માં રહેતા મનીષભાઈ મનસુખભાઈ વાછાણીનો 18 વર્ષનો પુત્ર કે જે પરિમલ સ્કૂલમાં ધો.11માં અભ્યાસ કરતો હોય તે બે દિવસ પૂર્વે ઘરેથી સાયકલ લઈને નીકળી ગયા બાદ ગુમ થયો હતો. ગત તા.7-9નાં રોજ ઘરેથી નીકળી ગયેલા સાગર મનીષ વાછાણી (ઉ.18)ના ગુમ થવા અંગે પિતાએ પોલીસમાં જાણ કરી હતી. ગુમ થયેલા મનીષે કોફી કલરનું ટી-શર્ટ અને બ્લુ જીન્સ પહેરેલું હોવાનું જણાવ્યું હતું. બે દિવસથી ગુમ સાગરની આજે ન્યારી ડેમમાંથી લાશ મળી આવી હતી. ન્યારી ડેમના સિકયોરિટી ગાર્ડ કાળુભાઈએ આ બાબતે જાણ કરી હતી સાગરની સાયકલ પણ નજીકથી રેઢી મળી આવી હતી અને ફાયરબ્રિગેડના સ્ટાફે મૃતદેહ બહાર કાઢી પરિવારને જાણ કરી હતી. બનાવની જાણ થતાં તાલુકા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી.
પોલીસ તપાસમાં જાણવા મળતી વિગતો મુજબ, મનીષભાઈને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી હોય જેમાં સાગર અને તેનો ભાઈ બન્ને જોડિયા ભાઈઓ હતાં. મનીષભાઈ કિચનવેરનું કારખાનું ચલાવે છે. પુત્રના મોત અંગેની જાણ થતાં પરિવારજનો ભારે આઘાતમાં ગરકાવ થઈ ગયા હતાં. સાગરના મોતના ભેદભરમ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.