તાલાલા પંથકમાં કેસર કેરી અને નાળીયેરી બાગાયત વાવેતરમાં 1753 હેકટરનો વધારો
ખાસ-ખબર ન્યૂઝ ગિર સોમનાથ, તા.11
તાલાલા પંથકમાં આ વર્ષે 12692 હેક્ટરમાં શિયાળું વાવેતર થયું છે જે ગત્ વર્ષ કરતાં 1753 હેકટર ઓછું છે.તાલાલા ખેતિવાડી વિસ્તરણ કચેરીમાં વાવેતરની થયેલ સત્તાવાર નોંધ પ્રમાણે તાલાલા પંથકના 45 ગામોમાં ગત વર્ષે 14445 હેક્ટરમાં વિવિધ શિયાળુ પાકનું વાવેતર થયું હતું,જેની સામે આ વર્ષે 12692 હેક્ટરમાં વાવેતર થયું છે.જેમાં ઘઉં-3609,ચણા-5229,ધાણા-128,શેરડી નવુ વાવેતર 829 તથા શેરડી લામ પાક 317,લસણ-214,શાકભાજી-664,ઘાસચારો-1291 નો સમાવેશ થાય છે.આ ઉપરાંત 800 હેક્ટરમાં તુવેર નો અંદાજીત પાક પણ ઉભો છે.
- Advertisement -
ખેતિવાડી કચેરીએ ઉમેર્યું હતું કે ગત વર્ષ કરતા આ વર્ષે 1753 હેક્ટર શિયાળું વાવેતરમાં ઘટાડો થયો છે જેની સામે કેસર કેરી તથા નાળીયેરી બાગાયતી વાવેતર વધ્યું હોય શિયાળું વાવેતરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.તાલાલા પંથકમાં ગત્ વર્ષે ઘઉંનું વાવેતર 4000,ચણા 6500,ધાણાનું 220 હેક્ટરમાં થયું હતું,જેની સામે આ વર્ષે ઘઉં,ચણા અને ધાણાના વાવેતરમાં ઘટાડો થયો છે.
તાલાલા પંથકના 45 ગામની કુલ ખેડવાણલાયક 26534 હેક્ટર પૈકી 12200 હેક્ટરમાં કેસર કેરીના બગીચા અને નાળીયેરી નાં બાગાયતી પાકોનું વાવેતર હતું જેમાં આ વર્ષે 1753 હેકટર નો નોંધપાત્ર વધારો થયો છે.બાકી રહેતી ખેડવાણલાયક 12692 હેક્ટરમાં શિયાળું વાવેતર થયું છે જે ગત વર્ષ કરતાં ઓછું છે તેમ ખેતીવાડી શાખાએ ઉમેર્યું હતું.તાલાલા પંથકમાં મેઘરાજાએ વ્યાપક પ્રમાણમાં મહેર કરી હોય પૂરતા પ્રમાણમાં પાણીના કારણે તાલાલા પંથકમાં શિયાળુ પાક મબલખ થવાની ધારણા છે.