શહેરના સોરઠીયાવાડી મુક્તિધામ ખાતે અંતિમ સંસ્કાર માટે આવેલા કોરોના દર્દીના મૃતદેહનું ડેથ સર્ટીફીકેટ 1 માસ પહેલાનું હોવાનું જાણ થતા ખળભળાટ મચી ગયો હતો. રાત્રીના ત્રણેક વાગ્યા દરમિયાન ખાનગી હોસ્પિટલ અને તંત્રના કર્મચારી દોડતા થઇ ગયા હતા. રાત્રે ઉભાઉભ બીજુ ડેથ સર્ટિફીકેટ બનાવ્યા બાદ દર્દીનો અંતિમ સંસ્કાર થયો તો.

મળતી વિગત મુજબ ગઇકાલે રાત્રે 3.30 વાગ્યા આસપાસ સોરઠીયાવાડી સ્મશાન ગૃહ ખાતે એક કોરોના દર્દીનો મૃતદેહ અંતિમ સંસ્કાર માટે લાવવામાં આવ્યો હતો. દર્દી પરમ હોસ્પિટલમાં દાખલ હતા. જ્યાં સારવારમાં તેનું મોત થયું હતું. સ્મશાન ગૃહના જવાબદાર વ્યક્તિએ મૃતકનું નામ ડેથ સર્ટીફીકેટ અને અન્ય પુરાવાના કાગળો માગ્યા. મૃતકના પરિજનોને હોસ્પિટલ તરફથી અપાયેલા કાગળો ત્યાં સ્મશાનની ઓફીસમાં રજૂ ર્ક્યાં જે પ્રમાણે નિયમ મુજબ કાર્યવાહી થવી જોઇ તેમ થઇ રહી હતી ત્યાં જ સ્મશાનના કર્મચારીઓએ ડેથ સર્ટીફીકેટો ચેક કર્યું તો તેમાં મૃત્યુની તા. 12-8-2020 લખી હતી.

એક મહિના પહેલાનું સર્ટીફીકેટ જોઇ કર્મચારીની આંખો ફાટી રહી હતી તેમણે તુરંત મૃતદેહ મુકવા આવેલા ફાયર બ્રિગેડ શબવાહિનીના કર્મચારીને આ વાતની જાણ કરી. અને હોસ્પિટલના નંબર પર ફોન કરી ત્યાં પણ જાણકારી આપવામાં આવી. ગરબડ હોવાની શંકાએ સ્મશાન દ્વારા મૃતદેહના અંતિમ સંસ્કાર કરતા પહેલા સાચા કાગળો રજૂ કરવા અનુરોધ કરતા ખાનગી હોસ્પિટલનું તંત્ર દોડતુ થઇ ગયું હતું. પરિવારજનોને આ અંગે પૂછતા તેમણે દર્દીનું નામ વીરજીભાઈ ભીખાભાઈ સાવજ (ઉ.71) હોવાનું જણાવ્યું હતું. જ્યારે સ્મશાનને અપાયેલા ડેથ સર્ટિફીકેટમાં બુચ ઋષિકેશભાઈ પ્રહલાદભાઈ નામ લખ્યું હતું.

હોસ્પિટલની બેદરકારી છતી થતા થોડીવાર હોબાળો મચી ગયો હતો. સ્મશાન ખાતે જ મૃતકના પરિવારજનોએ રોષ ઠાલવ્યો હતો. રાત્રે 3 થી 4 વાગ્યા વચ્ચે હોસ્પિટલ તંત્ર દોડતુ થયું હતું. જે ફાયર બ્રિગેડની શબવાહિનીમાં મૃતદેહ આવ્યો હતો તે કર્મચારીઓ પણ હેરાન થયા હતા. અંતે એક ફાયર બ્રિગેડના કર્મચારીની મધ્યસ્થી આ મામલે થઇ હતી અને હોસ્પિટલનો કર્મચારી તાબડતોબ સુધારેલું સર્ટીફીકેટ લાવેય હતો. બાદમાં મૃતદેહનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો.

મૃતદેહ બે કલાક સુધી રઝળતો રહ્યો
શહેરની ખાનગી હોસ્પિટલમાં રાત્રે 2.30 વાગ્યે વીરજીભાઈ ભીખાભાઈ સાવજ નામના મોત વૃધ્ધનું કોરોના સારવારમાં મોત થયાબાદ ફાયર બ્રિગેડની શબવાહિનીમાં તેમનો મૃતદેહ સોરઠીયાવાડી સ્મશાને રાત્રે 3.30 વાગ્યે પહોંચ્યો હતો. પ્રોટોકોલ મુજબ 15 મીનીટમાં સ્મશાને પહોંચ્યા બાદ કોરોના મૃતકની બોડીની અંતિમક્રિયા થવી જોઇએ પરંતુ હોસ્પિટલની બેદરકારીના કારણે છેક સવારે 5 વાગ્યા આસપાસ અંતિમ સંસ્કાર થયા.

મૃતક અમરેલી જિલ્લાના વતની હતા
ગઇકાલે રાત્રે સોરઠીયાવાડી સ્મશાનમાં કોરોના મૃતકનું એક માસ પહેલાની તારીખવાળુ સર્ટીફીકેટ મુકાતા પરિવારજનોમાં રોષ જોવા મળ્યો હતો. મૃતક વીરજીભાઈ ભીખાભાઈ સાવજના પુત્ર જીતેન્દ્રભાઈએ વિગતો આપી હતી કે, તેઓ અમરેલી જિલ્લાનાં લીલીયા તાલુકાના ગોધાવદર ગામના વતની છે. તેમના પિતાને તા. 19-9નાં રોજ પરમ હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે દાખલ કરાયા હતા. પરિવારજનોને સ્મશાન ખાતે જાણ થઇ હતી કે તેમને ભૂલભરેલુ ડેથ સર્ટીફીકેટ આપવામાં આવ્યું છે.

ડે ડેથ સર્ટિ. રજૂ કરાયું તેના અંતિમ સંસ્કાર એક માસ પહેલા રામનાથપરા સ્મશાનમાં થયા હતા
સોરઠીયાવાડી સ્મશાન ગૃહમાં ગત રાત્રે બનેલા બનાવમાં તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે જે સર્ટીફીકેટ રજૂ કરાયું હતું તે ઋષિકેશભાઈ બુચના અંતિમ સંસ્કાર તા. 12-8-2020નાં રોજજ રામનાથપરા મુક્તિધામમાં તયા હતા. તેઓ પણ પરમ હોસ્પિટલમાં દાખલ થયા હતા. તે દરમિયાન જ તેમનું મોત નિપજ્યું હતું. ખાનગી હોસ્પિટલનાં ઓથોરિટી દ્વારા બેદરકારી દાખવાતા ભૂલથી આ સર્ટીફીકેટ ગઇકાલે રજૂ કરાયું હતું. સ્મશાન ખાતે કોરોના દર્દીના મૃત્યુ દસ્તાવેજોને લઇ અનેક વખત છબરડા થયાનું ધ્યાને આવ્યું છે.