આરોપીઓ બે દિવસના રિમાન્ડ પર: ‘મુસ્કાને’ ઈન્સ્ટાગ્રામ મારફત જાળ બિછાવી
પ્લોટ-દાગીના વેંચી યુવાને નાણાં આપ્યા બાદ ભાંડો ફૂટતાં ફરિયાદ નોંધાવી
ખાસ-ખબર ન્યૂઝ ભૂજ
- Advertisement -
ભૂજના એક યુવકને આદિપુરની યુવતી અને ભુજના નગરસેવક સહિત પાંચ આરોપીઓએ હનીટ્રેપમાં ફસાવી 22 લાખ ખંખેરી લીધાના ચકચારી બનાવમાં કોંગ્રેસના નગરસેવક સહિત ત્રણ આરોપીને ઝડપી કોર્ટમાં રજૂ કરાતાં તેમના તા.20/3 સુધી બે દિવસના રિમાન્ડ મંજૂર થયા છે, જ્યારે અન્ય બે આરોપીને ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. આ ચકચારી હનીટ્રેપ અને દબોચાયેલા ત્રણે આરોપી સહિતની સિલસિલાવારની વિગતો પોલીસવડા વિકાસ સુંડાએ જાહેર કરી હતી.
આદિપુરની મુસ્કાન નામની યુવતીએ ભુજના ફરિયાદી યુવક મહેબૂબને ઈન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી ફરિયાદી સાથે પરિચય કેળવી પ્રેમ સંબંધ બાંધ્યો હતો. ફરિયાદીને એકાંતમાં હિલગાર્ડનમાં મળવા બોલાવ્યો હતો. બન્ને મળ્યા ત્યારે સહઆરોપી અબ્દુલ હમીદ સમાએ ફોટા પાડી લીધા હતા અને તે ફોટા ફરિયાદીના કૌટુંબિક સરફરાઝ રજાક ખાટકીને મોકલતાં સરફરાઝે ફરિયાદીને ફોન કરી જણાવ્યું કે, તારા અને યુવતીના ફોટા નગરસેવક અબ્દુલ હમીદ સમા પાસે છે અને તેણે મને મોકલ્યા છે. આપણે તેને મળી પતાવટ કરી લેશું.
આ બાદ અબ્દુલને મળતાં તેઓ બધા પતાવટ માટે યુવતીને મળતાં ત્યાં ષડયંત્રના ભાગરૂપે આરોપી મામદ નોડે (રહે. અંજાર)એ યુવતીનો ખોટો પતિ બની ફરિયાદી સાથે ધાકધમકી કરી હતી. આરોપી અબ્દુલે મધ્યસ્થી કરી ફરિયાદીનો પ્લોટ વેચાણ કરાવી, સોનાના દાગીના ગિરવે મુકાવી તેમજ અન્ય રોકડ એમ કુલ્લે રૂા. 19 લાખ તમામ આરોપીઓએ મેળવી લીધા હતા.
આ બાદ વધુ નાણાં ખંખેરવાના કાવતરાંના ભાગરૂપે આરોપી હરિસિંહ ધનુભા જાડેજા (રહે. બરાયા, તા.મુંદરા)એ પોતાના મોબાઈલથી ફરિયાદીને ફોન કરી પોતે પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી જણાવ્યું કે, મુસ્કાનના પતિ મામદની અરજી આવી છે. આ મેટરના સમાધાનનાં નામે અબ્દુલ તથા સરફરાઝ મારફતે ત્રણ લાખ મેળવી લીધા હતા.
થોડા દિવસો પહેલાં જ ફરિયાદીને ખબર પડી કે, યુવતીએ અગાઉ પણ માંડવીના એક ઈસમ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે અને મામદ તેનો પતિ હતો જ નહીં. આમ ફરિયાદીને ફસાવ્યાની ખબર પડી હતી અને ગઈકાલે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના ગણતરીના કલાકોમાં જ એ-ડિવિઝન પોલીસે આરોપી અબ્દુલ હમીદ સમા, સરફરાઝ રજાક ખાટકી અને હરિસિંહ ધનુભા જાડેજાની ધરપકડ કરી લીધી હતી.
આ ત્રણે આરોપીને ભુજની કોર્ટમાં પાંચ દિવસના રિમાન્ડની માંગ સાથે રજૂ કરાતાં તા.20/3 સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. અન્ય આરોપીને ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.