કોવિડ સામેની લડાઇના આ નિર્ણાયક તબક્કામાં લોકોનો આત્મવિશ્વાસ વધુ બુલંદ થાય અને સાવચેતી રાખવામાં હજુ વધુ જાગૃતિ કેળવાય તેવા ઇરાદાથી રાજ્યમાં કોવિડ વિજય રથ દ્વારા કોરોના જાગૃતતા અભિયાન શરુ કરવામાં આવ્યું છે.આ વિજય રથ બનાસકાંઠા,પાટણ, મહેસાણા જિલ્લા બાદ સાબરકાંઠા જિલ્લા પંચાયત ખાતે આવી પહોંચ્યો હતો. જ્યાં જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. રાજેશ પટેલે વિજય રથનું સ્વાગત કર્યું હતું. આ વિજય રથ હિંમતનગરના જુદા-જુદા વિસ્તારોમાં કોરોના જાગૃતિ અભિયાન ચલાવશે.
સરકારશ્રી દ્વારા લોકોની જાગૃતિ માટે આ કોવિડ વિજય રથનું જે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે તે ખુબજ ઉમદા અને અભિનંદનને પાત્ર છે. લોકોને સાચી જાણકારી મળે અને જાગૃતતા કેળવાય તે માટેની આ અનોખી પહેલ ખરેખર સરાહનીય છે.આ કોવિડ વિજય રથ જે મુખ્ય સંદેશ લોકોમા આપશે તેમાં સોશિયલ ડિસ્ટન્સ, માસ્કનો ફરજિયાત ઉપયોગ અને સેનેટાઇજેશન એટલે કે હાથ ને વારંવાર સાફ કરવા સાચા અર્થમા ઉપયોગી સાબિત થશે. કેન્દ્રના માહિતી અને પ્રસારણ મંત્રાલયના પ્રાદેશિક લોકસંપર્ક બ્યુરો, પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરો અને યુનિસેફ દ્વારા રાજ્યભરમાં પાંચ રથ દ્વારા આ અભિયાન ચાલી રહ્યું છે.
સામાજિક અંતર જળવાય એનું ધ્યાન રાખીને રથ પર માર્યાદિત સંખ્યામાં માત્ર ચાર કલાકારો પોતાની વિવિધ કલા જેવી કે ભવાઈ, ડાયરો, નાટક , જાદુ વગેરે દ્વારા ખૂબજ સહજ રીતે અને સમજી શકાય તેવી હળવી શૈલીમાં જાગૃતતાના સંદેશ ફેલાવી રહ્યાં છે. રથમાં  કોરોના વાયરસના સંક્રમણથી બચવાના ઉપાયો જણાવવાની સાથે રોગ પ્રતિકારક શક્તિ વધારવા આયુષ મંત્રાલએ પ્રમાણિત કરેલ આયુર્વેદિક તેમજ હોમિયોપેથી દવાનું પણ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે.

 

અહેવાલ : જગદીશ સોલંકી