બાળકને વાંચન અને રમત ગમતનું મહત્વ સમજાવવા ખાસ નિયમો બનાવાશે : માતા – પિતાને પણ બાળકો સામે મોબાઇલનો ઉપયોગ ન કરવા રાજ્ય શિક્ષણ મંત્રી પાનશેરિયાની અપીલ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
સમગ્ર દેશના વાલીઓ માટે સૌથી મોટો ચિંતાનો વિષય એ બન્યો છે કે, તેમના બાળકો સ્માર્ટ ફોનને મૂકતા નથી. રમવા કે ભણવાની જગ્યાએ તેઓ સ્માર્ટ ફોનને સથવારે સોશિયલ મીડિયા ઉપર જ વ્યસ્ત રહે છે. આ બાબત બાળકની માનસિક સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક હોવા છતાં બાળકો તેમને મા-બાપ કે વાલીઓની વાતને માનવા તૈયાર નથી.
ત્યારે ગુજરાત સરકારે હવે એક પ્રશંસનીય પહેલ કરવાની દિશામાં કવાયત આદરી છે. જે મુજબ, બાળકો મોબાઈલનો ઉપયોગ ઓછો કરે અને રમત ગમત પ્રત્યે વધુ ધ્યાન આપે તે માટે એક ખાસ ગાઈડલાઈન જાહેર કરાશે.
બાળકો સોશિયલ મીડિયાથી દૂર રહી પોતાના જીવનમાં વાંચન અને રમતગમતને સ્થાન આપે તે માટે શિક્ષકો અને વાલીઓ-બાળકો માટે માર્ગદર્શિકા બહાર પાડનારું ગુજરાત પ્રથમ રાજ્ય હશે અને અન્ય રાજ્યો ગુજરાતથી પ્રેરણા લેશે. રાજ્ય શિક્ષણમંત્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, આ ગાઈડલાઈન મુજબ વાલીઓ- વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે ખાસ નિયમો બનાવાશે. જેમાં શિક્ષકોને ક્લાસરૂમમાં મોબાઈલના ઉપયોગ પર પ્રતિબંધ અને પ્રાથમિક શાળાના બાળકો મોબાઈલ લઈને શાળામાં આવે તો કડક પગલાં ભરવા સુધીનો નિર્ણય લેવાયો છે.
જોકે, હાલના તબક્કે રાજ્ય સરકાર બાળકો-વાલીઓ અને શિક્ષકો માટે ચિલ્ડ્રન યુનિવર્સિટી અને ટીચર યુનિવર્સિટી તેમજ સિવિલના સાઈકિયાટ્રીસ્ટ સાથે પરામર્શ કરીને એક પરિપત્ર બહાર પાડશે અને બાળકોના ભવિષ્યની ચિંતા કરીને એક અભિયાન શરૂ કરશે.ગાંધીનગર ખાતે રાજ્ય શિક્ષણમંત્રી પ્રફુલ પાનશેરિયાએ, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ સુનયના તોમર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજીને બાળકોને સોશિયલ મીડિયા-સ્માર્ટ ફોનની નકારાત્મક અસરોથી કઈ રીતે દૂર રાખી શકાય, તે અંગે ગંભીર ચર્ચા કરી હતી. રાજ્ય શિક્ષણમંત્રીએ ગૠઘ, ધાર્મિક સંસ્થાઓ, સામાજિક કાર્યકરો, મીડિયાના મિત્રોને બાળકોને સોશિયલ મીડિયા-સ્માર્ટ ફોનથી દૂર રહે તે માટેના મહાભિયાનમાં જોડાવવા વિનંતી કરી હતી. તેમણે ચિલ્ડ્રન યુનિવર્સિટી અને ટીચર યુનિવર્સિટી પણ સરકાર સાથે મળીને કઈ રીતે આ મહાભિયાન લોકો સુધી વધુને વધુ પહોંચે તે અંગે ચર્ચા કરી હતી.
માતા-પિતા પણ બાળકોની સામે સોશિયલ મીડિયાનો ઉપયોગ ન કરે : શિક્ષણ મંત્રી
રાજ્ય શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું હ કે, બાળકોનો સોશિયલ મીડિયા-સ્માર્ટ ફોનનો વધુ ઉપયોગ તેમની શારીરિક અને માનસિક શક્તિને અસર કરી રહ્યો છે. બાળકોના સોશિયલ મીડિયા-સ્માર્ટ ફોનના ઉપયોગને બદલે તેમને વાંચન-રમત ગમત જેવી પ્રવૃતિઓમાં જોડાયેલા રહે, તે માટે શાળાઓના શિક્ષકોને માહિતગાર કરવામાં આવશે. આ ઉપરાંત મંત્રીએ બાળકોના માતા-પિતાને પણ વિનંતી કરી છે કે, બાળકોની સામે પોતે સોશિયલ મીડિયાનો ઉપયોગ ન કરે, માતા-પિતા પોતે પોતાના બાળકના ભવિષ્યની ચિંતા કરીને સોશિયલ મીડિયાથી બાળકને દૂર રાખે.