ગત વર્ષના અનુભવ પરથી સરકારે હવે ઉદાર પરિણામની નીતિ આગળ વધારી: ડ્રોપઆઉટ ઘટાડવા પણ ઉંચા પરિણામ કારગર નિવડે છે: કેન્દ્રીય બોર્ડના અનુભવ કામે લગાડયા
ગ્રામિણ વિસ્તારોમાં નાપાસ – ડ્રોપઆઉટનું પ્રમાણ ઉંચુ: ગત વર્ષે 70 સ્કુલોએ ઝીરો – રીઝલ્ટ આવ્યુ હતું : શિક્ષણનું સ્તર પણ સુધારાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
જો તમારા સંતાન આ વર્ષે ગુજરાત બોર્ડની ધો.10 અને ધો.12ની પરીક્ષા આપવા જઈ રહ્યા હો તો અત્યારથી પેંડાની તૈયારી કરી લેજો. આ વર્ષે ધો.10-12ની બોર્ડ પરિક્ષાનું પરિણામ ઉંચુ હશે. રાજયમાં વધતા જતા ડ્રોપ આઉટમાં રાજય બોર્ડના આકરા પરિણામને પણ એક રીતે જવાબદાર ગણાવાયુ છે.
ખાસ કરીને અનેક શાળાઓમાં બોર્ડ પરિણામો ‘ઝીરો’ એટલે કે એક પણ વિદ્યાર્થી પાસ થયા ન હોય તેવી 70 સ્કુલોએ ગત વર્ષે અણગમતો રેકોર્ડ બનાવ્યો હતો. રાજય બોર્ડનુ પરિણામ 70% અને તેની આસપાસ રહે છે. જયારે સેન્ટ્રલ બોર્ડ જે સીબીએસસીનું પરિણામ 90% અને તેની આસપાસ રહે છે તેથી હવે ગુજરાત બોર્ડએ પણ તે પેટર્ન પર જવા નિર્ણય લીધો છે.
આકરા પરિણામના કારણે સ્કુલોમાં ડ્રોપઆઉટ રેટ પણ સતત વધી રહ્યો છે. જો કે 2024માંજ બોર્ડ પરિક્ષાના પરિણામો ખૂબજ સારા રહ્યા હતા. એચએસસીનુ પરિણામ (ધો.10) 82.56% હતું જે છેલ્લા 31 વર્ષનુ સૌથી ઉંચુ રહ્યુ હતું. કલાસ-12 સાયન્સનું પરિણામ 82.45% રહ્યું છે અને સામાન્ય પ્રવાહનું પરિણામ 91.93% રહ્યું છે જે પણ અત્યાર સુધીનું સૌથી ઉંચુ હતું.
સરકાર હજું આ રેકોર્ડ પણ સુધારવા માંગે છે. ખાસ કરીને ઉંચા પરિણામથી વિદ્યાર્થીને આગળ અભ્યાસનો રસ વધશે. ધો.10 પછી 11-12 અને તે પછી કોઈ ટેકનીકલ અભ્યાસક્રમ ‘નબળા’ વિદ્યાર્થીઓ લઈને કુશળ શ્રમીક બની શકે છે તો રાજયમાં સાક્ષરતા દર પણ ઉંચો જશે તેવું શિક્ષણ રાજયમંત્રી પ્રફુલ પાનશેરીયાનું માનવુ છે.
ગ્રામીણ ક્ષેત્રમાં નબળા પરિણામ એ સરકારની ચિંતા છે. ગ્રામીણ ક્ષેત્રોમાં ડ્રોપઆઉટ રેશિયો મોટો છે અને વિદ્યાર્થીઓ ખેતી કે તેવા વ્યવસાયમાં જોડાય જાય છે. શહેરોમાં આવી નાના-મોટા કામ શોધે છે જે પ્રવાહ પણ સરકાર ઘટાડીને શિક્ષિત યુવા સમાજમાં આવે તે નિશ્ચિત કરવા માંગે છે. ગત વર્ષે રાજયની 70% શાળાઆમાં એકપણ વિદ્યાર્થી ધો.10 કે 12માં પાસ થયો ન હતો ત્યાં શિક્ષણનું સ્તર સુધારવા ખાસ આયોજન કરાયુ છે.
વિશ્વભરમાં હવે ઓપન સ્કુલ એકઝામ છે. ધો.10નુ 2022/23 એમ બે વર્ષ 65% જ પરિણામ આવ્યા હતા અને ગત વર્ષે ઉંચુ પરિણામ અપાતા ડ્રોપઆઉટ રેટ ઘટયો છે. અન્ય રાજયોની સરખામણીમાં ગુજરાતનું પરિણામ નીચુ આવે છે. અનેક રાજય 90.91% પરિણામ આવે તો ગુજરાત વર્ષો સુધી 60-65 ટકાની આસપાસ ફરતુ રહ્યુ હતુ. જે ડ્રોપઆઉટ વધારે છે. વિદ્યાર્થીઓ ધો.10 સુધી પહોચતા પણ ડરે છે અને ખોટો કોચીંગ કલાસનો હાઉ ઉભો થયો છે.