ગોંડલ તાલુકાના ત્રાકુડા ગામે પ્રેમ સંબંધ મામલે બે પરિવારો વચ્ચે સશસ્ત્ર બઘડાટી બોલી જતા બંને જૂથના આઠ વ્યક્તિઓને નાની મોટી ઈજા થવા પામી હતી.આ અંગે પોલીસમાં સામસામે ફરીયાદ નોંધાવા પામી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ત્રાકુડા ગામે રહેતા અરમાન રજાકભાઈ કઇડાએ ઈલિયાસ ઉર્ફે કલું ધાડા, હુસેન ઉર્ફે તગ્ગી ધાડા, અજીત ઉર્ફે અસલફ ધાડા, હારુંન કાસમભાઈ, દિલાવર મુસબભાઈ, નિઝામ સુલેમાનભાઈ તથા ઇમરાન ગફાર સામે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યા મુજબ ફરિયાદીને ઈલિયાસનાભાઈની પત્ની આરઝૂ સાથે પ્રેમસંબંધ હોય આ બાબતે અગાઉ માથાકૂટ થયેલી હતી, ત્યારબાદ સમાજના આગેવાનો દ્વારા ફરિયાદીને ગામમાં ત્રણ મહિના નહીં આવવા સમાધાન થયું હતું, પરંતુ ફરિયાદી ગામમાં આવતા આરોપીઓએ તું કોને પૂછીને ગામમાં આવ્યો છો તેમ કહી લોખંડના પાઈપથી હુમલો કર્યો હતો તેમજ ફરિયાદીને બચાવવા આવેલ દાઉદ ઈબ્રાહીમ કાદમાણી, ફિરોઝ ઈબ્રાહીમ, અરમાન કૈડા, તથા અફરોજ ખોખર ઉપર કુહાડી તથા લાકડીથી હુમલો કરી ઈજા કરી હતી આ ફરીયાદ અન્વયે તાલુકા પોલીસે સાત શખ્સો સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

સામાપક્ષે ઇલિયાસ ઉર્ફે કલું ઓસ્માણભાઈ ધાડાએ રજાક, અક્રમ, રજાક ના પત્ની, રજાક નો સાળો અલ્તાફ ઉર્ફે દાઉદ, ફિરોઝ ઈબ્રાહીમ અદવાણી, અનવર ઇશાભાઈ, તથા અફરોઝ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપી અરમાન ગામમાં આવતા તેને સમજાવવા જતા આરોપીઓએ લોખંડના પાઇપ તલવારથી હુમલો કરી ફરીયાદી તથા અન્ય ત્રણ સહિત નવને ઈજા કરી મારી નાખવાની ધમકી આપી હતી બંને પક્ષના ઇજાગ્રસ્તોને રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયા હતા તાલુકા પોલીસે બંને પક્ષે ફરિયાદ નોંધી બન્ને પક્ષના સાતથી વધુ શખ્સોની ધરપકડ કરી હતી વધુ તપાસ તાલુકાના પીએસઆઇ મહેન્દ્રસિંહ પરમારે હાથ ધરી હતી.