જૂનાગઢ ગણેશનગરમાં ગેસ લીક થવાથી ઘરમાં જબરજસ્ત બ્લાસ્ટની ઘટના
રસ્તો ખોદાયો હોવાથી ઈજાગ્રસ્ત સુધી 108 પણ ન પોહચી શકી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.4
- Advertisement -
જૂનાગઢ ગિરનાર દરવાજા નજીક આવેલ ગણેશનગર વિસ્તારમાં આવેલ એક ઘરમાં રાત્રીના 11 વાગ્યા આસપાસ ગેસ લીક થવાના કારણે જબરજસ્ત બ્લાસ્ટ થવાથી એકજ પરિવારના બાળક તથા મહિલા સહીત ચાર લોકો ગંભીર રીતે દાઝવાથી તમામને સિવિલ હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ગણેશ નગરમાં રહેતા કાનજીભાઈ માવજીભાઈ કટારીયાના ઘરે કુલ છ સભ્યો ઘરમાં હાજર હતા ત્યારે ગત રાત્રીના 1 વાગ્યા આસપાસ ગેસ લીક થયો હતો અને ઘરના રસોડાના રૂમમાં ગેસ એટલી હદે પ્રસરી ગયો હતો એ સમયે ઘરની લાઈટ ચાલુ કરવા જતા
જોરદાર બ્લાસ્ટ થયો હતો જેમાં કાનજીભાઈ માવજીભાઈ કટારીયા ઉ.વ.55, વિજય કાનજી કટારીયા ઉ.વ.35 તેમના પત્ની મનીષાબેન વિજય કટારીયા ઉ.વ.25 અને મનીષાબેનનો દીકરો દત્ત વિજય કટારીયા ઉ.વ.10 નામના બાળક સહીત એકજ પરિવારના ચાર સભ્યો ગંભીર રીતે બ્લાસ્ટમાં ઈજાગ્રસ્ત થયા હતા તેમ તેનાજ કુટુંબના સાગર કટારીયાએ જણાવ્યું હતું અને વધુ કહ્યું હતું કે, ગણેશનગરમાં ચારે બાજુ ખોદકામના લીધે 108 પણ ઘર સુધી પોહચી શકી ન હતી જેના લીધે બાળકને તો બાઈક પર હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું અને અન્ય ઘાયલ સભ્યોને મહા મુસીબતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.હાલ જાણવા મળતી વિગત મુજબ ચાર લોકો માંથી પતિ – પત્ની અને પુત્રની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે અને ચારેય લોકોની વધુ સારવાર રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ચાલી રહી છે.