જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુ એક્શન મોડમાં…
સોખડા ગામે સાંથણીની જમીન જ્યાં ફાળવવાની હતી તેને બદલે મોંઘાદાટ વિસ્તારમાં ફાળવી દેવાઈ છે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
‘ખાસ-ખબર’ના ગત ત્રણ અંકમાં રાજકોટ નજીક સોખડા ગામે થયેલા એક 30 કરોડના અને 60 કરોડના જમીન કૌભાંડનો પર્દાફાશ બાદ રાજકોટ કલેકટર તંત્ર સફાળું જાગ્યું છે. સોખડામાં થયેલા આશરે 100 કરોડના જમીન કૌભાંડ અંગે ખાસ-ખબરમાં પ્રસિદ્ધ અહેવાલ બાદ રાજકોટ જિલ્લા કલેકટર અરુણ મહેશબાબુ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હોવાનું આધારભૂત સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટ પાસે આવેલા સોખડા ગામના શખ્સ ભલા પીઠા, ગામના સરપંચ વિજય વશરામ રાઠોડ અને ઉપસરપંચ ભૂપત વજાભાઈ ઝાપડાની ત્રિપુટીએ સાથે મળી 30 કરોડનું જમીન કૌભાંડ કર્યું છે. ભલા પીઠાને સોખડા પાછળ આવેલા ધમલપર પાસે સસ્તી જમીન મળે તેમ હતી તેના બદલે તેને 150 ફૂટ રિંગ રોડ પર કઈ રીતે કિંમતી જમીન ફાળવી દેવામાં આવી છે. આ કૌભાંડમાં એક મોટા અધિકારીની પણ સંડોવણી હોય સાંથળીની જમીનની જગ્યાએ સોનાની લગડી જેવી ગેરકાયદે ફાળવાયેલી જમીન અંગે રાજકોટ જિલ્લા કલેકટર અરુણ મહેશબાબુ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હોવાનું આધારભૂત સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.
આ ઉપરાંત સોખડામાં વાઘા જીણા, માધા હમીર અને ચાના આંબા નામના શખ્સોએ પણ સરપંચ – ઉપસરપંચ સાથે મળી કરેલા 60 કરોડના જમીન કૌભાંડની તપાસ અંગે પણ રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે તેવું જાણવા મળી રહ્યું છે. સોખડા ગામમાં સરપંચ, ઉપસરપંચ અને ઉચ્ચ અધિકારીઓએ સાથે મળી આચારેલા આશરે 100 કરોડ રૂપિયાના વિવિધ જમીન કૌભાંડની તપાસ રાજકોટ કલેકટર તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે.