પર્યાવરણ જાગૃતિથી યુવા પેઢીને પ્રેરણા આપવા મહત્વપૂર્ણ પગલું: લાયન કલબ અધ્યક્ષ હિના ત્રિવેદી
શિકાગો ઈન્ડો-યુએસ લાયન્સ દ્વારા ઈલિનોઇસના યુવકો સાથે પર્યાવરણ સેવા કાર્ય
- Advertisement -
વિદ્યાર્થીઓએ સફાઈ, રિસાયક્લિંગ અને વાવેતર દ્વારા પર્યાવરણ જાળવણીનો સંદેશ આપ્યો
ખાસ-ખબર ન્યૂઝ ફ્રેન્કલિન પાર્ક (ઈલિનોઇસ), તા.29
શિકાગો ઈન્ડો-યુએસ લાયન્સ ક્લબ દ્વારા ઈલિનોઇસના યુવકો સાથે મળીને પર્યાવરણ જાળવણી માટે સેવા કાર્યનું 11મું વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું. કઊઞ, ઈસ્ટ લેઈડન સર્વિસ ક્લબ અને ઈસ્ટ લેઈડન એશિયન અમેરિકન અફિનિટી ગ્રુપ સાથે સંયુક્ત રીતે આ કાર્યક્રમ ફ્રેન્કલિન પાર્ક ખાતે સવારે 9 થી 12 વાગ્યા દરમિયાન યોજાયો હતો. કાર્યક્રમમાં બે શાળાના ઉત્સાહી વિદ્યાર્થીઓએ લાયન્સ સભ્યો સાથે મળીને પર્યાવરણની સફાઈ અને સૌંદર્યવર્ધન માટે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરી. વિદ્યાર્થીઓને 60-60ના નાના જૂથોમાં વહેંચવામાં આવ્યા હતા, જેમાં એક જૂથએ ફૂટબોલ મેદાન તથા વડીલો વસતા વિસ્તારની ગલીઓ સાફ કરી, તો બીજાં જૂથોએ શાળા પરિસર અને રિસાયક્લિંગ કાર્યમાં યોગદાન આપ્યું.
ગયા વર્ષે વાવેલા છોડોની સંભાળ લેવા માટે એક ખાસ ટીમે ત્યાં જઈ નવા 8 છોડ રોપીને “હરિયાળા વારસાને આગળ વધાર્યો હતો. આ કાર્યક્રમમાં વિશેષ જરૂરિયાત ધરાવતા બાળકો પણ જોડાયા હતા જેમણે રિસાયકલ સામગ્રી અલગ પાડવામાં સહયોગ આપ્યો હતો, જેથી દરેક બાળકને સમાન રીતે જોડાવાની તક મળી.
- Advertisement -
લાયન્સ ક્લબ દ્વારા દસ્તાના, કચરાના ક્લિપર્સ, રંગીન થેલીઓ અને નાના છોડ જેવી જરૂરી સામગ્રી પૂરી પાડવામાં આવી હતી. આ પ્રોજેક્ટ દ્વારા વિદ્યાર્થીઓમાં ટીમ વર્ક, સર્વ સમાવેશિતા અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારી જેવા મૂલ્યોને પ્રોત્સાહન મળ્યું. શિકાગો ઈન્ડો-યુએસ લાયન્સ ક્લબે સતત 11 વર્ષથી ઈલિનોઇસના યુવકો સાથે પર્યાવરણ સેવા કાર્યક્રમ યોજીને સામાજિક સેવા માટે એક ઉદાહરણ પૂરું પાડ્યું છે.
ક્લબે તમામ સ્વયંસેવકો, શાળા સ્ટાફ અને સમુદાયના સહયોગીઓને આભાર વ્યક્ત કર્યો. ખાસ કરીને લાયન કિશન, લાયન શીના, લાયન ડલ્સે અને લાયન સુથૈર જેમણે ઉત્કૃષ્ટ સ્વયંસેવક સેવા અને નેતૃત્વ આપ્યું હતુ. ક્લબના સ્થાપક અધ્યક્ષ લાયન હિના ત્રિવેદીએ જણાવ્યું કે, આ કાર્યક્રમ માત્ર પર્યાવરણ માટે નહીં, પરંતુ યુવા પેઢીને સંવેદનશીલ અને જવાબદાર નાગરિક બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે.



