જૂનાગઢમાં દત્ત જયંતિની ભક્તિસભર ઉજવણી કરવામાં આવી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.16
જૂનાગઢ ભવનાથ ક્ષેત્રમાં દત્ત ભગવાન જયંતી ભક્તિ સભર ઉજવણી કરવામાં આવી હતી જેમાં ત્રિગુણેશ્વર મહાદેવ મંદિરથી નીકળ્યા બાદ જુના અખાડામાં સાધુ સંતો સાથે મળીને દત્તચોક ખાતે દત્ત ભગવાનનું પૂજન કરવામાં આવ્યું હતું તેમજ ભવનાથ મંદિર ખાતે પૂજન કરવામાં આવ્યું હતું ત્યાર બાદ સાધુ – સંતો સાથે શ્રદ્ધાળુની ઉપસ્થિતિમાં દત્ત ભગવાનને મૃગીકુંડમાં સ્નાન વિધિ કરવામાં આવી હતી. દત્ત જ્યંતી નિમિતે ગિરનાર પર્વત પર આવેલ ગુરુ શિખર અને કમંડળ કુંડ ખાતે પણ ધાર્મિક કાર્યક્રમ સાથે ઉજવણી કરાઈ હતી.જેમાં માગશર માસની પૂનમે ભગવાન દત્તાત્રયનો પ્રાગટ્ય દિવસ અને ગુરુ દત્તાત્રય શિખર પર શ્રદ્ધાળુઓએ ખુબ મોટી સંખ્યામાં દર્શન કરવા ઉમટી પડ્યા હતા તેમજ કમંડળ કુંડ ખાતે શસ્ત્રોક વિધિ અનુસાર દત્ત યાગ યજ્ઞ સહીત વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં ભાવિકો ઉપસ્થિત રહીને દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.આ ધાર્મિક પ્રસંગે ગિરનાર પર્વત જયગુરૂદત ના નાદ થી પર્વત ગુંજી ઉઠ્યો હતો અને દૂર દૂરથી ભાવિકો પધાર્યા હતા.



