‘કોરોના’ના નામે કટકટાવવાના અને ઊંધા-ચત્તા બિલ બનાવી સરકારની આવકમાં પણ ‘સર્જરી’ કરવાના નિષ્ણાત

રાજકોટ કોવિડ સેન્ટરોના નામે સગવડિયા ડોક્ટરો અને મળતિયા હોટેલવાળાઓને ખટવવાનો ખંધો ખેલ

નિર્દોષ, લાચાર નાગરિકો પાસેથી દંડ ઉઘરાવવામાં શૂરા તંત્રવાહકો કહેવાતા કોવિડ સેન્ટરોમાં ફરકતા સુદ્ધા નથી

રાજકોટમાં કોરોનાનો ઢૂંબો કરવા ધામા નાખીને પડેલા રાજ્યના આરોગ્ય અગ્રસચિવનું પણ ‘ઘૂઘૂઘૂ…’!

રાજકોટની ખાનગી કોવિડ હોસ્પિટલમાં દાખલ દર્દીઓ જ્યારે ડિસ્ચાર્જ થાય એટલે મસમોટું બિલ પકડાવી દેવાય છે. મનપાએ ચાર્જ નક્કી કર્યા તેનાથી વધુ બિલ આવે ત્યારે હોસ્પિટલ તરફથી અલગ અલગ ચાર્જ કે જેની છૂટ હોય છે તે લગાવ્યાનું કહે છે. જેમાં ડોક્ટરની વિઝિટ, રિપોર્ટના ખર્ચ તેમજ મેડિકલ સ્ટોરમાંથી થોકબંધ ખરીદી કરી હોય છે.
‘ખાસ-ખબર’એ શહેરની અલગ અલગ હોસ્પિટલમાં તપાસ કરતા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં લૂંટ ચલાવાઈ છે. રાજકોટમાં આવી 14 હોસ્પિટલ તેમજ ઘણા કોવિડ કેર સેન્ટર ચાલે છે. જેમાંથી મોટાભાગના અલગ-અલગ બહાના બતાવીને નિયત કરેલા ચાર્જ કરતા વધુ વસૂલી રહ્યા છે. આ નીતિને આરોગ્ય સચિવે દર્દીઓનું શોષણ ગણાવ્યું છે.
સ્પેશિયાલિસ્ટ તબીબના નામે કમાણી
મનપાએ જે ફિક્સ ચાર્જ નક્કી કર્યા છે તેમાં ડોક્ટરની ફી સામેલ છે. જો કોઇને સ્પેશિયાલિસ્ટ તબીબની જરૂર પડે તો બહારથી બોલાવે અને તેનો 2000 રૂ. ચાર્જ નક્કી કરાયો છે. આ છૂટમાંથી લૂંટ ચલાવવા હોસ્પિટલ પોતાના જ તબીબ અથવા તો કોઇ બીજાના નામે દરરોજ 2 વખત વિઝિટ કરી 4000રૂ. દૈનિક ચાર્જ લગાવે છે. આ ચાર્જ લગાવાયા છે. હોસ્પિટલમાં ચૂકવણું કરનાર એક દર્દી પાસેથી બિલ ખાસ-ખબરે મેળવ્યું છે.
રાજકોટમાં કોરોના વાયરસનું સંકટ દિવસેને દિવસે ઘેરૂ બની રહ્યુ છે ત્યારે રાજકોટમાં સરકાર તરફથી સારવારનો કરવાની જે ખાનગી હોસ્પિટલમાં છૂટ આપવામાં આવેલી છે તેવી ખાનગી હોસ્પિટલોએ હાટડીઓ ખોલીને કોરોના દર્દી માટેના પેકેજ જાહેર શરૂ કરી દીધા છે. લાખો કરોડોમાં ફી વસૂલી રહી છે.હોસ્પિટલોને સારવાર માટે છૂટ આપવામાં આવી છે અને આ સારવાર માટે ’મા’ કાર્ડ પણ ચાલશે નહીં તેવું હોસ્પિટલ સ્ટાફ સ્પષ્ટ કહી રહ્યો છે. શહેરની નામાંકિત હોસ્પિટલોમાં દરરોજના 15 હજારથી લઈને લાખ રૂપિયા સુધીનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે દર્દીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવા માટે પૂછપરછ કરવામાં આવે છે ત્યારે જનરલ વોર્ડ માં જગ્યા નહીં હોવાનું વાત કહીને સ્પેશિયલ બોર્ડમાં ભરતી કરવું પડશે તેમ જણાવી દર્દી પાસેથી પેકેજ ના નામે મોટી રકમ પડાવી લેવામાં આવી રહી છે.બીજી તરફ ખાનગી હોસ્પિટલમાં દાખલ દર્દીની હાલત ગંભીર બને અને તે અંતિમ શ્વાસ તરફ જાય ત્યારે આવા દર્દીને સિવિલ હોસ્પિટલમાં ધકેલીને ખાનગી હોસ્પિટલ પોતાની આબરૂ બચાવવા માટે નવતર કીમિયો અજમાવી રહી છે.
કોરોનાની સારવાર સિવિલ હોસ્પિટલોમાં ફ્રી માં કરવામાં આવી રહી છે આ ઉપરાંત રાજકોટમાં 19 હોસ્પિટલોને મંજૂરી આપી છે અને અન્ય 22 હોસ્પિટલને મંજૂરી આપવા માટેની તૈયારીઓ સરકારે કરી છે. કોરોનાનો કહેર જે રીતે વધી રહયો છે તે જોતા સરકારી વ્યવસ્થા ટુંકી પડી રહી છેે. આમ આદમી માટે સિવિલ સિવાય કોઈ હોસ્પિટલમાં કોરોનાની સારવાર મફત થઈ શકતી નથી રાજકોટમાં સિવિલમાં કોરોના હોસ્પિટલ ઉભી કરવામાં આવી છે. પરંતુ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી જવાથી ત્યાં હાઉસફુલ ના પાટીયા લાગી ગયા છે.
કોરોના વાઇરસ મહામારી ના ઈલાજ નાં આંકડા સાંભળી કોરોના થી નહિ પરંતુ ઈલાજની રકમ થી હાર્ટએટેક આવી મરી જવાય આ ઈલાજ મધ્યમવર્ગ ગરીબો કેમ કરી શકશે? સરકાર વિચારવુ જરૂરી છે.મુખ્યમંત્રી વિજય રૂપાણીના શહેરમાં જ આ રીતે દર્દીઓને બેફામ લૂંટવામાં આવી રહ્યા હોવાનો મામલો સામે આવ્યો છે. એવામાં સવાલ થઈ રહ્યો છે કે આવી હોસ્પિટલો પર સરકાર દ્વારા આકરા પગલા લેવાશે કે કેમ? દર્દીઓ પાસે થઈ રહેલી આ પ્રકારની બેફામ લૂંટને રોકવામાં આવશે કે કેમ?રાજ્ય સરકારે ધ એપિડેમિક ડિસીઝ એક્ટ 1897ની જોગવાઇ હેઠળ ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓને અપાતી સારવારના દરો નિયત કર્યા છે. છતાં તેનો અમલ માત્ર કાગળ પર જ છે અને દર્દીઓ લૂંટાઇ રહયા છે. મુખ્યમંત્રીના હોમટાઉન રાજકોટમાં કોરોના દર્દીઓ પાસેથી ખાનગી હોસ્પિટલો હવે ઉઘાડી લૂંટ ચલાવી રહી છે.સરકારે સ્પષ્ટતા કરી છે કે નક્કી કરેલા દરોમાં બે સમયનું ભોજન, સવારનો નાસ્તો, સાંજની ચા અને નાસ્તો તથા પી.પી.ઈ. કીટ્સ, એન-95 માસ્ક, તમામ રૂટીન દવાઓ, રૂમ ચાર્જીસ અને નર્સિંગ ચાર્જીસનો સમાવેશ થાય છે. છતાં સરકારના આ નક્કી કરેલા દર હજુ સુધી એક પણ ખાનગી હોસ્પિટલ અમલ કરવાના બદલે પોતાના મનની કરીને મનફાવે તેવા ભાવ વસુલી રહી છે.