અંતિમયાત્રામાં આખું ગામ હીબકે ચડ્યું
ખાસ-ખબર સંવાદદાતા
બે દિવસ પૂર્વે ઉત્તરાખંડના ઉત્તરકાશી પાસે ગંગોત્રી હાઈવે પર ગુજરાતી યાત્રાળુઓની બસનો અકસ્માત થય હતો. જેમાં 7 શ્રદ્ધાળુઓના મોત નીપજ્યા હતા. અકસ્માતનો ભોગ બનેલા 7 શ્રદ્ધાળુઓમાંથી 6ના મૃતદેહ વતન લવાતા ભાવનગર જિલ્લામાં શોકનો માહોલ છવાયો હતો. મૃતકોની અંતિમયાત્રામાં આખુ ગામ હીબકે ચડ્યું હતું. પરિવારજનોના આક્રંદથી સૌ કોઇની આંખો ભીની થઇ ગઇ હતી.
- Advertisement -
ઉત્તરાખંડના ગંગોત્રી હાઇવે પર થયેલા બસ અકસ્માતમાં મોતને ભેટેલા ભાવનગર જિલ્લાના સાત શ્રદ્ધાળુઓમાંથી એક શ્રદ્ધાળુની અંતિમવિધિ હરિદ્વારમાં જ કરવામાં આવી હતી. જ્યારે 6 મૃતદેહોને ફ્લાઈટ થકી અમદાવાદ લાવવામાં આવ્યા હતા. કરણ ભાડી, અનિરુદ્ધ જોષી, મહુવાના દક્ષાબેન મહેતા, ગણપતભાઈ મહેતા તથા તળાજા તાલુકાના રાજેશભાઈ મેર અને ગીગાભાઈ ભમ્મરના મૃતદેહ તેમના સ્વજનોને સોંપવામાં આવ્યા હતા. અમદાવાદથી એમ્બ્યુલન્સ મારફતે મૃતદેહોને વતન લાવવામાં આવ્યા હતા અને આજે સવારે અંતિમવિધિ કરવામાં આવી હતી.
ઉત્તરાખંડ બસ અકસ્માતમાં મહુવાનું દંપતી પણ હતું. ચારધામની યાત્રાએ ગયેલા ગણપતભાઈ મહેતા અને તેમના પત્ની દક્ષાબેન મહેતાનું અવસાન થયું હતું. તેમના મૃતદેહને વતન લાવવામાં આવ્યા હતા. દંપતીના અવસાનથી સમગ્ર પંથકમાં શોક વ્યાપી ગયો હતો. દંપતીની વહેલા સવારે અંતિમયાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં બ્રહ્મસમાજ જોડાયો હતો. મૃતકોમાં એક પાણિતાણાના કરણજી ભાટી હતા. તેમનો મૃતદેહ વતન લવાતા સમગ્ર ગ્રામજનોની આંખો ભીની થઇ ગઇ હતી. કરણજી ભાટીના અવસાનથી બે દીકરી અને એક દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી છે. 29 વર્ષીય કરણજીની અંતિમયાત્રામાં આખુ ગામ જોડાયું હતું. પરિવારજનોના આક્રંદથી ગમગીની છવાઈ ગઇ હતી. બસ અકસ્માતમાં તળાજાના 35 વર્ષીય અનિરુદ્ધ જોષીનું પણ મોત નીપજ્યું હતું. તેમને સંતાનમાં બે દીકરી છે. આજે તળાજામાં તેમની અંતિમયાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યાં હતા.