-હવે ટેકસ ઉપરાંત પેનલ્ટી પણ ફટકારાશે
350 કરોડની રોકડ સાથેનો જંગી દલ્લો મળતા સર્જાયેલા રાજકીય ખળભળાટ બાદ હવે કોંગ્રેસના રાજયસભાના સાંસદ ધીરજ શાહુએ ઈન્કમટેકસ પેટે 150 કરોડ ચુકવ્યા છે. સાંસદ દ્વારા આવકવેરા રીટર્ન રિવાઈઝ કરીને આ રકમ ચુકવવામાં આવી હતી. ઉદ્યોગપતિમાંથી રાજકારણી બનેલા સાહુએ એમ કહ્યું કે આવકવેરા દરોડામાં પકડાયેલી કેટલીક રોકડ ચાલુ નાણાકીય વર્ષના વ્યવહારની છે અને તેનો નવા નાણાકીય વર્ષના રીટર્નમાં સમાવેશ કરવામાં આવશે.
- Advertisement -
આવકવેરા ખાતાના સૂત્રોએ કહ્યું કે 50 કરોડની બાકીની રોકડ વિશે સારુ યોગ્ય જવાબ આપી શકયા ન હતા એટલે તેના પર ટેકસ ઉપરાંત પેનલ્ટી પણ વસુલવામાં આવશે. સૂત્રોના કહેવા પ્રમાણે આવકવેરા દરોડામાં પકડાયેલી રકમ ધંધાનો ભાગ હોવાની દલીલ કોંગ્રેસના સાંસદે કરી હતી છતાં 50 કરોડનો કોઈ હિસાબ આપી શકયા ન હતા એટલે તેના પર ટેકસ તથા પેનલ્ટી વસુલવામાં આવશે. જુલાઈ સુધીમાં નવા રીટર્ન ફાઈલ થયા બાદ નવેસરથી ગણતરી કરવામાં આવશે.
આવકવેરા કાયદામાં રીટર્નમાં સુધારો બદલાવ કરવાની છુટ છે અને તેના આધારે કોંગ્રેસ સાંસદને તક આપવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આવકવેરા વિભાગે ગત ડિસેમ્બરમાં ઓડિસા તથા ઝારખંડમાં કોંગ્રેસ સાંસદને ત્યાં દરોડા ઓપરેશન હાથ ધર્યુ હતું અને તેમાં 351 કરોડની રોકડ ઉપરાંત 2.8 કરોડની બીનહિસાબી જવેલરી હાથ લાગી હતી.
ઈન્કમટેકસની આ સુપરરેડ બની હતી. અત્યાર સુધીમાં ઈતિહાસમાં પ્રથમ વખત આટલી મોટી રોકડ હાથ લાગી હતી. આવકવેરા ખાતાએ ક્યું કે ગુપ્ત ચેમ્બર સહિતના સ્થળોએ રોકડ છુપાવવામાં આવી હતી.