રાજકોટની ચૌધરી હાઇસ્કુલના પટાંગણમાં ૭૫મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી સંપન્ન
રાજકોટ : રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દેશના ૭૫માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી રાજકોટ સ્થિત ચૌધરી હાઇસ્કુલ ખાતે કરવામાં આવી હતી. અધિક નિવાસી કલેકટર કેતન ઠક્કરે દેશની આન, બાન અને શાન એવા રાષ્ટ્રધ્વજને ફરકાવી સલામી આપી હતી. અને પરેડનું નિરિક્ષણ કર્યુ હતું.

- Advertisement -
આ પ્રસંગે ૭૫માં સ્વાતંત્ર્ય પર્વે સૌ નાગરીકોને અખંડ ભારતના વિકાસ અને સમૃધ્ધિમાં સહભાગી થવા અનુરોધ કરતાં અધિક નિવાસી કલેકટર કેતન ઠક્કરએ ૧૫ ઓગસ્ટના સ્વાતંત્ર્ય દિનની શુભેચ્છા પાઠવી હતી તેમજ દેશની આઝાદીના લડવૈયાઓ-ઘડવૈયાઓ તથા શહીદોને શ્રધ્ધાંજલી પાઠવી હતી.કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ નાગરિકોને અનુરોધ કરતાં કેતન ઠક્કરએ ઉમેર્યું હતું કે આજે આપણા ભારત દેશનો ૭૫મો સ્વાતંત્ર્ય દિવસ છે. ૧૯૪૭ના આ જ દિવસે આપણા ભારત દેશે સ્વાતંત્ર્ય પ્રાપ્ત કર્યું હતું. તેનું ગૌરવ ગાવાનો અને ગરિમા જાળવવાનો આ પવિત્ર દિવસ છે.

તેમણે લોકોની મુશ્કેલી દુર કરવા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના માર્ગદર્શન હેઠળ રાજય સરકારના પાંચ વર્ષ પૂર્ણ થતા સરકાર અને વહીવટી તંત્રએ છેવાડાના માનવીને સુધી પહોંચીને તેમને ઘરઆંગણે તેઓના હક્કો ઉપલબ્ધ કરાવવા માટે ૯ દિવસ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. તેમ જણાવી રાજકોટમાં કાર્યરત એઈમ્સ હોસ્પિટલ, હિરાસર એરપોર્ટ, ઈશ્વરીયા પાર્ક, સાયન્સ મ્યુઝિયમ જેવા મહત્વના પ્રાજેકટોની રૂપરેખા આપી હતી.
- Advertisement -

ઠક્કર એ જણાવ્યું હતું કે હાલના સમયમાં સમગ્ર વિશ્વ કોરોનાની મહામારી સામે ઝઝુમી રહયું છે. કોરોનાને પરારસ્ત કરવા આપણી સરકારે નાગરીકોને સાથે રાખીને શ્રેણીબધ્ધ પગલાઓ ભરીને કોરોનાને હરાવ્યો છે. આ કામગીરીમાં તબીબો, નર્સ સહિત જિલ્લા વહિવટી તંત્ર, પોલીસ સ્ટાફ અને સામાજીક – સ્વૈચ્છીક સંસ્થાઓએ નિષ્ઠાપૂર્વક કોરોના વોરીયર્સ તરીકે ફરજ બજાવી છે. કોરોનાના આ કપરા સમયમાં પોતાની અને પરિવારની પરવા કર્યા વગર કામ કરનાર તમામ કર્મચારી અને અધિકારી મિત્રો અને સેવાભાવી સંસ્થાના કાર્યકરોને અભિનંદન આપું છું.

આ પ્રસંગે રાજકોટના કોરોના સામેના જંગમાં કોરોનાની બીજી લહેર સમયે કોરોના વોરીયર્સ એવા ૩૫ વ્યક્તિ વિશેષોનું સન્માન કરાયું હતું. ત્યારબાદ નિવાસી અધિક કલેકટર કેતન ઠક્કર અને મહાનુભાવોના હસ્તે ચૌધરી હાઇસ્કુલના પટાંગણમાં વૃક્ષારોપણ કરાયું હતું.
સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે યોજાયેલ પરેડમાં પોલીસ જવાનો, હોમગાર્ડના જવાનો તથા એન.સી.સી.ના જવાનોએ ભાગ લીધો હતો. તેમજ રાજકોટની વિવિધ સ્કુલના બાળકોએ દેશભક્તિ ગીતો પર સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કર્યા હતા.
આ પ્રસંગે પ્રાંત અધિકારી (રાજકોટ શહેર-૧) સિધ્ધાર્થ ગઢવી, મામલતદાર વી. એલ. ભગોરા સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ-પદાધિકારીઓ, વિવિધ સ્કુલોના બાળકો તથા મોટી સંખ્યામાં શહેરીજનો આઝાદીના પર્વમાં સામેલ થયા હતા.
રાજકોટની પદ્મકુંવરબા હોસ્પીટલને મા અમૃતમ યોજના તથા આયુષ્માન ભારત યોજના અન્વયે વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન નવ હજાર જેટલા કલેઇમ દ્વારા સર્વશ્રેષ્ઠ કામગીરી બદલ ૧૫ઓગષ્ટ ના રોજ ઘંટેશ્વર એસ.આર.પી. કેમ્પ ખાતે યોજાયેલ ૭૫ મા સ્વાતંત્ર્ય પર્વની જીલ્લા કક્ષાની ઉજવણી દરમીયાન ઉર્જામંત્રી સૌરભભાઇ પટેલના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માન કરાયું હતું તથા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અભિનંદન પાઠવ્યા હતા.


