મહેશ પુરોહિત
આપણા શાસ્ત્રો તો એમ કહે છે કે ગર્ભમાં જ બાળક સંસ્કાર પ્રાપ્ત કરી લે છે કારણ કે જે ભ્રુણ ગર્ભમાં સ્થાન લે ત્યારે તે નખ જેટલું હોય છે અને જન્મે ત્યારે 800 ગ્રામથી 1.5 કિલો સુધીનું હોય છે. મતલબ 1 ગ્રામથી 1000 ગ્રામનુ થાય મતલબ 1000 ગણું મોટુ થયું. આ દરમિયાન જે બીજ વવાવવાના હોય તે વવાઈ જાય. હવે જન્મ સમયે એક કિલોનુ બાળક 15 વર્ષનું થાય ત્યારે તે 25 થી 30 કિલોનું થાય મતલબ 30 ગણું થાય અર્થાત ગર્ભમાં જે વૃદ્ધિ થાય તેના કરતા જન્મ બાદની વૃદ્ધિ 30 ગણી ઓછી છે.
હવે, ઉપરની તમામ બાયોલોજીકલ બાબતોને ઇગ્નોર કરીએ. માની લો કે આ વજન, લંબાઈ કે કોઈ પણ પ્રકારની ફિજિકલ વૃદ્ધિની કોઈ અસર નથી થતી. પણ જન્મ બાદ એ બાળકની સાથેનુ આપણું વર્તન ખુબ જ અસર કરે છે. આટલા વર્ષોથી બાળક સાથે જોડાયેલ હોવાથી આની અસર મહેસુસ કરી છે. ઘણા વાલીઓ સાથે પરમર્શ કરીને નાનકડા નાનકડા પરિણામો પણ મળ્યા છે.
- Advertisement -
એવું કહેવાય છે કે જે પણ દુનિયામાં ક્રૂર લોકો થઇ ગયા તે તમામના બાળપણ કચડાયેલા હતા. તેઓ કઈ જ નથી કરતા જસ્ટ તેમના બાળપણનું રીફ્લેક્સન જ સમાજને પાછું આપતાં હોય છે. હિટલરના પિતા તેને ખુબ મારતા એટલે તેના હૃદયમાં પ્રેમના બીજ વવાયા જ નહીં. માઇકલ જેક્સનનુ બાળપણ પણ એવું જ હતું માટે તે સતત પોતાનું બાળપણ શોધતો જ રહ્યો માટે જ તેણે ડીઝનીલેન્ડ જેવો પાર્ક બનાવ્યો હતો. આવા અગણિત ઉદાહરણો જોવા મળશે.
તમે તમારા કોઈ પણ મિત્રને પકડી લો, તેના કોઈ પણ એક ગુણને ટ્રેક કરો અને છેડો પકડતા પકડતા બાળપણ સુધી પહોંચો તમને તે ગુણના મૂળ બાળપણમાં મળી જ જશે. તે સારા ગુણ હશે તો પણ અને ખરાબ ગુણ હશે તો પણ. ધારોકે કોઈ એક મિત્ર ખુબ કંજૂસ છે. એક રૂપિયો પણ વાપરતો નથી તો પુરા ચાન્સ છે કે તેનું બાળપણ અતિ એટલે અતિ ગરીબીમાં વીત્યું હશે. પૈસા ખૂટી જશે તો મારે પાછું ગરીબીવાળું જીવન જીવવું પડશે તો? તે ડર તેમને કોઈ દિવસ પૈસા વાપરવા દેશે નહીં. માટે સમાજમાં ઘણા પરિવાર કરોડપતિ થઇ ગયા બાદ પણ દાન કરતા ખચકાય છે.
આમ તમે હમણાં જે પણ કંઈક છો તેમાં બાળપણ ખુબ અગત્યનો ભાગ ભજવે છે. બાળપણમાં જે વવાયું છે તે તત્વો તમને જાણતા અજાણતા ઓપરેટ કરે છે. માટે તમામને વિંનતી છે કે તમારા બાળકનું બાળપણ ન કચડતા. તમે જયારે ત્રાડ નાખો છે તે તેના મગજમાં એક જ્વાળામુખી ફૂટે તેટલો મોટો ધડાકો હોય છે. તમે પતિ પત્ની મોટા ઘાટા પાડી પાડીને લડાઓ છો ત્યારે તેનું બાળપણ અસુરક્ષા ભાવથી પીડાય છે. તેની આ અસુરક્ષા તેને આજીવન ઓપરેટ કરે છે. તો શું મારવા નહીં? કઈ બોલવું નહીં? ગુસ્સે થવું જ નહીં? અરે આ બધો તો તમારો હક છે. પણ તમે જયારે સજા કરો ત્યારે એક મજબૂત કારણ હોવું જોઈએ અને બાળકના ગળે ઉતરવું જોઈએ કે હા, મારી આ ભૂલના કારણે સજા મળી છે.
- Advertisement -
મનસ્વી અને પોતાની મરજી અનુસાર સજા ન હોવી જોઈએ અને બીજું કે તમે તે ગુસ્સો કે સજા, થોડા સમય બાદ પ્રેમ આપીને ભરપાઈ પણ કરી શકો છો. અને એક ખાસ વાત કે તમે બાળક પાસે જે પણ ઈચ્છો છો તે તેને કહો નહીં તમે કરો. કારણ કે કહો તે નહીં કરો તે બાળક શીખે છે.
નોટ: દુનિયાની સૌથી કરુણ ઘટના એક ડરેલું બાળક છે