ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની ખાસ ખબર લેતો ખુલ્લો પત્ર

પાટીલજી તમારે એ ન ભૂલવું જોઈએ કે તમે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ પછી છો, પહેલાં નવસારીનાં સાંસદ છો..

  • ભવ્ય રાવલ
  • આ પત્ર સાચવી રાખશો અને સાથે એ પણ યાદ રાખજો કે, આવનારી ચૂંટણીઓમાં સોમનાથ મહાદેવથી લઈ ચોટીલાનાં માતાજી સુધી તમારી સૌરાષ્ટ્રની સવારી ભાજપને ફાયદો ઓછો કરાવશે અને નુકસાન વધુ પહોચાડશે. કહેવાય છે કે, સૌરાષ્ટ્રમાં તમે ડેમેજ કંટ્રોલ કરવા આવ્યા હતા પરંતુ અહીં આવી તમે પક્ષ અને પ્રજા બંનેનાં ડેમેજમાં વધારો કરીને ગયા છો. કોરોનાકાળમાં તમારી રાજકીય યાત્રા પર સામાન્ય માણસથી લઈ સ્થાનિક મીડિયા તાળીઓની જગ્યાએ જે ટિકાઓ વરસાવી રહી છે એ ખૂબ જ વાજબી અને વાસ્તવિક છે. નવસારી સાંસદ તરીકે તમે ચોક્કસ ઈમ્પ્રેસિવ હતા પણ જેવા ભાજપ પ્રદેશ પ્રમુખ બન્યા કે ભાજપ પ્રમુખ તરીકે તમારી ફર્સ્ટ ઈમ્પ્રેશન સુરત બાદ સૌરાષ્ટ્રમાં સૌ સમક્ષ અનઈમ્પ્રેસિવ – નેગેટિવ ઈમેજ કરી ગઈ. સી.આર. પાટીલ આ તમે શું કરી બેઠા? ભાજપનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી પાસેથી શીખો-સમજો કઈક. તેઓ અવારનવાર કહે છે કે, આપણે ખુરશી માથે બેસવાનું છે, ખુરશીને આપણી માથે બેસવા દેવાની નથી. હાલ તો તમે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખનાં પદમાં મદ જોવા મળો છો.
  • તમારા પક્ષનાં મુખ્યમંત્રી પોતાનો જન્મદિવસ પ્રજાની પીડા જોઈ ઉજવવાનો ટાળે છે અને તમે નવસારીનાં નગરજનોને વરસાદી આફતમાં પડતા મૂકી સૌરાષ્ટ્રની સવારીએ આવ્યા! પાટીલજી તમારે એ ન ભૂલવું જોઈએ કે તમે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ પછી છો, પહેલા નવસારીનાં સાંસદ છો. તમારે ભારતીય જનતા પાર્ટીની પંચનિષ્ઠાઓ – સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ, લોકતંત્ર, એકાત્મ માનવદર્શન, સર્વધર્મ સમભાવ, મૂલ્ય આધારિત રાજનીતિનો અભ્યાસ કરવાની ખાસ જરૂર જણાય રહી છે. ભારતીય જનતા પાર્ટીએ તેના જન્મથી જ અંત્યોદય અને રાષ્ટ્રપ્રેમ આધારિત સામાજીક, ધાર્મિક, આર્થિક, શૈક્ષણિક વગેરે આદર્શો આધારિત વિચારધારા અપનાવી છે. આજે જ્યારે ભારત અને ભાજપ એકમેકનાં પર્યાય બનવા જઈ રહ્યાં છે ત્યારે ચૂંટણીઓ અગાઉ ચૂંટણી જીતવા તમે જે સૌરાષ્ટ્ર પ્રવાસનો ખેલ યોજ્યો તે ખેલ યોજવામાં લોકોની નજરમાં પોતે તો હારી ગયા સાથે પક્ષને પણ હરાવશો. તમારી સુરત રેલી રદ્દ થઈ. કારણ હતું, સુરતમાં કોરોનાનો વધતો કહેર. સુરત રેલી રદ્દ થયાની ઘટના પરથી તમે એટલી સમજણ કે જાણકારી ધરાવતા ન હોય એવું ન બને કે, હાલ સુરત બાદ રાજકોટમાં સૌથી વધુ કોરોના વાયરસનાં કેસ વધી રહ્યાં છે.
  • રાજકોટમાં 10 દિવસમાં જ 110થી વધુ લોકો કોરોના વાયરસનાં કારણે મૃત્યુ પામ્યા છે. મતલબ કે, રાજકોટમાં દર બે કલાકે 1 કોરોના વાયરસનાં દર્દીનું મૃત્યુ થઈ રહ્યું છે. કોરોના વાયરસનો ડેથરેટ રાજકોટમાં સૌથી વધુ છે. એવા સમયે સૌરાષ્ટ્ર-રાજકોટમાં તમારી રેલીઓ, સભાઓ, બેઠકો, મેળાવડાઓ, પરિષદો કેટલી જોખમી સાબિત થઈ શકે એની તમને જરા પણ પરવા કે ખ્યાલ નહતો? બેશક તમને સોંપાયેલી જવાબદારી અનુસાર તમે ભાજપનું ભલું કરવા જ નીકળ્યા હતા પણ પોતાના પક્ષનું ભલું કરવા પાછળ તમે પ્રજાની મુશ્કેલીઓ કેમ ભૂલી શકો? ગુજરાત ભાજપનાં પ્રદેશ પ્રમુખ બન્યા બાદ તમે નરેન્દ્ર મોદીને મળ્યા, જે.પી. નડ્ડાને મળ્યા, અમિત શાહથી લઈ વિજયભાઈ રૂપાણીને પણ મળ્યા હશો. ભાજપનાં જ પ્રધાનમંત્રી, ગૃહમંત્રી, રાષ્ટ્રીય અધ્યક્ષથી લઈ મુખ્યમંત્રી સોશિયલ ડિસ્ટન્સ રાખવાનું અને માસ્ક પહેરવાનું વારંવાર કહી રહ્યાં છે. સરકાર આ અંગે એક પછી એક આકરા નિયમો ઘડી રહી છે તો હાઈકોર્ટ આ વિશે વારંવાર ટકોર કરી રહી છે અને તમે તમારા જ પક્ષનાં પ્રધાનમંત્રી, ગૃહમંત્રી, રાષ્ટ્રીય અધ્યક્ષથી લઈ મુખ્યમંત્રીની સલાહસૂચન માનતા નથી કે ન્યાયપાલિકાનાં નિયમોનું પાલન કરતા નથી તો એક પ્રદેશ પ્રમુખ તરીકે કાર્યકરો તમારું શું ખાખ માનશે? જરા ગંભીરતાથી વિચારજો. તમારી સૌરાષ્ટ્રની સવારીમાં સોશિયલ ડિસ્ટન્સિગનું પાલન ન થતું કે ક્યારેક તમે ખુદ જાહેરમાં માસ્ક પહેરેલા જોવા ન મળ્યા.
  • આપ ખુલ્લી જીપમાં સવાર થયા ત્યારે હજારોની સંખ્યામાં રેલીમાં જોડાયેલા લોકોમાંથી ટ્રીપલ સવારીમાં બાઈક પર તમારી ગાડીની આસપાસ કાર્યકરોને ફરતા મેં મારી સગી આંખે જોયા. શું આ યોગ્ય હતું? પાટીલજી.. યહ પબ્લિક હૈ.. સબ જાનતી હૈ.. તમે રેકોર્ડબ્રેક મત સાથે જીતતા આવ્યા છો એટલે એક-એક મતની કિંમત નહીં સમજી શકો. પરંતુ સૌરાષ્ટ્રમાં એક-એક મત અને દરેકે-દરેક મતદાર ખૂબ કિંમતી છે. ચૂંટણી એ માત્ર અંક ગણિત નથી, અંક ગણિતની સાથે રસાયણશાસ્ત્ર, અર્થશાસ્ત્ર અને સમાજશાસ્ત્ર પણ એની સાથે જોડાયેલા છે. એક તરફ કોરોના મહામારી વચ્ચે લોકોનાં ધંધા-રોજગાર ઠપ્પ છે. પેટ્રોલ-ડીઝલથી શાકભાજીનાં ભાવવધારાની મોકાણ છે. બાળકોની સ્કૂલ ફીના પ્રશ્નો છે. આર્થિક સંકળામણને કારણે આપઘાતનાં બનાવો વધી રહ્યાં છે.
  • કોરોના ક્યાંક અમને તો નહીં થઈ જાયને તેવા ડરનો માહોલ લોકોમાં છે. આખી દુનિયા દેવા અને ડિપ્રેશનમાં ગરકાવ થઈ રહી છે એવામાં તમારા પક્ષનાં કાર્યકરો કોરોના સંક્રમણનું ભાન ભૂલી રસ્તા પર રાસ-ગરબે રમે, ભોજન સમારોહ યોજાય, આ બરાબર છે? અરે.. અરે.. સી.આર. પાટીલની 110 કિલો ચાંદીથી રજતુલા યોજાઈ. શું સી.આર. પાટીલ તમારા અંતરઆત્મામાંથી એકવાર પણ એવો અવાજ ન આવ્યો કે આ ઠીક થઈ રહ્યું છે? એવું પણ માની શકાય કે, જેમ રાજાને ખુશ કરવાનાં ચક્કરમાં પ્રજા પોતાની પછેડી જોતી નથી તેમ પક્ષ પ્રમુખને ખુશ કરવામાં કાર્યકરોએ સામે ચાલી આ બધા આયોજન ગોઠવી નાખ્યા.
  • જન્માષ્ટમી કે ગણપતિ પંડાલને ભલે મંજૂરી આપવામાં ન આવી પણ તમારા સ્વાગત માટે જાહેર રસ્તા પર ઠેરઠેર પંડાલ નખાય ગયા, જ્યાં જૂઓ ત્યાં જોખમી રીતે તમારા સ્વાગતનાં બેનરો-હોર્ડીન્ગ્સ લાગી ગયા, રથયાત્રા કાઢવાની મનાઈ વચ્ચે રેલી યોજવાની મંજૂરી મળી કે નહીં રામ જાણે પરંતુ રેલીઓ પણ નીકળી ગઈ. આ વર્ષે નવરાત્રી નહીં થાય પરંતુ તમારા સ્વાગતમાં હજારો ભાજપીઓએ ડીજેનાં તાલે ગરબે પણ ઘૂમી લીધું, જાણે દિવાળી હોય તેમ ફટાકડા પણ ફૂટ્યા, સરકારી ગાઈડલાઈન્સ મુજબ સારા-માઠા પ્રસંગે વધુ લોકોએ ભેગા થવાની, લાભની કે લૌકિકની ક્રિયાઓ કરવાની મનાઈ છે તેમ છતાં ભાજપ પ્રદેશ પ્રમુખ પ્રથમ વખત આવ્યાનાં ઉત્સાહમાં જાહેરનામાને નેવે મૂકી બસો-પાંચસો લોકો તમારું સ્વાગત કરવા આવી પણ ચઢ્યા. બહું બધું થઈ ગયું પણ તમે સમજદારીપૂર્વક પક્ષ પ્રમુખ તરીકે ઈચ્છતા તો આમાનું કશું જ ન થતું, આ બધું જ જ્યારે થઈ રહ્યું હતું ત્યારે તમે તેને રોકી-અટકાવી શકતા હતા. પરંતુ અફસોસ.. જો તમે પોતાના અને પક્ષના પહેલા પ્રજાનું થોડું પણ વિચાર્યું હોતું તો સૌરાષ્ટ્રમાં સી.આર. પાટીલની સવારી શરમજનક ન બનતી, શાનદાર હોતી.

સી.આર. પાટીલનાં સૌરાષ્ટ્ર પ્રવાસની મુખ્ય પાંચ ખબર

સી.આર. પાટીલનાં સૌરાષ્ટ્ર પ્રવાસે માત્ર શક્તિ પ્રદર્શનનાં દર્શન કરાવ્યા, ફાયદો કશો નહીં સમય, શક્તિ અને સંપત્તિનું નુકસાન જ નુકસાન

પાટીલ પક્ષમાં નારાજગી દૂર કરવા આવ્યા હતા, પ્રક્ષ પ્રત્યે પ્રજામાં નારાજગી વધારી ગયા

સત્તા સામે શાણપણ નકામું અને સત્તાધારી પક્ષ સમક્ષ વર્દીધારી પોલીસ પણ કશું ન કરી શકે એનું ઉત્તમ ઉદાહરણ એટલે સી.આર. પાટીલનો સૌરાષ્ટ્ર પ્રવાસ

કોરોનાકાળમાં સાવચેતીના નિયમો માત્ર પ્રજા માટે જ છે, ભાજપ પક્ષના નેતા-કાર્યકરો માટે નહીં

નવનિયુક્ત ભાજપ પ્રદેશ પ્રમુખની આગતાસ્વાગતામાં કોરોનાની માર્ગદર્શીકાનું ભાન ભૂલેલા સૌરાષ્ટ્ર ભાજપનાં નેતા-કાર્યકર્તાઓનું ભગવાન ભલું કરે, કોઈને કોરોના ન થાય કે ફેલાવે પ્રતિ.. સી.આર. પાટીલ…