“વિજય રૂપાણીનું નામ વટાવી ને ટિકિટ નહિ મેળવી શકાય” એ વાક્ય પાછળના ગુઢાર્થ…

“વિજયભાઈ તો ભોળા છે, મને રજુઆત કરો!” કહેવા પાછળનો આશય…

ચંદ્રકાન્ત પાટીલ [સી.આર] એક સજ્જ રાજકારણી છે. ક્યાં-શું બોલવું અને શું ન બોલવું એ તેઓ બરાબર જાણે છે. ભાજપના પ્રદેશ પ્રમુખ બન્યા બાદ તેમના ત્રણ દિવસના સૌરાષ્ટ્ર પ્રવાસે રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે. તેઓ જાણે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અપમાન કરવાની અને પોતાનું આધિપત્ય સાબિત કરવાની તક જ શોધતા હોય એવું ઘણાને લાગ્યું હતું

પાટીલે પોતાની મર્યાદાઓ ઓળંગી ને મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નામજોગ એક કરતા વધુ વખત અપમાન કર્યું હતું. તેમણે ત્યાં સુધી કહ્યું હતું કે “વિજય રૂપાણીને કોઈ ઝાંબાઝ નથી કહેતું, તેઓ માત્ર સજ્જન છે… વિજયભાઈનું નામ વટાવીને કોઈ ટિકિટ નહિ મેળવી શકે..” આવા કડવા વેણ બોલવા ઉપરાંત તેમણે પ્રવક્તા રજુધ્રુવને પણ જાહેરમાં ખખડાવ્યા. વિજયભાઈ રૂપાણી સાથે નિકટતા ધરાવતા અગ્રણીઓની તેમણેરીતસર અવગણના કરી. આ બધી બાબતોનો સંકેત શું છે, એ સમજવા બધા ઊંધે કાંધ છે. પાટીલને વડાપ્રધાન મોદી સાથે જામે છે. ગૃહમંત્રી અમિત શાહ સાથે બારમો ચંદ્રમા છે, એ જાણીતી વાત છે. શું આ ફેક્ટરને કારણે જ તેમનું વર્તન બરછટ બાવળીયા જેવું હતું? શું રાજકોટમાં જ ખેલ નાંખવા તેમને મોદીનો છુટ્ટો દોર હતો? શું આ ખેલ ઈરાદાપૂર્વકના જ હતા?