દર અઠવાડિયે કેટલીક ઘટનાઓ સોશિયલ મીડિયા પર વાયરલ થતી હોય છે. તો, ‘ખાસખબર’ આપના સમક્ષ ટ્વિટર, વોટ્સએપ, ફેસબૂક, ઇન્સ્ટાગ્રામ સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ધમધોકાર વાયરલ થયેલી પોસ્ટ્સ પ્રસ્તુત કરે છે

પરખ ભટ્ટ

દેર આયેં દુરૂસ્ત આયેં

બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતનો દેહ ૧૪મી જૂનના રોજ રહસ્યમય સંજોગોમા તેના અપાર્ટમેન્ટમાંથી મળી આવ્યો. શરૂઆતમાં આત્મહત્યામાં ખપાવી દેવામા આવેલા તેના કેસની જાંચ દરમિયાન ઘણા નવા નવા પાસાં અને તથ્યોનો ખુલાસો થતો ગયો. ટ્વિટર પર #CBIforSSR હેશટેગ સાથે આખી એક વાયરલ મુનીમ શરૂ થઈ. જેના પરિણામસ્વરૂપ મોતના ૬૦થી વધુ દિવસો વીતી ગયા બાદ તેનો કેસ સીબીઆઈને સોંપવાનો સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ણય લેવાયો. અક્ષય કુમાર, અનુપમ ખેર, અંકિતા લોખંડે, કંગના રનૌત, સુબ્રમણ્યમ સ્વામી સહિતના ઘણા નેતાઓ અને કલાકારોએ તેના સમર્થનમા ટ્વિટર પર વંટોળિયો ઉભો કરી દીધો.

ગુજરાતી ભાયડાનો ભવાડો

ગુજરાતી કૌભાંડી અને કરોડો રૂપિયા ચાઉં કરી ગયેલા હર્ષદ મહેતાના જીવન પર બનેલી વેબસીરિઝ ‘સ્કેમ ૧૯૯૨’નું  ટીઝર  રીલિઝ  થયું.  જેમાં  આપણા  ગુજરાતી  ભાયડા પ્રતિક ગાંધીએ મુખ્ય કિરદાર નિભાવ્યો છે. વળી, ડિરેક્ટર હંસલ મહેતા પણ ગુજરાતી! ‘સોની લિવ’ પર રીલિઝ થવા જઈ રહેલી આ વેબસીરિઝની પહેલી ઝલક હાલ યુટ્યુબ, ફેસબૂક સહિતના પ્લેટફોર્મ પર ભારે ટ્રેન્ડ કરી રહી છે, હોં કે!  

કાગડાનું કાઉંકાઉં!

પોતે સ્ત્રીઓને સન્માન આપતો હોવાની હળાહળ જૂઠ્ઠી વાતો કરતાં અમેરિકન પ્રેસિડન્ટ ડૉનાલ્ડ ટ્રમ્પ ભૂતપૂર્વ  અમેરિકન પ્રેસિડન્ટ  બરાક  ઓબામાની  પત્ની  વિશે  મનફાવે  એમ  બોલ્યા છે. ટ્વિટર પર મિશેલ ઓબામાને આડે હાથ લેતાં એમણે કહ્યું કે, ‘તે  (બાઈ)એ  પોતાનું  ભાષણ  લાઇવ  આપવું  જોઈતું  હતું,  પણ  તેણે  શા  માટે  એમ ન કર્યુ?’ ટ્વિટર પર આ મુદ્દો ચ્યુંગમની જેમ મમળાવવામાં આવ્યો!

સડકના ગીતોને પણ ધોબીપછાડ

આલિયા ભટ્ટ, સંજય દત્ત અને આદિત્ય રોય કપૂરની આગામી ફિલ્મ ‘સડક-૨’, જે મહેશ ભટ્ટ દ્વારા દિગ્દર્શિત છે તેના ટ્રેલરને ૧ કરોડથી વધુ ડિસલાઇક્સ મળી ચૂક્યા છે એ વાત આપણે સૌ જાણીએ છીએ. હવે યુટ્યુબ અર તેના ગીતો પણ એક પછી એક રીલિઝ થવાના શરૂ થયા છે, ત્યારે પહેલાવહેલા ગીત ‘તુમ સે હી’ને ૧૦ લાખથી વધુ લોકો ડિસલાઇક કરી ચૂક્યા છે. ‘સડક-૨’નો કચ્ચરઘાણ કાઢ્યા વગર પ્રેક્ષકો જંપશે નહીં એવું લાગે છે!

કહત સસુરા ડ્રીમ૧૧

ક્રિકેટના ચાહકો માટે આ અઠવાડિયે સારા અને ખરાબ બંને સમાચારોની વણઝાર રહી. ધોની અને રૈનાની નિવૃતિના સમાચારથી એક તરફ ઝાટકો લાગ્યો, ત્યાં બીજી તરફ ‘વિવો’ને રીપ્લેસ કર્યા બાદ હવે ‘ડ્રીમ-૧૧’ ‘આઇપીએલ’ની ટાઇટલ સ્પોન્સર કંપની બની ગઈ છે, જે કુલ ૨૨૨ કરોડ રૂપિયા તેની પાછળ રોકશે! સંભાવના તો એવી જ છે કે ’વિવો’ બાબતે કોઈ નિવેડો ન આવ્યો તો ૨૦૨૨ની સાલ સુધી ‘ડ્રીમ-૧૧’જ ટાઇટલ સ્પોન્સર રહેશે.

રાજદીપ સરદેસાઈનો ભોંપાળો

બ્રેકિંગ ન્યૂઝ આપવાના ચક્કરમાં કેટલીક વખત કેવા ભોંપાળા થઈ જાય છે એનું ઉદાહરણ ભારતીયોએ આ અઠવાડિયે જોયું. વરિષ્ઠ પત્રકાર રાજદીપ સરદેસાઈએ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જીને મૃત જાહેર કરીને શ્રદ્ધાંજલિ સુદ્ધાં આપી દીધી. બાદમાં, પ્રણબ મુખર્જીના સ્વસ્થ હોવાના સમાચાર આવતાં તેમને બહુ જ ભયંકર રીતે ઑનલાઇન ટ્રોલ કરવામાં આવ્યા. આખરે એમણે પોતાની ટ્વિટ ડિલીટ કરીને લોકોની માફી માંગવી પડી ત્યારે છેક મામલો થાળે પડ્યો! 

પ્રિયંકા માસીબહુ થયું!

નિક જોનસ માસા બિચારા મસ્તમજાના પુશ-અપ્સ કરી રહ્યા હતાં, એવામાં પ્રિયંકા માસીને શું સૂઝ્યું કે જઈને એમની પીઠ પર બેસી ગયા. વળી, એ તસ્વીર પોતાના ટ્વિટર પર અપલોડ કરી. તસ્વીર જોઈને તો એવું જ લાગે જાણે નિક માસા પ્રિયંકાના ભાર નીચે કચડાઈ જશે. અમેરિકામાં જ્યૉર્જ ફ્લોઇડનો કિસ્સો હજુ તાજો છે, ત્યાં આ પ્રકારની તસ્વીર સામે આવતાં ટ્વિટરાટ્ટીએ ઉપાડો લીધો. મજાક-મસ્તી શરૂ થઈ, મીમ્સ બનવાના શરૂ થયા અને દિવસો સુધી #FreeNickJonas હેશટેગ ટ્રેન્ડ કરતું રહ્યું.