જૂનાગઢ જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતો બેહાલ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.30
જૂનાગઢ જિલ્લામાં સતત કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ચોમાસુ પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. હાલમાં જ મગફળી, કપાસ, સોયાબીન અને કઠોળપાકો કાપણી માટે તૈયાર હતા અથવા કાપણી કરીને ખેતરોમાં ખુલ્લા પડેલા હતા, જેના પર વરસાદ પડતાં ખેડૂતોને મોટા પાયે આર્થિક ફટકો પડ્યો છે. આ કુદરતી આપત્તિથી ખેડૂતોની સ્થિતિ બેહાલ બની છે, ત્યારે ભારતીય કિસાન સંઘે રાજ્ય સરકાર પાસે તાત્કાલિક રાહત પગલાં લેવાની માંગ કરી છે.
- Advertisement -
કિસાન સંઘે જણાવ્યું છે કે હાલમાં માત્ર ઉછઋના માપદંડો મુજબ જ સહાય ચૂકવવામાં આવે છે, જે નુકસાનીને પહોંચી વળવા અપૂરતી છે. ખેડૂતો હાલ બજારમાં નીચા ભાવે પાક વેચવા મજબૂર છે અને ઉપરથી પાક નુકસાની પણ સહન કરી રહ્યા છે. ભારતીય કિસાન સંઘ દ્વારા સરકારે તાત્કાલિક માવઠાના વરસાદથી જૂનાગઢ જિલ્લાના તમામ તાલુકામાં તાત્કાલિક સર્વે કરીને ખેડૂતોને નુકસાનીનું 100% વળતર ચૂકવવામાં આવે. તેમજ ખેડૂતોને પાક નુકસાનીની હાલની સરકારી યોજનાના માપદંડોમાં 33% થી વધુ નુકસાનીની અને મહત્તમ બે હેક્ટરની મર્યાદા નાબૂદ કરવામાં આવે, અને ખેડૂતોને જેટલા વિસ્તારમાં નુકસાન થયું હોય તે મુજબ સહાય આપે અને ખેડૂતોને હાલની યોજનાઓના ધોરણોથી ઉપર ઉઠીને વિશેષ પેકેજ જાહેર કરવામાં આવે. જયારે સર્વેની કામગીરી ઝડપી બનાવવા માટે ઉઈજ કે અન્ય એપ્લિકેશન દ્વારા ખેડૂત જાતે અથવા ગ્રામ સેવક/સરકારી અધિકારી દ્વારા નુકસાનીનો ડિજિટલ સર્વે કરવામાં આવે, જેથી ખેડૂતો સમયસર નુકસાન પામેલો પાક ખેતરમાંથી હટાવી શકે. જે પાકને નુકસાન થયેલું હોવા છતાં, આ બાબતને ધ્યાને લઈને ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે. ખેડૂત જાતે નુકસાની અંગેના ફોટોગ્રાફ્સ ખેતીવાડી વિભાગને રજૂ કરે તો તેને માન્ય ગણવામાં આવે. ગુજરાતમાં વહેલી તકે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના ફરીથી લાગુ કરવામાં આવે તેવી માંગ મુખ્યમંત્રીને સંબોધીને કલેકટરને આવેદનપત્ર આપી કરવામાં આવી છે.



