આગામી તા.18થી 60 દિવસ સુધી અમલમાં રહેશે જાહેરનામું
ખાસ-ખબર સંવાદદાતા
પવિત્ર યાત્રાધામ શ્રી સોમનાથ મંદિરના દર્શનાર્થે લાખો શ્રદ્ધાળુઓ દર વર્ષે આવે છે. આ યાત્રાધામ ખાતે આવેલ દરીયા કિનારે વારંવાર મોજામાં તણાઈ જવાથી, સ્નાન કરવા જતા ડૂબી જવાથી કે અન્ય રીતે માનવ મૃત્યુના બનાવો બનવા પામેલ છે. આવા બનાવો બનતા અટકાવવાના ભાગરૂપે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.વી.લીંબાસીયા દ્વારાગીર સોમનાથ જિલ્લો ફોજદારી કાર્યરીતી અધિનિયમ-1973 ની કલમ-144 હેઠળ સોમનાથ મંદિરના સમુદ્રમાં સ્નાન કરવા કે ઉંડા પાણીમાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવતા જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામા અનુસાર જિલ્લાના પ્રભાસપાટણ મુકામે આવેલ શ્રી સોમનાથ મંદીરની દક્ષિણ દિશા તરફ અરબી સમુદ્રમાં, સોમનાથ મંદીરની પુર્વ-પશ્મિ બન્ને સાઈડમાં આશરે 4 (ચાર) કિ.મી.ના વિસ્તારમાં સમુદ્ર કાંઠે કોઈપણ વ્યકિતએ સમુદ્રમાં સ્નાન કરવા જવુ નહી કે સમુદ્રના ઉંડા પાણીમાં પ્રવેશ કરવો નહી. ફરજની રૂઈએ આ વિસ્તારમાં કોઈ સરકારી ખાતાના કર્મચારી અધિકારીઓએ કોઈ કાર્યવાહી કરવાની થતી હોય તો તેઓને આ હુકમની જોગવાઈ લાગુ પડશે નહી. આ જાહેરનામું તા.18થી દિન-60 સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યકિત ભારતીય દંડ સંહીતાની કલમ-188 મુજબ શિક્ષાને પાત્ર થશે.