જયેશ ગોહેલના ગામ ભૂપગઢ ખાતે 1 મેના રોજ રેલી, સન્માન સમારોહ તથા ડાયરાનું આયોજન
રેલી ગામના સિંહમોઈ માતાજી મંદિર સરધારથી શરૂ થઈને ભૂપગઢ સ્વામિનારાયણ મંદિર સુધી યોજાશે જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાઈને વીર જવાનનું અભિવાદન કરશે
- Advertisement -
રાજપૂત સમાજ વાડી, ભૂપગઢ ખાતે સાંજે 7 કલાકે ભોજન સમારંભ, રાત્રે 9.30 કલાકે લોકડાયરો યોજાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ભારતીય સેનામાં રહીને માતૃભૂમિની રક્ષા કાજે પોતાના જીવનના અમૂલ્ય 24 વર્ષ અર્પણ કરનાર દેશના વીર જવાન જયેશભાઈ દિનેશભાઈ ગોહેલ આગામી 1 મે ના રોજ નિવૃત થઈને સ્વગૃહે પરત ફરી રહ્યા છે. રાજકોટના ભૂપગઢ ગામના આ રત્ન જ્યારે દેશસેવાનું ભાથું લઈને માતૃભૂમિના ખોળે પરત ફરી રહ્યા છે, ત્યારે સમગ્ર ગ્રામજનો અને ગોહેલ પરિવાર દ્વારા તેમના ભવ્ય સ્વાગત અને સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી સ્વામિનારાયણ ભગવાન, શ્રી ખોડિયાર માતાજી અને સતિ માતાની અસીમ કૃપાથી રાષ્ટ્રસેવામાં ગૌરવપૂર્ણ 24 વર્ષ પૂર્ણ કરનાર જયેશભાઈ 1 મે 2026ના રોજ પોતાના વતન ભૂપગઢ પધારી રહ્યા છે. આ અવસરને યાદગાર બનાવવા માટે ગામમાં દેશભક્તિના માહોલ વચ્ચે વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું છે.
ભવ્ય રેલી અને સ્વાગત: જવાનના આગમન પ્રસંગે તા. 01-05-2026ના રોજ બપોરે 4:00 કલાકે એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલી સિંહમોઈ માતાજી મંદિર – સરધાર થી શરૂ થઈને ભૂપગઢ સ્વામિનારાયણ મંદિર સુધી યોજાશે, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાઈને વીર જવાનનું અભિવાદન કરશે. સ્વાગત બાદ સાંજે 7:00 કલાકે રાજપૂત સમાજ વાડી, ભૂપગઢ ખાતે ભોજન સમારંભ યોજાશે. ત્યારબાદ રાત્રે 9:30 કલાકે હનુમાનજી મંદિર, ભૂપગઢ ખાતે ભવ્ય લોકડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં લોકકલાકારો દ્વારા રાષ્ટ્રભક્તિ અને સંસ્કૃતિના ગીતોની રમઝટ બોલાવવામાં આવશે.
પરિવારના ગૌરવ એવા જયેશભાઈ ગોહેલના સન્માન સમારોહમાં નિમંત્રક તરીકે દિનેશભાઈ ગોપાલભાઈ ગોહેલ, રમેશભાઈ દિનેશભાઈ ગોહેલ, ચેતનભાઈ રમેશભાઈ ગોહેલ, સાગરભાઈ જયેશભાઈ ગોહેલ અને ભવ્ય ચેતનભાઈ ગોહેલ સહિત સમગ્ર ગોહેલ પરિવારે સૌ સ્નેહીજનોને ઉપસ્થિત રહેવા ભાવભીનું આમંત્રણ પાઠવ્યું છે. દેશની રક્ષા કાજે બે દાયકાથી વધુ સમય સીમા પર ગાળ્યા બાદ વતનના આંગણે પરત ફરી રહેલા જવાનના વધામણાં કરવા માટે અત્યારથી જ ભૂપગઢ પંથકમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.



