સૌરાષ્ટ્રના અમરેલીમાં અવારનવાર ભૂકંપના આંચકા અનુભવાય છે. ભૂકંપે આ પંથકને વખતોવખત ધ્રુજાવી મૂક્યું છે. ત્યારે આજે સવારે ફરી અમરેલીની ધરા ધ્રુજી ઉઠી હતી.

છેલ્લા ઘણાં સમયથી અમરેલીનાં ખાંભા અને સાવરકુંડલા વિસ્તારમાં ભૂકંપના હળવા આંચકા આવતા રહે છે. ત્યારે આજે સવારે ફરી અમરેલીની ધરતી ધણધણી ઉઠી હતી. આ સવારે 9:06 કલાકે અમરેલી પાસે ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો પોતપોતાના ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા. જોકે, સદનસીબે આ વિસ્તારોના કોઇ ગામડામાં ભૂકંપનો અનુભવ થયો હોય તેવા સમાચાર મળી નથી રહ્યા.

આંચકા વારંવાર આવતા લોકોમાં ભયનો માહોલ
આજે વહેલી સવારે અમરેલીમાં આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.1 માપવામાં આવી છે. તો ભૂકંપનું કેન્દ્રબિંદુ અમરેલીથી 44 કિમી દૂર નોંધાયું છે.. હાલમાં કોઈપણ પ્રકારની જાનહાનિ કે આર્થિક નુકશાનના સમાચાર સામે આવ્યા નથી. પરતું વારંવાર આવી રહેલા ભૂકંપના આંચકાને કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

19 ફેબ્રુઆરીએ આવ્યો હતો ભૂકંપ
આ પહેલા અમરેલીમાં ગત 19 ફેબ્રુઆરીએ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રવિવારે સવારે 11.54 કલાકે અમરેલી જિલ્લાની ધરા ધ્રુજી ઉઠી હતી. અમરેલી પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો.

ખાંભા ગીર પંથકમાં પણ અનુભવાયો હતો
રવિવારે સવારે આવેલા ભૂકંપ આંચકો મિતિયાળાની સાથે ખાંભા ગીર પંથકમાં પણ અનુભવાયો હતો. ખાંભા ગીરના ભાડ, નાનુંડી, નાના વિસાવદર, વાંકિયા ગામમાં ભૂકંપનો આંચકો અનુભવાતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. રવિવારે અમરેલી જિલ્લામાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જ્યારે આ ભૂકંપનું કેન્દ્રબિંદુ અમરેલીથી 44 કિ.મી દૂર નોંધાયું છે. જોકે, ભૂકંપની તીવ્રતા વધુ ન હોવાથી કોઇ જાનહાની કે નુકસાન થયું નહોતું.