‘નારી સ્વાભિમાન આંદોલન’ હજુ 24 કલાક ચાલશે
પરેશ ધાનાણીએ ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ધારાસભ્ય કૌશિક વેકરિયાનો નાર્કો ટેસ્ટ કરાવવાની માંગ કરતાં રાજકીય ગરમાવો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાને બદનામ કરતાં લેટરકાંડ મામલે હવે અમરેલી પોલિટિકલ રીતે એપીસેન્ટર બની ગયું છે. ધારાસભ્ય કોશિક વેકરિયા અને જિલ્લા પોલીસ વડાને અલ્ટિમેટમ આપ્યા બાદ પરેશ ધાનાણી 24 કલાક માટે ’નારી સ્વાભિમાન આંદોલન’ પર બેઠા હતા. રાજકમલ ચોકમાં સવારે 10 વાગ્યે અમરેલી લેટરકાંડમાં પાયલ ગોટીના સમર્થનમાં પરેશ ધાનાણીના 24 કલાકના ધરણાં પૂરાં થતાં હતાં. જોકે, તેમણે વધુ 24 કલાક ધરણાં જારી રાખવાની જાહેરાત કરી હતી. એટલું જ નહીં, આવતીકાલે (11 જાન્યુઆરી) અમરેલી બંધ રાખવાની વેપારીઓને અપીલ કરી હતી. સાથે જ હર્ષ સંઘવી અને કૌશિક વેકરિયાના નાર્કોટેસ્ટની માગ કરી હતી.
પાયલ ગોટી સાથે બનેલી ઘટનાને લઈ પોલીસ અને નેતાઓ ઉપર પરેશ ધાનાણીએ પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, આજે પેટમાં દાણો નથી નાખ્યો તેને 24 કલાક પૂર્ણ થયા છે. 24 કલાક બાદ રાજ્ય સરકારે કોઈ શિક્ષાત્મક કાર્યવાહી નથી કરી. હાલ કોઈ કાર્યવાહી નહીં થતાં વધુ 24 કલાક ધરણાં રહેશે. લેટરકાંડમાં મુખ્ય આરોપી મનીષ વઘાસિયા તાલુકા ભાજપ પ્રમુખ ન બને તે માટે ફરિયાદ કરવામાં નિર્દોષ દીકરી ઉપર ફરિયાદ થઈ છે. કૌશિક વેકરિયાનો નાર્કોટેસ્ટ કરાવવા પરેશ ધાનાણીએ માગ કરી હતી. અમરેલીના એસપી અને પોલીસ તંત્રને હર્ષ સંઘવીએ કોના ઈશારે સૂચનાઓ આપી અને વરઘોડો કઢાવ્યો તેવો સવાલ કર્યો હતો. સાથે જ ધાનાણીએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, નાયબ દંડક કૌશિક વેકરિયા, એસપી આ ત્રણને કેટલી વખત વોટ્સએપ કોલ ઉપર વાત થઈ તે તપાસ કરાવો તેવી માગ કરી હતી. આવતીકાલે શનિવારે સવારે 10 વાગે ધરણાં પૂર્ણ થશે. આવતીકાલે અડધો દિવસ ધંધા રોજગાર બંધ રાખવા વેપારીઓને અપીલ કરી છે. ધરણાંને આગળ વધારવા અરજી કરી છે મંજૂરી મળશે અને જો નહિ મળે તો પણ પરેશ ધાનાણી ધરણાં કરશે.
- Advertisement -
લડાઈનાં 8 મુદ્દા: વેપારીઓને બંધ રાખવા અપીલ
આ મંચ ઉપરથી સમિતિ માગણી કરી રહી છે, દીકરીને ન્યાય મળે એ જ આઠ મુદ્દાઓની એક સૂત્રીય લડાઈ અમે આગળ ધપાવાના છીએ. સમગ્ર ગુજરાતમાં આજ બે સવાલો અને આઠ મુદ્દાઓને લઈ અને ન્યાય માંગવાના છીએ, ત્યારે આ લડાઈને આગળ ધપાવાની આજથી અમે કાયદાકીય મોરચે શરૂઆત કરી રહ્યા છે. રાજ્યના પોલીસ વડાને દીકરી દ્વારા રજૂઆત થાય ફરિયાદ થાય અને આવતા દિવસોમાં કાયદાથી આ લડાઈને આક્રમક બનાવવાની કાર્યવાહી અમે શરૂ કરી છે. આવતીકાલે સવારે અમરેલીના વેપારીઓને સ્વૈચ્છિક રીતે આ દીકરી ઉપર જે અત્યાચાર થયો છે, અડધો ટંક બંધ પાળવાની વિનંતી કરી છે.
મહાનૂભાવોનાં કોલ રેકોર્ડ ચકાસવા માંગ
પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, એક કુંવારી ક્ધયાની આબરૂ લેનારી અમરેલીની કલંકિત ઘટનાએ સમગ્ર ગુજરાતનું નાક વાઢ્યું છે, ત્યારે આંદોલનને પરિણામ સુધી આગળ ધપાવવા માટે પરેશ ધાનાણી વધુ 24 કલાક અન્નના દાણા વગર, આ ઘરણાને આગળ ધપાવવાની જાહેરાત કરે છે. આ બનાવ જેના કારણે બન્યો છે, જે રાજકીય સાઠમારીનો નિર્દોષ દીકરી ભોગ બની છે, એ સત્યને ઉજાગર કરવા માટે સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિ અને રાજ્યના કૌશિક વેકરિયાનો નાર્કો ટેસ્ટ કરવા મુખ્યમંત્રીને આ સમિતિ વિનંતી કરે છે. આ શંકાસ્પદ આરોપીઓની ધરપકડ કરી દરમિયાન રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હવામાં ઊડી અને ચાર્ટર્ડ ફ્લાઇટ દ્વારા તત્કાળ અમરેલી આવ્યા હતા, ત્યારે શું આ પ્રકરણમાં હર્ષ સંઘવીની સંડોવણી છે? એ ગુજરાત જાણવા માંગે છે, ત્યારે કૌશિકભાઈ, હર્ષભાઈ અને અમરેલી એસપી વચ્ચે આ સમયગાળા દરમિયાન કેટલી વખત વાતચીત થઈ, શું વાત થઈ એ જાણવાનો ગુજરાતને અધિકાર છે. એટલે હર્ષ સંઘવીનો પણ નાર્કો ટેસ્ટ કરાવવામાં આવે અને એના આંતરિક કોમ્યુનિકેશન-ટેલિફોનિક, વોટ્સએપ, સિગ્નલ હોય કે કોઈપણ સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ, એની તપાસ કરવામાં આવે.