જે સાધક મિત્રોને નિષ્કામ કર્મમાં રસ છે, તે તમામ મિત્રોને વંદન. કોઈ પણ કર્મ કામના વગરનું કેવી રીતે હોઈ શકે? આપણા ઘરમાં ગૃહિણી ભોજન બનાવે છે કારણકે પરિવારજનોને જમાડવાની કામના હોય છે. પુરુષ નોકરી કે ધંધો કરવા જાય છે કારણકે તેના મનમાં પરિવારનો નિર્વાહ કરવાની કામના હોય છે. આ કામનામાંથી છૂટવું શી રીતે?
આપણાં ઘરમાં નોકર ચાકર હોય છે. કચરા-પોતા માટે, કપડા – વાસણ માટે. ગાડી ચલાવવા માટે ડ્રાઈવર પણ હોય છે. આ બધા માણસોનો વિચાર કરો. જે સ્ત્રી આપણા ઘરમાં કચરા પોતા કે કપડાં વાસણ કરતી હશે તેના મનમાં આપણા ઘર માટે કોઈ કામના, કોઈ આસક્તિ હશે ખરી? ના, તેનું મન તો તેના પોતાના ઘરમાં ખેચાયેલું હશે. એ આપણા ઘરમાં કામ કરતી હોવા છતાં એનું મન આપણા ઘરમાં નથી. આ નિષ્કામ કર્મ થયેલું કહેવાય. સાક્ષીભાવથી થયેલું કામ.
- Advertisement -
આપણું પણ આવું જ છે. આ પૃથ્વી આપણું ઘર નથી. આપણે આપણા માલિકે ચિંધેલું કામ કરવા માટે આવ્યા છીએ. આપણું નિજઘર તો ઈશ્વરનું ધામ છે. નોકરી ધંધો કરતા કરતા, સામાજિક ફરજો અદા કરતા કરતા આપણું મન હંમેશા ઈશ્વર પ્રત્યે, અને ઈશ્વરના ધામ પ્રત્યે પરોવાયેલું રાખીએ તો અહી આપણે જે કામો કરીશું એ નિષ્કામ ભક્તિ ગણાશે.