નિતાંતરીત: નીતા દવે
મિત્રતા નું પર્વ ન હોય દોસ્ત જોડે હોય ત્યારે દરેક દિવસ એક પર્વ હોય..! અમાસ હંમેશા અંધકારમય હોય છે.એવી જ રીતે જીવનમાં જ્યારે ચો તરફ નિરાશા,અસફળતા,અને હુંફનો દુષ્કાળ પડ્યો હોય ત્યારે એક સાથી, એક દોસ્ત જ એવો સબંધ છે જે જીવતરની અમાસને પણ અજવાળી શકે..! મિત્ર એટલે એક એવો નાતો જેની પાસે સંપૂર્ણ નિખાલસતા જીવી શકાય. મિત્ર અને મિત્રતા આ બંને જીવનના સેતુ સમાન તત્વો છે. જેની સાંકડી કેડી માંથી માત્ર બે સમાન વ્યકિતત્વવાળા મિત્રો જ પસાર થઈ શકે. માણસની ખરી સમૃદ્ધિ ધનદોલત રૂપિયો નહીં પરંતુ મિત્રો સાથે જીવાયેલો નિખાલસ સંબંધ છે. બહુ ભાગ્યશાળી હોય છે એ લોકો જેના જીવનમાં પ્રતિબિંબ સમાન મિત્રો હોય. ખરા અર્થમાં જુઓ તો પ્રકૃતિ પણ મિત્રતાનું જ પ્રમાણ છે. આ જગત કેવળ તર્ક કે લાગણીથી નથી ટક્યું આથી જ માણસને મિત્રો વગર નથી ચાલતું.પૃથ્વી પર જીવસૃષ્ટિનો આરંભ થયો ત્યારથી મૈત્રીનો પણ પ્રારંભ થયો છે. વિશ્વ નિર્માણમાં જે સ્થાન જળનું છે તે જ સ્થાન માનવ જીવનમાં મૈત્રીનું છે.પરંતુ હવે સમય પરિવર્તિત થઈ રહ્યો છે.લોકો સ્વાર્થ વગર સંબંધો બાંધતા નથી ત્યાં કારણ વગરની મિત્રતા તો કેમ કેળવી શકાય..? મિત્રતાની પરિભાષા પણ હવે રૂપિયો અને હોદ્દો જોઈને આંખવામાં આવે છે ધનિક લોકોની મિત્રતા માટે હજારો ને આમંત્રણ પણ નહીં આપવું પડે, પણ જ્યારે એક પ્રમાણિક વ્યક્તિ માટે એક સાચો મિત્ર શોધવો પણ અઘરો બની જશે.કારણ કે મિત્રતાની પહેલી શરત નિસ્વાર્થ લાગણી છે અને એ આજ ના સમય માં તો ક્યાંથી સંભવી શકે.? ઈશ્વર અને મનુષ્ય વચ્ચે કોઈ સમાન ઝંખના નું તત્વ હોય તો તે સાચી મિત્રતાની મનસા છે. અર્જુન અને કૃષ્ણ, દ્રૌપદી અને કૃષ્ણ, સુદામા અને કૃષ્ણમિત્ર નું ચરિત્ર એ જીવનના બધા જ સંબંધોને એક સંબંધમાં આવરી લે તેટલું વિશાળ હૃદય ધરાવતું હોય છે અને આથી જ શ્રીકૃષ્ણને મિત્રતાના દેવ કહ્યા છે.
- Advertisement -
મિત્રતાનો ઉલ્લેખ થાય ત્યારે મહાભારતના કર્ણની મૈત્રી પણ અચૂક મુલવવી પડે.પરંતુ આ મિત્રતા ને મિત્રતા ઓછી અને ઋણભાર કે ઋણ ચુકવણી વધારે કહેવાય..! કારણ કે સાચો મિત્ર તેને જ કહેવાય જે અધર્મના રસ્તા ઉપર ચાલતા મિત્રને ધર્મ અને ન્યાય સમજાવી પાછો વાળી શકે.મિત્રતાનો દાવો માત્ર સહકાર કે સાથ નથી પરંતુ ન્યાય, ધર્મ, સત્ય અને સમજણ ભર્યો સાથ છે અને આમ પણ મિત્રતા એ લેતી દેતી અથવા જમા ઉધારના ગણિતથી ઘણી ઉપર હોય છે.મિત્રતામાં માત્ર પાત્રતા જોવાય જાતિ કે ધર્મ નહીં..! વિજાતીય મૈત્રીનું શ્રેષ્ઠ ઉદાહરણ કૃષ્ણ અને દ્રૌપદીની મિત્રતા છે જે જગ પ્રસિદ્ધ છે. પાંચ પાંચ પતિની સ્વામીની હોવા છતાં પોતાના શીલની રક્ષા કરવા માટે જેમણે સખા સ્વરૂપ શ્રીકૃષ્ણને સાદ દીધો હતો અને ચોપાટની એ રમતમાં પોતાનું સ્વમાન હારેલી સખીની રક્ષા કાજે સાક્ષાત્ પુરુષોત્તમ પ્રગટ થયા હતા..!છતાં હિનતા અને નીચ વિચારોથી ભરેલા ધૃતરાષ્ટ્રના એ દરબારમાં એક પણ આંગળી આ મૈત્રીના સખાભાવ ઉપર ઊઠી ન હતી. કારણ કે એ મૈત્રીપ્રેમ પવિત્રતાની પારાશીશી સમાન પવિત્ર હતો.પરંતુ આજે આ કથા માત્ર દંત કથા સમાન લાગે છે. કારણ કે આવો નિસ્વાર્થ અને પારદર્શક વિજાતીય પ્રેમ આજના સમયમાં મળવો અસંભવ છે.
સોશિયલ મીડિયાના આ સમયમાં વિજાતીય મિત્રતાની વ્યાખ્યા જ વિકૃત થઈ ગઈ છે. પહેલી બાબત તો ત્યાં જ આવે કે સાવ અપરિચિત અજાણ અણદીઠા વ્યક્તિના સંપર્કમાં આવ્યા પછી તાત્કાલિક તેમને મિત્રનો દરજ્જો આપી દેવો..! અત્યારે સોશિયલ મીડિયામાં મળેલા સંપર્કો ટૂંકાગાળાની મજા અને ક્ષણિક આનંદ મેળવી અને છૂટા પડી જતા હોય છે. આજે મળ્યા અને કાલે છુટા પડ્યાઅને દોસ્ત ન કહેવાય. દોસ્તી તો દાયકાઓમાં જીવવાની હોય દિવસોમા નહીં. સાચી મૈત્રીની લાગણી એ લાઈક કોમેન્ટ કે ઈમોજી મુકી ક્યારેય પુર્ણ રૂપે પ્રસ્તુત ન શકાય. દેખાડા માટે જીવાય એને દોસ્તી ન કહેવાય પરંતુ હવે ના સમયમાં મૈત્રી પણ માત્ર દુન્યવી દેખાવ પૂરતી જ નિભાવતી હોય છે. જે અત્યંત દુ:ખદાયક બાબત છે કડવુ છે પરંતું આ સત્ય છે. બહુ ઓછા લોકો હોય જે મિત્રતાના ની ગરીમા ને જાળવી પરસ્પરની મર્યાદા ને સમ્માન આપી શકે.આજીવન સંપર્ક વિહોણા રહેવા છતાં એક બીજા મારે સદભાવના કેળવી શકે.મિત્રતાનું સત્ય સ્વરૂપ એટલે સર્વ સંબંધોનો સરવાળો..! એક સારો મિત્ર હોય તો તે દરેક સામાજિક, વ્યવહારિક, અને ક્યારેક તો લોહીના સંબંધ કરતાં પણ ચડિયાતો સાબિત થતો હોય છે.એક મિત્ર માં બાપ ભાઈ બહેન શિક્ષક ગુરુ અને ક્યારેક તો પરમેશ્ર્વરની પ્રાપ્તિ કરાવનાર માધ્યમ પણ બની રહે છે.
મિત્રતા કોઈ એક જ લાગણી પૂરતી સીમિત ક્યારેય ન બની શકે? કહેવાય છે કે એક માતા સો શિક્ષકની ગરજ સારે છે, એવી જ રીતે એક સારો મિત્ર સો સંબંધોની ગરજ સારતો હોય છે.જેવી રીતે મા બાપ પાસે નિખાલસ અને પારદર્શક હોવાપણું જીવી શકાય તેવી જ રીતે વિના સંકોચ એક મિત્ર પાસે મનની પારદર્શિતા પણ જાળવી શકાય.
- Advertisement -
શુદ્ધ મિત્રતા એ પારસમણિ થી ઓછી નથી હોતી.મિત્રને પારખવાનો ન હોય તેની પરીક્ષાઓ ન લેવાય.તેનો તો સ્વીકાર હોય સર્વે પરિસ્થિતિમાં. સાચો મિત્ર સમય આવ્યે પોતાનો પરિચય જાતે જ આપી દેતો હોય છે.જીવનની કોઈપણ ક્ષણે દુખદાયક પરિસ્થિતિમાં એક સમજણ ભર્યો સાથ આપનાર સાથી મિત્ર સાથે હોય તો જીવનની દુર્ગમ અતિ દુર્ગમ પરિસ્થિતિનો સામનો પણ બહુ જ સરળતાથી કરી શકાય છે.આજે સોશિયલ મીડિયાની હાટડીએ મિત્રતાનો વ્યાપાર કરતાં સંપર્કો એ મૈત્રી નથી. ત્યાં હજારો મિત્રો બનાવવા કરતા માત્ર એક કે બે સાચા મિત્ર હકીકત ની દુનિયા માં બની શકે તો એ અમૂલ્ય હશે. કેમ કે, લાખો કાચના ટુકડાઓ સાથે મળીને પણ એક કોહિનૂરની બરાબર કરી શકતા નથી.