દૂરદર્શન કેન્દ્ર, રાજકોટ દ્વારા “સમાજ કલ્યાણ વિભાગની વિવિધ યોજનોઓ વિશે જાણકારી આપતો મુલાકાતલક્ષી કાર્યક્રમ આવતીકાલે મંગળવારે ૨૪ ઓગસ્ટ ૨૦૨૧ બપોરે ૧.૩૦ વાગ્યે અને રાત્રે ૧૦ વાગ્યે અનુસુચિત જાતી કલ્યાણ કચેરીનાં નાયબ નિયામક સી.એન. મિશ્રા સાથે યુવાનો માટે માહિતીસભર ચર્ચાનું પ્રસારણ ડી.ડી. ગીરનાર ચેનલ પર સમગ્ર ભારતમાં ટેલીકાસ્ટ કરવામાં આવશે.
સમાજમાં સામાજિક સમરસતા જળવાય અને રાજ્યમાં વસતા તમામ વર્ગો સુધી સર્વાંગીણ વિકાસ માટે સામાજિક, આર્થિક, શૈક્ષણિક અને આરોગ્યલક્ષી યોજનાઓ રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવે છે, જેથી સમાજનો છેડા છેવાડાનો માનવી પણ મુખ્ય પ્રવાહમાં જોડાઈ શકે અને સશક્ત અને સમર્થ ગુજરાતના નિર્માણની દિશામાં મક્કમ આગેકૂચ કરી શકાય.
- Advertisement -
અનુસુચિત જાતીના યુવાનો અને વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકાર અનેક યોજના ઘડે છે ત્યારે અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરીનું મુખ્ય કાર્ય શું છે ? અને તે અનુસૂચિત જાતિ વર્ગના લોકોને કેવી રીતે મદદરૂપ થાય છે? અનુસુચિત જાતિના વિદ્યાર્થીઓ ખાસ કરીને ધોરણ 10 પાસ થાય તે પછીના અભ્યાસક્રમો માટે શિષ્યવૃત્તિ મળે છે કે કેમ ? અને ફ્રી શીપ કાર્ડ કેવી રીતે નીકળે ? તેની વિધિ શું છે અને તેની અવધિ શું છે ? ધોરણ 12 પછી લેવાથી વિવિધ પરીક્ષાઓના તાલીમ વર્ગો માટે કોઈ યોજના કચેરીએ કરી છે કેમ? ડોક્ટર, વકીલ કે અન્ય પ્રોફેશનલ ડિગ્રી મેળવ્યા પછી પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે આર્થિક લોન કે સહાય આપવામાં આવે છે કે કેમ ? ગ્રેજ્યુએટ થયા બાદ રાજ્ય સરકારના જુદા જુદા વિભાગમાં વર્ગ એક, બે કે ત્રણના કર્મચારીઓની સ્પર્ધાત્મક પરીક્ષા માટે કોઈ વર્ગો શરુ કરવામાં આવે છે કે કેમ અને ખાનગી વર્ગો માટે ભરવાની થતી ફી સંબંધે કોઈ આર્થિક સહાય મળે છે કે કેમ? વિદેશમાં અભ્યાસ કરવા માટે વિદ્યાર્થીઓને લોન મળે છે કે કેમ? અને તેણે ભરપાઈ કરવાનો સમયગાળો શું છે ? લોન મેળવવા માટે કેવા પ્રકારનાં દસ્તાવેજોની જરૂરીયાત રહે છે? પીએચ.ડી. કે એમ.ફિલનો અભ્યાસ કરવા માટે શિષ્યવૃત્તિ મળતી હોય તો તેની માહિતી ક્યાંથી મળે ? ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરવા માટે સહાય મળે છે કે કેમ? આજકાલ હવાઈ જહાજના ક્ષેત્રમાં રોજગારીની ઉજળી તકો પ્રાપ્ત થઇ રહી છે અને કોમર્શિયલ પાયલોટનો અભ્યાસ ઘણો ખર્ચાળ છે ત્યારે તે કોર્ષ કરવા માટે લોન કે સહાય મળે છે કે કેમ ? અનુસુચિત જાતીના અનેક વિદ્યાર્થીઓને મુંજવતા અનેક પ્રશ્નોનાં સચોટ જવાબ અનુસુચિત જાતી કલ્યાણ કચેરી, રાજકોટનાં નાયબ નિયામક સી.એન. મિશ્રા દ્વારા આપવામાં આવ્યા છે.
કાર્યક્રમનું સંચાલન પરેશ વડગામા કરશે જયારે નિર્માણ સંજય સાગઠીયાનું છે.


