ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.6
ભવનાથ જતા રોડ પર રાત્રિના સમયે બાઈક અડફેટે હરણ આવી જતા ઈજાગ્રસ્ત થયું હતું. ભવનાથ રોડ પર અશોક શિલાલેખ નજીક પૂર ઝડપે આવતી બાઈક સામે હરણ અથડાયું હતું. જેમાં હરણને અડફેટે લેનાર બાઈક ચાલક હરણ સાથે અથડાયા બાદ ભયનો માર્યો નાસી ગયો હતો. આ ઘટનાને નઝરે જોનારા લોકો કહી રહ્યા હતા કે, બાઈક પસાર થઈ ત્યારે અચાનક જ હરણે રોડ ક્રોસ કર્યો હતો અને બાઈક સાથે હરણ અથડાયું હતુ.
- Advertisement -
આ ઘટનાને જોઈ ભવનાથ જતા વાહન ચાલકો રોડ પર એકઠા થઈ ગયા હતા. જેમાંથી એક વ્યક્તિ દ્વારા હરણ રોડ પર ઇજાગ્રસ્ત થયા હોવાની જાણ વન વિભાગને કરવામાં આવી હતી. અશોક શિલાલેખ નજીક હરણ ઇજાગ્રસ્ત થયું હોવાની જાણ થતા વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્ત હરણની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. હરણને વન વિભાગની ટીમ દ્વારા તાત્કાલિક સારવાર માટે લઈ જવામાં આવ્યું હતું. અગાઉ ભવનાથના આ રસ્તે સિંહો પણ આટા ફેરા મારતા હોવાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. ત્યારે ઘણી વાર શિકારની શોધમાં સિંહ પણ જંગલ વિસ્તાર છોડી ભવનાથ રોડ તરફ આવી ચડતા હોય છે. આ મામલે વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર અરવિંદ ભાલીયા સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે, હરણ ઇજાગ્રસ્ત થતાં મને કોલ આવ્યો હતો અને તાત્કાલિક હું અને મારી ટીમ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને હરણને તાત્કાલિક સારવાર માટે લઈ જવામાં આવ્યું હતું.