ખાસ-ખબર સંવાદદાતા
આપણા તિરંગાને ક્યાંય પણ લહેરાતો જોઈએ તો તરત જ આપણું માથું સમ્માનથી ઊંચું થઇ જતું હોય છે. તિરંગો હંમેશા લહેરાતો હોય તેવો જોવો જ આપણને પસંદ આવે છે. દર વર્ષે 15મી ઓગસ્ટ કે અન્ય કોઈ રાષ્ટ્રીય તહેવારના દિવસે દરેક લોકો ના હાથમાં તિરંગો જોવા મળી રહેતો હોય છે. પરંતુ આ તહેવારની ઉજવણી બાદ આ તિરંગો તેનો સમ્માન ખોઈને આપણામાંથી જ કોઈને હાથે તે કચરાપેટી કે રોડ પર પડેલો જોવા મળતો હોય છે. આ જોઈને સૌને ખૂબ દુ:ખ થતું હોય છે.
તિરંગાનું માન-સમ્માન જળવાય તે આપણી જવાબદારી જ નહિ પરંતુ તે ફરજ પણ છે. આથી આઝાદી દિવસનાં પર્વ નિમિત્તે આ વર્ષે સવાણી હેરીટેજ ક્ધઝર્વેશન પ્રા.લી. દ્વારા એક અલગ પ્રકારે ઉજવણી કરવામાં આવી રહી છે. જુનાગઢમાં આવેલ એન્ટીક કોઈન મ્યુઝિયમ, મજેવડી ગેટ અને સરદાર ગેટ ગેલેરી ખાતે તા.12 થી 15 ઓગસ્ટ દરમિયાન આવનાર પ્રવાસીઓને પ્રવેશ ટિકિટની સાથે સાથે એક તિરંગો આપવામાં આવશે, જે વિશેષરૂપે અમારા દ્વારા તૈયાર કરાવવામાં આવેલ છે. 15મી ઓગસ્ટ ની ઉજવણી કર્યા બાદ આ તિરંગાને આપણા ઘરનાં કુંડા કે બગીચામાં સમ્માનપૂર્વક રોપી શકાય તે મુજબનો બનાવવામાં આવેલ છે, જેને માટીમાં વાવ્યાં બાદ તેમાંથી તુલસીનો છોડ ઉગે તેવા બીજ તેમાં રાખવામાં આવેલ છે. તો આવો સૌ ભેગા મળીને તિરંગાને અપનાવીએ અને પવિત્ર એવા તુલસીના છોડને વાવીએ.
આ સાથે સાથે જુનાગઢ મહાનગરપાલિકાના સહયોગથી સરદાર પટેલ ગેટ ખાતેની ગેલેરીમાં એક ઉમેરો થવા જઈ રહ્યો છે. સન 1947ના રોજ ભારત દેશ આઝાદ થયો. પણ આ મળેલી આઝાદીએ એક દેશનું વિભાજન કરી નાખેલ. આ વિભાજન કંઈ-કેટલાય પરિવારો માટે અસહનીય હતું. આ સમયે નિર્માણ પામેલ પરિસ્થિતિઓ અને સંજોગોને દર્શાવતી એક ગેલેરી ખુલ્લી મુકવામાં આવશે.
- Advertisement -
આ ઉપરાંત તારીખ 14 અને 15 ઓગસ્ટ ના રોજ સરદાર ગેટ ગેલેરી ખાતે આઝાદી પહેલા અને પછીની પરિસ્થિતિઓને દર્શાવતી અને જુનાગઢની મુદ્રા ઇકો સોસાયટીના સભ્ય શ્રી રમેશગીરી ગોસાઈ દ્વારા તૈયાર કરવામાં આવેલ એક ગેલેરી “આઝાદીની આરપાર” પણ અહીં નિહાળવા મળશે. તેમજ એન્ટીક કોઈન મ્યુઝિયમ મજેવડી ગેટ ખાતે પણ આઝાદીને અનુરૂપ સિક્કાઓનું પ્રદર્શન જુનાગઢની મુદ્રા ઇકો સોસાયટીના સહયોગથી સવાણી હેરીટેજ ક્ધઝર્વેશન પ્રા. લી. દ્વારા અહીં કરવામાં આવ્યું છે.