અન્નપૂર્ણા આટા ફેક્ટરી પાછળ છેલ્લા છ માસથી ચાલતાં ગોરખધંધા પર મધરાત્રે ટીમ ત્રાટકી : કૌભાંડના માસ્ટર માઈન્ડ રાજકોટના વિક્રમસિંહ જાડેજા સહિત છની ધરપકડ
રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં દારૂ, જુગાર, ગેસ રિફિલિંગ, બાયોડિઝલ, ભેળસેળયુક્ત ડીઝલ વેચાણ સહિતના ગોરખધંધા પર ત્રાટકીને ધડાધડ દરોડા પાડવાનું શરૂ કરવામાં આવતાં ગુનેગારોની સાથે સાથે સ્થાનિક પોલીસમાં પણ ગજબનો ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. આવો જ વધુ એક મોટો દરોડો સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા પડધરીમાં પાડવામાં આવ્યો છે જ્યાં છેલ્લા છ મહિનાથી બિન્દાસ્તપણે ભેળસેળયુક્ત ડીઝલ વેચવાનું કારસ્તાન ચાલી રહ્યું હતું. એસએમસીએ દરોડો પાડીને 14.18 લાખની કિંમતનું 19700 લીટર ડીઝલ સહિત 67.92 લાખના મુદ્દામાલ સાથે મુખ્ય આરોપી વિક્રમસિંહ ઘનુભા જાડેજા સહિત છની ધરપકડ કરી છે તો રાજકોટનો લાલો આહિર સહિત ત્રણ લોકો ફરાર થઈ ગયા છે.
- Advertisement -
આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે સ્ટેટ મોનિટરિંગ સેલના ડીવાયએસપી કે.ટી.કામરિયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ સી.એન.પરમાર સહિતની ટીમે મધરાત્રે પડધરીની અન્નપૂર્ણા આટા ફેક્ટરી પાછળ ધમધમતા ભેળસેળયુક્ત ડીઝલના વેચાણ પર દરોડો પાડ્યો હતો. આ વિસ્તાર પડધરી પોલીસ મથકની હદમાં આવે છે ત્યારે છ મહિનાથી અહીં આ પ્રકારનો ગોરખધંધો ચાલી રહ્યો હોવા છતાં સ્થાનિક પોલીસની નજરમાં તે નહીં આવતાં અનેક શંકાઓ પણ ઉદ્ભવી રહી છે.
પોલીસે સ્થળ પરથી ટ્રકમાં ડીઝલ પૂરાવવા આવનાર મિનેશ રમણીકભાઈ ભેંદપરા (રહે.મોરઝર, જિલ્લો જામનગર), શાહરૂખ અજીતભાઈ સાકીયા (રહે.જામનગર), નરેન્દ્રસિંહ બલુસિંહ પવાર (રહે.રાજસ્થાન), કૌભાંડનો મુખ્ય સૂત્રધાર વિક્રમતસિંહ ઘનુભા જાડેજા (રહે.રાજકોટ), રવી પ્રવીણભાઈ વીરડા (ઘનુભાનો ભાગીદાર), લલિતસિંહ પ્રતાપસિંહ પવાર (રહે.રાજસ્થાન)ની ધરપકડ કરી છે. જ્યારે ડીઝલનો જથ્થો મોકલનાર રાજકોટનો લાલો આહિર, ડીઝલ ભરેલું ટેન્કલ લાવનાર રાજકોટનો બશીર અને ડીઝલ કટિંગ માટે પડધરીમાં જગ્યા ભાડે આપનાર બાબુ સોની ફરાર થઈ જતાં તેની ધરપકડ કરવા તજવીજ શરૂ કરી છે.
આ સાથે જ પોલીસે 14,18,400ની કિંમતનું 19700 લીટર ભેળસેળયુક્ત ડીઝલ, 1,28,600ની રોકડ, 55,500ની કિંમતના આઠ મોબાઈલ, 18 લાખની કિંમતના બે ટેન્કર, 22 લાખની કિંમતના બે ટ્રક, 11 લાખની કિંમતની બે કાર, એક જનરેટર, ડિસ્પેન્સર મશીન, ઈલેક્ટ્રિક મોટર સહિત કુલ રૂા.67,92,500નો મુદ્દામાલ કબજે કર્યો છે.