ઘરેલુ હિંસા અધિનિયમ 2005 અનુસાર કોઇપણ સ્ત્રીને કોઈપણ સ્થળે રક્ષણ પૂરું પાડવામાં આવે છે
ખાસ-ખબર સંવાદદાતા
દરેકે ક્ષેત્રમાં સ્ત્રીઓ પુરુષને પાછળ છોડીને આગળ વધી રહી છે ત્યારે કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણીના કિસ્સા વધ્યા હોય મોરબીમાં કામકાજના સ્થળે જાતીય સતામણીનો શિકાર બનતી મહિલાઓ વધુ જાગૃત થાય અને નીડરતાથી સામનો કરે તે માટે મોરબી જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી દ્વારા જિલ્લા પંચાયત ઓડિટોરિયમ ખાતે કામકાજના સ્થળે જાતિય સતામણી અધિનિયમ-2013 અંગે સેમિનાર યોજાયો હતો.
મોરબી જીલ્લા પંચાયત ખાતે યોજાયેલ જાતીય સતામણી સામેના જાગૃતિ સેમિનારમાં સરકારી કચેરીઓમાં જુદી જુદી શાખામાં ફરજ બજાવતી મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી.
- Advertisement -
જેમાં જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી કચેરીના ચેરમેન સરોજબેન આદ્રોજા, મોરબી જિલ્લાના પ્રોટેક્શન ઓફિસર નિલેશ્વરીબેન ગોહેલ, નાયબ ચિટનીશ રજીબેન પંડ્યા, મયુરીબેન ઉપાધ્યાય, ડો. વૈશાલીબા અને રાજુભાઇ બદ્રખિયાએ ઉપસ્થિત રહી મહિલાઓને યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું અને મોરબી જિલ્લામાં સરકારી કચેરીઓ સહિતના કામના સ્થળે મહિલાઓને જાતીય સતામણીથી કેમ બચવું અને તેનો નીડરતાથી સામનો કરવો તે અંગે વિચાર વિમર્શ કર્યો હતો અને સ્ત્રી અબળા હોવાની માનસિકતામાંથી બહાર આવી સ્ત્રી ખરેખર નારી શક્તિ હોવાનું સચોટ માર્ગદર્શન આપ્યું હતું તેમજ આ કાર્યક્રમમાં ઘરેલુ હિંસા, પી.બી.એસ.સી યોજના, 181 મહિલા હેલ્પલાઇન, સખી વન સ્ટોપ સેન્ટર અને કામકાજના સ્થળે જાતિય સતામણી અધિનિયમ 2013 વગેરે વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત આ વિષય અનુરૂપ શોર્ટ ફિલ્મ પણ દેખાડવામાં આવી હતી.