રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં કોલ્ડવેવની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યભરના તાપમાનમાં હજુ 2થી 3 ડિગ્રીનો ઘટાડો થશે.
છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં સિંગલ ડિજિટમાં તાપમાન નોંધાઇ રહ્યું છે. ઠંડી વધતા લોકો ઠૂંઠવાયા છે. વહેલી સવારે ટહેલવા અને વોકિંગ કરવા તેમજ રનિંગ માટે નીકળતા લોકોની સંખ્યા ઘટી છે. ઉપરાંત વહેલી સવારે સ્કૂલ જતા વિદ્યાર્થીઓને પણ મુશ્કેલી પડે છે. જોકે, સ્થાનિક તંત્ર દ્વારા સવારે સ્કૂલ મોડી શરૂ કરવા આદેશ દેવાઈ ચુક્યા છે. આ વચ્ચે હવામાન વિભાગે મોટી આગાહી કરી છે.
- Advertisement -
હવામાન વિભાગની ઠંડીને લઈને આગાહી
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, રાજ્યભરના તાપમાનમાં હજુ 2થી 3 ડિગ્રીનો ઘટાડો થશે. બુધવારથી બે દિવસ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે. 29 જાન્યુઆરીથી ફરીથી કોલ્ડવેવની આગાહી છે. સાઈક્લોનિક સરક્યુલેશનની અસરથી રાજ્યભરમાં ઠંડી વધશે. ધુમ્મસને લીધે સામાન્ય રીતે 3થી 4 કિ.મી. વિઝિબિલટી ઘટીને 1 કિ.મી. થઈ છે.
તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેલ્શિયસ સુધી થશે ઘટાડો
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી 24 કલાક દરમિયાન સરેરાશ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્શિયસ સુધી ઘટાડો નોંધાઈ શકે છે, સાથો સાથ ચાર દિવસો દરમિયાન પણ તાપમાન નીચું રહેવા તથા ઠંડા પવનો ફૂંકાવાની આગાહી વ્યક્ત કરાઈ છે. ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શીતલહેરની સંભાવનાઓને પગલે લોકોએ કેટલીક તકેદારી રાખવાની અપીલ કરી છે.
ફૂટપાથ પર રહેતા શ્રમજીવીઓની હાલત કફોડી બની
અમદાવાદ શહેરનો પારો આજે 10 ડિગ્રીએ પહોચ્યો છે. એકાએક ઠંડીનો પારો ગગડતા ઠંડીમાં વધારો થયો છે. તો રસ્તા પર ધુમ્મસની ચાદર છવાઈ ગઈ છે. જેથી વહેલી સવારે લોકો શરીરને હૂંફ આપતા વસ્ત્રો પહેરી કામે જતા જોવા મળ્યા છે. ઠંડીથી બચવા માટે શહેરના લોકો તાપણું કરી લઈ રહ્યા છે. તો ગાત્રો થીજાવતી ઠંડીના કારણે ફૂટપાથ પર રહેતા શ્રમજીવીઓ અને કાચાં ઝુંપડાંમાં રહેતા પરિવારોની હાલત અત્યંત કફોડી બની છે. શહેરમાં ઠંડીનું પ્રમાણ વધતા કલેક્ટરે મામલતદારો અને પ્રાંત અધિકારીઓને જરૂરી પગલા લેવા આદેશ આપ્યા છે.