ખંભાળિયા- જામનગર ધોરી માર્ગ પર આજરોજ વહેલી સવારે એક ટ્રક તથા મિલ્ક વાન એવી બોલેરો વાહન સાથે ગમખ્વાર અકસ્માત સર્જાતા આ બોલેરોમાં જઈ રહેલા ડ્રાઇવર સહિત બે યુવાનોના કરૂણ મૃત્યુ નિપજયા હતા.
આ બનાવની જાણવા મળતી વિગત મુજબ ખંભાળીયા- જામનગર ધોરીમાર્ગ પર અત્રેથી આશરે બારેક કિલોમિટર દૂર આરાધનાધામ નજીક આજે સવારે દૂધ ભરેલા બોલેરો વાહન સાથે આ માર્ગ પર રહેલા એક ટ્રકનો ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. આ ગંભીર અકસ્માતમાં દૂધ ભરેલા બોલેરો વાહનના આગળના મોહરાના ભાગનો બુકડો બોલી ગયો હતો. જેના કારણે બોલેરોના ચાલક એવા જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ધુનધોરાજી ગામના રહીશ એવા નીલકંઠભાઈ મહેશભાઇ મકવાણા નામના 22 વર્ષના યુવાનનું ઘટનાસ્થળે જ કરુણ મૃત્યુ નીપજયું હતું. જ્યારે બોલેરોમાં તેમની સાથે જઈ રહેલા રાજકોટના પરેશભાઈ નામના એક યુવાનને ગંભીર ઇજાઓ થતાં ખંભાળિયાની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી, વધુ સારવાર માટે જામનગરની હોસ્પિટલમાં ખસેડાતા માર્ગમાં જ તેમણે અંતિમ શ્વાસ ખેંચ્યા હતાઆ બનાવ બનતા ઈમરજન્સી 108 વાન ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને જરૂરી કાર્યવાહી કરી હતી. આ ઉપરાંત ખંભાળિયા પોલીસે પણ ધટના સ્થળે પહોંચી, જરુરી ટ્રાફિક નિયમન તથા અહીંની સરકારી હોસ્પિટલ ખાતે પણ પોસ્ટમોર્ટમ સહિતની જરૂરી કાર્યવાહી કરી હતી.
- Advertisement -
સાગર સંઘાણી, જામનગર.


