મોરબી જેવા ઈન્ડસ્ટ્રીયલ હબને અનુભવ કામે લગાડી પ્રશ્નોના નિરાકરણ લાવવાનો સક્રિય પ્રયાસ રહેશે : જી.ટી. પંડ્યા
હાલમાં જ રાજ્ય સરકાર દ્વારા આઇએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી જેમાં મોરબી જિલ્લા કલેક્ટર જે.બી. પટેલની બદલી કરવામાં આવી છે અને તેઓનું સ્થાન ટેક્નીકલ એજ્યુકેશન વિભાગના ડિરેક્ટર તરીકે કાર્યરત જી.ટી. પંડ્યાએ લીધું છે. ગઈકાલે તા. 14 ઓક્ટોબરના રોજ તેઓએ મોરબી જીલ્લા કલેક્ટર તરીકેનો પદભાર સંભાળી લીધો છે.
- Advertisement -
મોરબી જીલ્લા કલેક્ટર તરીકે પદભાર સંભાળતા જી.ટી. પંડ્યાએ મોરબી જીલ્લાને વિકાસની નવી દિશાઓ આપી પોતાનો ઇન્ડસ્ટ્રીયલ વિભાગનો અનુભવ કામે લગાડી ઇન્ડસ્ટ્રીઝ હબ ગણાતા મોરબી જિલ્લાના ઔદ્યોગિક એકમોને વધુ ઊંચાઇ આપી તેઓના પ્રશ્નોનો ઉકેલ લાવવા સક્રિય પ્રયાસો હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું. આ ઉપરાંત કલેક્ટર જી.ટી. પંડ્યાએ વધુમાં જણાવ્યું હતું કે, મોરબી જિલ્લામાં આરોગ્ય તેમજ શિક્ષણ ક્ષેત્રે વધુ સારી કામગીરી થાય તેવા પ્રયાસો હાથ ધરી સ્ટુડન્ટ્સ સ્ટાર્ટ-અપ અને ઇનોવેશન પોલીસી અંતર્ગત ચાલતી યોજનાઓનો જિલ્લાની તમામ શૈક્ષણિક સંસ્થાઓને વધુને વધુ લાભ પહોંચાડવા પ્રયાસો હાથ ધરવામાં આવશે. મોરબી જિલ્લાના પૂરોગામી કલેક્ટર જે.બી. પટેલ દ્વારા ચાલી રહેલ કામગીરીને સુપેરે આગળ ધપાવીને અનેક નવા કામોની શરૂઆત કરવાનો પણ તેઓએ કોલ આપ્યો છે.
મૂળ અમરેલી જિલ્લાના જી.ટી. પંડ્યા 2011 બેચના આઇ.એ.એસ. અધિકારી છે. તેઓ માઇનીંગ એન્જિનીયરીંગમાં બી.ટેક.ની ડિગ્રી ધરાવે છે. અગાઉ ઇન્ડસ્ટ્રીઝ ડિપાર્ટમેન્ટમાં ડેપ્યુટી કમિશ્નર, છોટાઉદેપુર જિલ્લામાં અધિક કલેક્ટર, રાજકોટમાં જિલ્લા વિકાસ અધિકારી, ગુજરાત મેડીકલ સર્વિસ કમિશનના મેનેજિંગ ડિરેક્ટર તરીકે તેઓએ પોતાની સેવા આપી છે અને છેલ્લે તેઓ ટેક્નીકલ એજ્યુકેશન વિભાગ રાજ્ય સરકારના ડિરેક્ટર તરીકે પોતાની ફરજ નિભાવી રહ્યા હતા. હાલમાં જ રાજ્ય સરકાર દ્વારા તેઓની મોરબી જીલ્લા કલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે.